ઑનલાઇન પેમેન્ટના નામે ઝવેરી સાથે ચાર લાખ રૂપિયાની છેતરપિંડી

02 August, 2021 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડોમ્બિવલીના જ્વેલરને ખોટો મેસેજ બતાવીને છેતરનાર ગઠિયાની પોલીસે કરી ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

જેમ-જેમ ઑનલાઇન પેમેન્ટનું ચલણ વધતું જાય છે એમ-એમ ગઠિયાઓએ ચોરી કરવાની મોડસ ઑપરેન્ડી બદલી નાખી છે. એમાં વેપારીઓ પાસેથી માલ લઈને મોબાઇલ ઍપથી પેમેન્ટ થઈ ગયું હોવાનો ખોટો મેસેજ બતાવીને ગઠિયાઓ છેતરપિંડી કરતા થયા છે. ડોમ્બિવલીમાં ફડકે રોડ પર એવી જ રીતે એક જ્વેલર સાથે ચાર લાખ રૂપિયાની છેતરપિંડી કરીને ગઠિયો નાસી ગયો હતો. જોકે પોલીસે તરત ઍક્શન લઈ તે ગઠિયાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી સોનાના દાગીના જપ્ત કર્યા હતા.

ડોમ્બિવલી (ઈસ્ટ)માં ફડકે રોડ પર આવેલી નાર્વેકર જ્વેલરમાં ૩૧ જુલાઈએ સાંજે એક યુવાન સોનાના દાગીના ખરીદવા આવ્યો હતો. તેણે ૪ લાખ ૩૦ હજાર રૂપિયાના દાગીના લેવાનું નક્કી કરીને એનું પેમેન્ટ ઑનલાઇન પેટીએમ દ્વારા આપવાનું દુકાનદારને કહ્યું હતું. દુકાનદાર પેમેન્ટ લેવા માટે તૈયાર થતાં તેણે દુકાનદારે આપેલો ક્યુઆર કોડ સ્કૅન કર્યો હતો અને ૪ લાખ ૩૦ હજાર રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હોવાનો મેસેજ બતાવ્યો હતો. દુકાનદારને પેમેન્ટ રિસીવ થવાનો મેસેજ કલાકો સુધી ન આવતાં તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું એટલે તેણે ડોમ્બિવલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

ડોમ્બિવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સચિન સુનંભરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ફરિયાદ નોંધીને તરત આરોપીની શોધમાં લાગ્યા હતા. અમે ક્રાઇમ બ્રાન્ચની પણ મદદ લીધી હતી. જ્વેલરની દુકાનમાં આરોપી સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં પણ કેદ થઈ ગયો હતો. આરોપી વિનય લોહિરેની અમે અંબરનાથ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.’

mumbai mumbai news dombivli