શિવસેનાને ખતમ કરવાના પ્રયાસો નવેસરથી થઈ રહ્યા છે : ઉદ્ધવ ઠાકરે

04 August, 2022 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉદ્ધવ ઠાકરેનું નેતૃત્વ ધરાવતી શિવસેનાએ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથના બળવાખોર વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાની માગણી કરી હતી

ઉદ્ધવ ઠાકરે

ભૂતકાળમાં શિવસેનાનું વિભાજન કરવાના પ્રયાસો થયા હતા, પણ હવે પક્ષને ખતમ કરવાના નવેસરથી પ્રયાસો થઈ રહ્યા હોવાનું સેના-સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ બુધવારે જણાવ્યું હતું. ‘માતોશ્રી’ ખાતે પક્ષના કાર્યકરોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે તેમને ન્યાયવ્યવસ્થા પર પૂરો વિશ્વાસ છે.

ઉદ્ધવ ઠાકરેનું નેતૃત્વ ધરાવતી શિવસેનાએ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથના બળવાખોર વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાની માગણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે બુધવારે મહારાષ્ટ્રમાં તાજેતરમાં સર્જાયેલી રાજકીય ગતિવિધિને કારણે ઉદ્ભવેલા બંધારણીય મુદ્દાઓ પર એકનાથ શિંદેના જૂથને હરીફ ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા દાખલ કરાયેલી યાચિકાઓ પરની તેમની રજૂઆત રીડ્રાફ્ટ કરવાનો હુકમ કર્યો હતો.

ફક્ત સિદ્ધાંતો પર ચાલતો ભાજપ જેવો પક્ષ જ ટકી રહેશે, જ્યારે પરિવારોથી ચાલતા અન્ય પક્ષો ખતમ થઈ જશે એવી ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડાની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યા વિના ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘અગાઉ શિવસેનાને તોડવાના પ્રયાસો થયા હતા, પણ હવે પક્ષને ખતમ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.’

mumbai mumbai news shiv sena uddhav thackeray