હવેથી વેસ્ટર્ન રેલવે બનશે વધુ વેગવાન

06 December, 2021 09:52 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

વર્ષો જૂનાં સ્પીડ રિસ્ટ્રિક્શન્સ આજથી દૂર થઈ રહ્યાં હોવાથી દરેકેદરેક ટ્રેન હવે સાડાત્રણ મિનિટ વહેલી પહોંચશે જેનો ફાયદો પીક-અવર્સમાં ઑફિસ જનારાને થશે

ફાઈલ તસવીર

મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં રોજના લાખો લોકો મુસાફરી કરે છે. હવે વેસ્ટર્ન લાઇનમાં વર્ષો જૂનાં સ્પીડ રિસ્ટ્રિક્શન્સ હટાવવામાં આવતાં આજથી દરેક ટ્રેન સાડાત્રણ મિનિટ વહેલી પહોંચી શકશે. આમ તો આ ફરક બહુ મામૂલી જણાય છે, પણ એનાથી ઓવરઑલ મોટો ફરક પડશે. ઘડિયાળના કાંટે દોડતા મુંબઈગરા અને એમાં પણ સરકારી અને પ્રાઇવેટ ઑફિસોમાં જ્યાં પન્ચિંગની સિસ્ટમ છે એના કર્મચારીઓ માટે તો ત્રણ મિનિટ બહુ મોટી બચત અને સોગાદ છે. એક મિનિટ પણ મોડા પડવાથી લેટ માર્ક, ત્રણ લેટ માર્ક એટલે હાફ ડે કટ. તેમના માટે આ ત્રણ મિનિટનો સમય ગોલ્ડન બચતનો રહેશે. 
વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર સુમિત ઠાકુરે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘પર્મનન્ટ સ્પીડ રિસ્ટ્રિક્શન્સ હેઠળ મરીન લાઇન્સ પાસે પહેલાં માત્ર ૨૦ કિલોમીટરની ઝડપે જ ટ્રેન દોડે એવી લિમિટ સેટ કરાઈ હતી એ હવે હટાવી લેવાઈ છે. એના કારણે દરેક ટ્રેનની બે મિનિટ બચી જશે. એથી કુલ ૫૬૦ મિનિટની બચત થશે. આ ઉપરાંત સાંતાક્રુઝ ખાતે ત્રણ લાઇન ક્રૉસઓવર હતું એની જગ્યાએ બે લાઇન ક્રૉસઓવર કરવાથી ખાર અને બાંદરા વચ્ચે જે ૧૫ કિલોમીટરની સ્પીડ મેઇન્ટેઇન કરવી પડતી હતી એ હવે ૩૦ કિલોમીટર સુધી વધારાઈ શકી છે. એથી દરેક ટ્રેનની ૧.૨૭ મિનિટ બચતાં કુલ ૩૦૪ મિનિટ રોજની બચશે. આ જ ધોરણ દાદર ક્રૉસઓવર માટે પણ અપનાવાયું છે, જેને કારણે ૬ નંબર પર આવતી અને ત્યાંથી જ ઊપડતી ટ્રેનો ઝડપથી આવી અને ઝડપથી ઊપડી શકશે. વળી મુંબઈ સેન્ટ્રલ પર જે શન્ટિંગનો સમય હતો એ પણ હવે ૨૫ કોચની ટ્રેન માટેની સગવડ ઊભી કરાતાં ૩૦ મિનિટ જેટલો ઘટી ગયો છે. 
પર્મનન્ટ સ્પીડ રિસ્ટ્રિક્શન્સ હટાવી લેવાનો લાભ હાર્બર લાઇનને પણ મળવાનો છે. ત્યાં પણ ટ્રેનોની સ્પીડ જે અત્યાર સુધી વધુમાં વધુ ૩૫ કિલોમીટરની હતી એ વધારાઈને ૫૦ કિલોમીટર કરાઈ છે. ભાઈંદર ખાતે પણ સ્ટેશન પહેલાં ચોક્કસ પૅચમાં સ્પીડલિમિટ ૧૫ કિલોમીટર હતી એ વધારીને ૩૦ કિલોમીટર કરાઈ છે જેથી દરેક ટ્રેનની ૧.૨૫ મિનિટ બચશે. 

"પર્મનન્ટ સ્પીડ રિસ્ટ્રિક્શન્સ હટાવી લેવામાં આવતાં દરેક ટ્રેનની સાડાત્રણ મિનિટ બચી જશે. એથી કુલ ૮૬૪ મિનિટની બચત થશે." : સુમીત ઠાકુર, વેસ્ટર્ન રેલવેના ચીફ પીઆરઓ

mumbai mumbai news western railway mumbai local train rajendra aklekar