પેમેન્ટ થયાનો ખોટો SMS દેખાડીને ફ્રૉડ

16 November, 2019 10:00 AM IST  |  Mumbai | Samiullah Khan

પેમેન્ટ થયાનો ખોટો SMS દેખાડીને ફ્રૉડ

ખોટા SMS કરી ફ્રોડ કરવામાં આવે છે

બોરીવલી-વેસ્ટના ચામુંડા સર્કલ પાસેની ગુજરાતી વેપારીની વિઝન 2020 ઑપ્ટિશ્યનની દુકાનમાં ગૉગલ્સ લેવા ગયેલા યુગલે રે બાન બ્રૅન્ડનાં ચાર ગૉગલ્સ ખરીદીને ઑનલાઇન પેમેન્ટના નામે 26,000 રૂપિયાની છેતરપિંડી કરી હતી. 8 નવેમ્બરે વિઝન 2020 દુકાનમાં માલિક ભરત શાહ પાસે આવેલા બન્ને આરોપીઓએ 23,000 રૂપિયાની કિંમતનાં ચાર ગૉગલ્સ ખરીદ્યાં હતાં.

બન્નેએ પરદેશ જવાનું હોવાથી ઉતાવળનું કારણ દર્શાવીને ઑનલાઇન પેમેન્ટ વિશે પૂછ્યું હતું. ભરત શાહે રોકડાને બદલે ઑનલાઇન ચુકવણી સ્વીકારવા માટે પોતાની બૅન્ક-ડીટેલ્સ આપી હતી. થોડી ક્ષણમાં ભરતભાઈને બૅન્ક તરફથી તેમના અકાઉન્ટમાં 26,000 રૂપિયા જમા કરવામાં આવ્યા હોવાનો એસએમએસ મળ્યો હતો. આરોપીઓએ ભૂલથી વધારે રકમ મોકલી હોવાનું જણાવીને 3000 રૂપિયા રોકડા માગ્યા હતા. ભરતભાઈએ તરત 3000 રૂપિયા આપી દીધા અને એ દંપતી દુકાનમાંથી બહાર જતું રહ્યું હતું.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

એ ઘટનાના બે દિવસ પછી બૅન્ક-હૉલિડે હતો. 11 નવેમ્બરે બૅન્કમાં તપાસ કરી ત્યારે તેમના અકાઉન્ટમાં 26,000 રૂપિયા જમા થયા નહીં હોવાનું જાણવા મળ્યું ત્યારે ભરતભાઈને આંચકો લાગ્યો હતો. આરોપી યુગલ ખોટો એસએમએસ મોકલીને છેતરી ગયું હોવાનું સમજાયા પછી ભરત શાહે બોરીવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદની વિગતો અને દુકાનના સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે તપાસ કરે છે. બૅન્કનો સત્તાવાર મેસેજ હોય એવો મેસેજ આરોપીઓએ કેવી રીતે મોકલ્યો હશે એ પોલીસ માટે આશ્ચર્યનો વિષય છે.

mumbai news Crime News