પોલીસ ન બની શકતાં તેનો યુનિફૉર્મ પહેરીને છેતરપિંડી કરનારો પકડાયો

22 November, 2022 12:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આશરે ૧૦ દિવસ પહેલાં તેણે એક મહિલાને રોડ પર અટકાવી તેના મોબાઇલમાંથી ૭૫૦૦ના બીટકૉઇન પોતાના મોબાઇલમાં સેરવી લીધા હતા,

પ્રતીકાત્મક તસવીર

નિવૃત્ત પોલીસ કૉન્સ્ટેબલનો પુત્ર પોલીસ બનવા માગતો હોવાથી તેણે કેટલીક તૈયારી પણ કરી હતી. જોકે એમાં તે નિષ્ફળ જતાં તેણે પોલીસ યુનિફૉર્મ પહેરી નાગરિકો સાથે છેતરપિંડી કરવાની શરૂઆત કરી હતી. છેલ્લા કેટલાક વખતથી તે રોડ પર ઊભો રહી થ્રી સ્ટાર અધિકારીનો યુનિફૉર્મ પહેરી વાહનચાલકોને અટકાવી પૈસા પડાવતો હતો. આશરે ૧૦ દિવસ પહેલાં તેણે એક મહિલાને રોડ પર અટકાવી તેના મોબાઇલમાંથી ૭૫૦૦ના બીટકૉઇન પોતાના મોબાઇલમાં સેરવી લીધા હતા, જેની ફરિયાદ પોલીસને મળતાં તેઓએ તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે.

થાણેના કળવા વિસ્તારમાં રહેતા ૬૨ વર્ષના જગતાપ નામના નિવૃત્ત પોલીસ કૉન્સ્ટેબલનો ૪૧ વર્ષનો પુત્ર રામદાસ જગતાપ પોલીસ બનવા માગતો હતો, જેના માટે તેણે કેટલીક તૈયાર કરી પોલીસ પરીક્ષા પણ આપી હતી, જેમાં સ્કોર ઓછો આવતાં તે નિષ્ફળ રહ્યો હતો. ત્યાર બાદ તેણે પોલીસ યુનિફૉર્મ ખરીદી અને નકલી પોલીસ ઓળખ કાર્ડ બનાવ્યું હતું. એ પછી રોડ પર પોલીસ યુનિફૉર્મ પહેરી વાહનોને અટકાવી તેઓની સાથે છેતરપિંડી કરતો હતો. ૧૩ નવેમ્બરે તેણે એક મહિલાને રોડ પર અટકાવી તેનો મોબાઇલ લઈ મહિલાના અકાઉન્ટમાંથી આશરે ૭૫૦૦ના બીટકૉઇન પોતાના મોબાઇલમાં ટ્રાન્સફર કરી લીધા હતા, જેની જાણ થોડી વાર પછી મહિલાને થતાં તેણે કળવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કળવા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મનોહર આવ્હાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા અઠવાડિયે અમને એક મહિલાની ફરિયાદ મળી હતી જેમાં મહિલાએ કહ્યું હતું કે પોલીસ યુનિફૉર્મ પહેરેલા એક યુવાને તેના મોબાઇલમાંથી બીટકૉઇન પોતાના મોબાઇલમાં ટ્રાન્સફર કર્યા હતા. એ પછી ઘટનાની ફરિયાદ નોંધી આરોપીની તમામ માહિતી મેળવી તેની ધરપકડ કરી છે.’ 

mumbai mumbai news Crime News mumbai crime news mumbai police