એપીએમસી માર્કેટના બે વેપારીઓ સાથે માલ લેવા-વેચવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી

22 January, 2023 08:42 AM IST  |  Mumbai | Mehul Jethva

પહેલા બનાવમાં વેપારી પાસે કામ કરતા દલાલે આશરે ૧૭ લાખ રૂપિયાનો માલ વેપારીના નામે ઉપાડીને તો બીજા બનાવમાં ૫૦ ટન કાબુલી ચણા લઈને ૨૯ લાખની છેતરપિંડી કરવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં પહેલાં વિશ્વાસ વધારીને પછી છેતરપિંડી કરવાની ઘટના નવી નથી. આ પહેલાં પણ એપીએમસી માર્કેટના કેટલાક વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. એમાં શુક્રવારે એપીએમસી પોલીસે વધુ બે વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધી છે. પહેલી ઘટનામાં વેપારી પાસે કામ કરતા દલાલે આશરે ૧૭ લાખ રૂપિયાનો માલ વેપારીના નામે ઉપાડીને છેતરપિંડી કરી હતી. બીજી ઘટનામાં વેપારી પાસેથી આશરે ૫૦ ટન કાબુલી ચણાનો માલ લઈને છેતરપિંડી કરવામાં આવી હતી.

મુલુંડ-વેસ્ટમાં દેવીદયાળ રોડ પર રહેતા અને એપીએમસી માર્કેટની ‘એફ’ વિંગમાં કઠોળનો વ્યવસાય કરતા અશોક ભિંડેએ કરેલી ફરિયાદ અનુસાર તેઓ છેલ્લાં પાંચ વર્ષથી યશોવીરા ટ્રેડિંગના નામે ચોખાનો વ્યવસાય કરે છે. એમાં તેઓ એપીએમસી બજારના દલાલો દ્વારા જુદા-જુદા વેપારીઓ પાસેથી માલની ખરીદી અને વેચાણનો વ્યવસાય કરે છે. ૨૦૧૮થી તેમની પાસે રાજેશ અરવિંદ બારૂ નામનો દલાલ કમિશન એજન્ટ તરીકે કાર્યરત હતો. ૩૦ ઑક્ટોબરે રાજેશ કામે આવ્યો ન હોવાથી તેને ફોન કરવામાં આવતાં તેણે બીમાર હોવાનું કહ્યું હતું. એ પછી પહેલી નવેમ્બરે કેટલાક વેપારીઓ માલનું પેમેન્ટ લેવા માટે દુકાને આવી પહોંચ્યા હતા. દરમ્યાન માલ-ખરીદીની બિલબુક તપાસતાં એમાં કોઈ પ્રકારની એન્ટ્રી કરવામાં આવી નહોતી. ત્યાર પછી રાજેશ સાથે જ કામ કરતા બીજા માણસ પાસેથી જાણ થઈ હતી કે રાજેશે ૨૩થી ૩૦ ઑક્ટોબર દરમ્યાન માર્કેટના બીજા કેટલાક વેપારીઓ પાસેથી ૧૭,૪૧,૦૦૦ રૂપિયાનો માલ યશોવીરા ટ્રેડિંગના નામે લીધો હતો અને એ માલ માર્કેટના અન્ય વેપારીઓને વેચીને એના પૈસા પોતાની પાસે રાખી દીધા હતા. એની માહિતી ગ્રોમા અસોસિએશનમાં આપ્યા બાદ એપીએમસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

નેરુળના સેક્ટર ૧૪માં રહેતા અને વાશીમાં સેક્ટર ૧૯માં પૅસિફિક પ્રાઇડ ઇમ્પેક્સ એલએલપીના નામે અનાજનો વ્યવસાય કરતા નિકેત નવીનચંદ્ર નંદુએ કરેલી ફરિયાદ અનુસાર જૂન ૨૦૨૧માં તેમની ઑફિસમાં દીપક પટેલ, મનોજ પટેલ, પ્રતેશ કક્કડ આવ્યા હતા. તેમણે વેપારી હોવાની ઓળખ આપીને એપીએમસી માર્કેટમાં બીજા વેપારીઓ સાથેની પણ ઓળખ આપી હતી. તેઓ ટેન્ડર મારફત માલ વેચતા હોવાનું કહીને હાલમાં કાબુલી ચણા જોઈતા હોવાનું કહ્યું હતું. જુલાઈ મહિનામાં તેઓ પાછા ઑફિસે આવ્યા હતા અને ૫૦૦ ટન કાબુલી ચણા જોઈતા હોવાનો ઑર્ડર આપ્યો હતો. જોકે એ સમયે ફરિયાદીએ માત્ર ૫૦ ટનથી વ્યવહારની શરૂઆત કરવાનું કહેતાં તેઓ માલ લેવા માટે તૈયાર થયા હતા. તમામ માલની કચ્છના ગાંધીધામ ખાતે ડિલિવરી કરાવી હતી. એ પછી આશરે ૧૫ દિવસ પછી જ્યારે તેમને માલના પૈસા માટે ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે ધમકીઓ આપી હતી અને પૈસા ન માગવા માટે કહ્યું હતું. અંતે ફરિયાદીએ પોતાના એક માણસને માલની જ્યાં ડિલિવરી થઈ હતી એ જગ્યા પર મોકલ્યો હતો. ત્યાં તેને જાણ થઈ હતી કે છેતરપિંડી કરનાર ત્રણ ગઠિયાઓએ માત્ર બે મહિના માટે ગાળો ભાડે લીધો હતો. અંતે પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં ૫૮ રૂપિયાના હિસાબે ૫૦,૫૪૦ કિલો કાબુલી ચણાની કુલ ૨૯,૩૧,૩૨૦ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ એપીએમસી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

એપીએમસી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મનિક નલાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં અમે બન્ને કેસની નોંધ કરીને તપાસ શરૂ કરી છે. જોકે આ કેસમાં કોઈની ધરપકડ થઈ નથી. આ પ્રકારના કેસ પહેલાં પણ અમે નોંધ્યા છે જેમાં વેપારીઓ પાસેથી મોટા પ્રમાણમાં માલ લઈને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે.’ 

mumbai mumbai news navi mumbai