દુકાળમાં અધિક માસ આને કહેવાય

19 May, 2022 07:41 AM IST  |  Mumbai | Mehul Jethva

નાલાસોપારામાં રહેતી સાત પુત્રીની ગુજરાતી માતાની આર્થિક પરેશાની દૂર કરવામાં માનસિક પરેશાની વધી ગઈ : લોન લેવા જતાં છેતરપિંડી

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : નાલાસોપારામાં રહેતી ગુજરાતી મહિલાને સાત પુત્રીઓ છે. ચાર પુત્રીનાં લગ્ન થઈ ગયાં છે. ચોથા નંબરની પુત્રીને બાળક આવતાં એનો પ્રસંગ ઘરે ઊજવવા માટે મહિલાને પૈસાની જરૂર હતી. એ દરમ્યાન તેની એક યુવાન સાથે ઓળખાણ થઈ હતી. તેણે લોન અપાવવાના બહાને મહિલાના ડૉક્યુમેન્ટ્સ લઈને એના પર ૬૦,૦૦૦ રૂપિયાનો મોબાઇલ મહિલાની જાણ બહાર લઈ લીધો હતો. બૅન્ક તરફથી જ્યારે મહિલાને હપ્તા ભરવા માટે ફોન આવ્યો ત્યારે તેને છેતરપિંડીનો શિકાર થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. એ પછી તેણે અર્નાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અર્નાળા પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં મહિલાને લોનરૂપે પૈસા તો ન મળ્યા, પણ એની સામે દર મહિને ૬૬૦૦ રૂપિયાનો હપ્તો શરૂ થઈ જતાં તે પરેશાનીમાં મુકાઈ ગઈ છે.
નાલાસોપારા-ઈસ્ટમાં વિજયનગર વિસ્તારમાં ગોવિંદ અપાર્ટમેન્ટમાં રહેતાં ૪૬ વર્ષનાં ભાનુબહેન ચાવડાએ કરેલી ફરિયાદ અનુસાર તેમને એપ્રિલ મહિનામાં પૈસાની જરૂર હતી. એ દરમ્યાન તેમની મુલાકાત દીપક લાલન સાથે થઈ હતી. તેણે ભાનુબહેનને લોન અપાવવાનો વાયદો કરીને તેમની પાસેથી લોન લેવા માટે ડૉક્યુમેન્ટ્સ લીધા હતા. એ પછી તે યુવાન તિરુપતિનગરમાં સ્નેહાંજલિ સામે આવેલી ટૉપ ૧૦ દુકાનમાં ભાનુબહેનને લઈ ગયો હતો. દુકાનમાં એક વ્યક્તિ સાથે વાત કર્યા પછી તેણે એક પેપર પર ભાનુબહેનની સહી લીધી હતી. દુકાનમાં રહેલી એક મહિલાએ ભાનુબહેનનો ફોટો પણ લીધો હતો. એ પછી દીપકે ભાનુબહેનને કેટલી લોન જોઈએ છે એમ પૂછ્યું હતું. ભાનુબહેનને માત્ર ૪૫,૦૦૦ રૂપિયા લોન જોઈતી હોવાથી યુવાને તેમને કહ્યું હતું કે બેથી ત્રણ દિવસમાં પૈસા તમારા અકાઉન્ટમાં જમા થઈ જશે. જોકે એ પછી એક મહિના સુધી વારંવાર દીપકને લોનના પૈસા જમા ન થયા હોવા વિશે પૂછતાં તેણે ટાળંટોળ કર્યું હતું. એકાએક ત્રણ દિવસ પહેલાં ભાનુબહેનને બજાજ ફાઇનૅન્સના અધિકારીઓએ ૬૬૦૦ રૂપિયાનો હપ્તો ભરવા માટે ફોન કર્યો હતો. એ પછી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ભાનુબહેનના ડૉક્યુમેન્ટ્સ પર દીપકે મોબાઇલ લઈ એ બારોબાર વેચી એના પૈસા પોતાની પાસે રાખીને ભાનુબહેન સાથે છેતરપિંડી કરી હતી.
ભાનુબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને સાત દીકરી છે. મારા પતિનું મૃત્યુ થઈ ગયું છે. મારી ચોથા નંબરની દીકરીને બાળક આવતાં વહેવાર કરવો પડે એમ હતો એટલે મને પૈસાની જરૂર હતી. ત્યારે મારી ઓળખાણ દીપક સાથે થઈ હતી. તેણે મારા ડૉક્યુમેન્ટ્સ પર મોબાઇલ લઈને વેચી દીધો હતો. એક તરફ મારી આર્થિક હાલત ખરાબ છે અને બીજી તરફ મારે હવે હપ્તા પણ ભરવા પડશે.’
અર્નાળા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીની અમે ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. આરોપી પર અગાઉ પણ છેતરપિંડીના ગુના નોંધાયા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.’

 તેણે મારા ડૉક્યુમેન્ટ્સ પર મોબાઇલ લઈને વેચી દીધો હતો. એક તરફ મારી આર્થિક હાલત ખરાબ છે અને બીજી તરફ મારે હવે હપ્તા પણ ભરવા પડશે.-ભાનુબહેન ચાવડા

mumbai news nalasopara