કચ્છી વીસા ઓસવાળ જૈન મહાજનનાં ૫૨-૪૨ ગામોમાં હવે ધાર્મિક પ્રસંગોમાં હાજર રહેશે વિનામૂલ્ય ઍમ્બ્યુલન્સ

05 March, 2026 08:15 AM IST  |  Kutch | Gujarati Mid-day Correspondent

અનશનવ્રતધારી, જૈન સમાજ રત્ન તારાચંદ છેડાની પ્રેરણાથી શ્રી કચ્છી વીસા ઓસવાળ જૈન મહાજન-ભુજ અને શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ દ્વારા જાહેરાત

મિડ-ડેમાં પ્રસિદ્ધ થયેલો અહેવાલ અને ઍમ્બ્યુલન્સની વિનામૂલ્ય સેવાની જાહેરાતનો કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજ દ્વારા વાઇરલ કરવામાં આવેલો મેસેજ.

કચ્છના અબડાસા જિલ્લાના ચિયાસર ગામમાં ૧૫ ફેબ્રુઆરીએ દેરાસરની ધજાના પ્રસંગે ડોમ્બિવલી (ઈસ્ટ)ના વેપારી ૬૦ વર્ષના સુધીર મારુનું મેડિકલ સુવિધાના અભાવે મોત થયા પછી કચ્છનાં ગામોમાં પહેડી કે ધજાના પ્રસંગો સમયે દરેક જૈન સંઘ, શ્રી મહાજન, શ્રી ગામ પંચાયત તરફથી કાર્ડિયોલૉજિસ્ટ ટીમ સાથે મેડિકલ હેલ્થ ચેકઅપ કૅમ્પ અને સંપૂર્ણ સુવિધાથી સજ્જ ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા હોવી જોઈએ એવી માગણીએ જોર પકડ્યું હતું, જેને પરિણામે કચ્છ-ભુજના શ્રી કચ્છી વીસા ઓસવાળ જૈન મહાજન અને શ્રી સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજના નેજા હેઠળ અનશનવ્રતધારી, જૈન સમાજ રત્ન તારાચંદ છેડાની પ્રેરણાથી કચ્છી વીસા ઓસવાળ જૈન મહાજનનાં ૫૨-૪૨ ગામોમાં જ્યારે પણ ધાર્મિક પ્રસંગ હશે ત્યારે ઍમ્બ્યુલન્સની સેવા વિનામૂલ્ય પૂરી પાડવામાં આવશે એવી જાહેરાત કરીને પહેલ કરવામાં આવી છે.  

આ બાબતની માહિતી આપતાં ચિયાસર કચ્છી વીસા ઓસવાળ જૈન મહાજનના ભૂતપૂર્વ ટ્રસ્ટી કાન્તિભાઈ શાહે ‘મિડ-ડે’નો આભાર માનતાં કહ્યું હતું કે ‘કચ્છનાં ગામોમાં પહેડી અને ધજાના પ્રસંગોમાં હેલ્થને પણ પ્રાયોરિટી આપવાની માગણીને ‘મિડ-ડે’એ તેમના અહેવાલમાં પ્રસિદ્ધિ આપીને અમારા અવાજને બુલંદ કર્યો હતો. અમે આ અહેવાલને અમારાં ૫૨-૪૨ ગામોનાં મહાજનમાં વાઇરલ કર્યો હતો. આ પહેલાં જ સુધીર મારુની પ્રાર્થનાસભામાં મારુ પરિવાર અને અત્ય દાતાઓએ ચિયાસર ગામમાં રોજ ડૉક્ટર હાજર રહે અને ગામના લોકોને મેડિકલ સેવા મળી રહે એવી વ્યવસ્થા માટે અનુદાનની જાહેરાત કરી હતી.’

‘મિડ-ડે’નો આ અહેવાલ ભુજ સુધી પહોંચતાં જ અમારા મહાજનના અગ્રણી તારાચંદ છેડાના પરિવારે કચ્છના ધાર્મિક પ્રસંગોમાં તેમના તરફથી વિનામૂલ્ય ઍમ્બ્યુલન્સ સેવા આપવાની જાહેરાત કરીને આ કાર્યમાં પહેલ કરી હતી એમ જણાવતાં કાન્તિભાઈએ કહ્યું હતું કે ‘તારાચંદ છેડા લોકોનું દુઃખ જોઈને દ્રવિત થઈ જાય એવી લાગણીશીલ વ્યક્તિ હતા. જનકલ્યાણનું કામ હોય, જરૂરિયાતમંદનું કામ હોય કે પછી અબોલ પશુઓની જીવદયાનું કામ હોય; તેમણે અવિરતપણે સતત સેવા કરી હતી અને સમગ્ર જીવન સેવામાં સમર્પિત કર્યું હતું. કચ્છમાં અછત હોય કે અન્ય આરોગ્યલક્ષી સેવા, તેમણે સેવાની સરવાણી વહાવી હતી. આ સેવાના વારસાને તેમનો પુત્ર જિગર છેડા અવિરત વહેવડાવતો રહે છે.’

mumbai news mumbai kutchi community gujarati community news gujaratis of mumbai jain community bhuj kutch