રસી બહારના લઈ ગયા, મુંબઈવાળા રહી ગયા...

22 September, 2021 07:45 AM IST  |  Mumbai | Chetna Sadadekar

બીએમસી કહે છે, મુંબઈમાં અપાયેલી વૅક્સિનના દસમાંથી ચાર ડોઝ મુંબઈની બહાર રહેતા લોકો લઈ ગયા છે

માટુંગામાં આવેલી બીએમસીની સ્કૂલમાં કોરોના વૅક્સિનનો ડોઝ લઈ રહેલી યુવતી. તસવીર : આશિષ રાજે

શહેરમાં રસીના ૧.૧૨ કરોડ ડોઝ અપાયા છે ત્યારે બીએમસીએ દાવો કર્યો છે કે ૮૦ ટકા શહેરીજનોએ ઓછામાં ઓછો એક ડોઝ લઈ લીધો છે. એને જોતાં ઑક્ટોબર સુધીમાં યોગ્યતા ધરાવનારા ૧૦૦ ટકા રહેવાસીઓને રસી આપવાનો લક્ષ્યાંક પાર પાડવો મુશ્કેલ છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે મુંબઈમાં વૅક્સિન લેનાર ૧૦માંથી ૪ વ્યક્તિ મુંબઈની બહાર વસે છે. શહેર સુધરાઈએ જણાવ્યા મુજબ શહેરમાં ૯૦ લાખ વૅક્સિન લેવાને પાત્ર નાગરિકો છે.
સુધરાઈના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે બીએમસી દ્વારા આવરી લેવાયેલા વિસ્તારોમાં વૅક્સિન લેવા માટે શહેરની બહારથી આવનારા લોકોને ધ્યાનમાં રાખતાં વૅક્સિનના એક કે બે ડોઝ લેનારા લોકોની સંખ્યામાં ફેરફાર થઈ શકે છે. મુંબઈમાં અત્યાર સુધીમાં અપાયેલા કોરોના વૅક્સિનના ૧.૧૨ કરોડ ડોઝમાંથી ૭૭.૮ લાખ લોકોએ પહેલો ડોઝ અને ૩૫.૧૮ લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે.
બીએમસીના અંદાજ પ્રમાણે ગ્રેટર મુંબઈ, થાણે, કલ્યાણ-ડોમ્બિવલી, નવી મુંબઈ, વસઈ-વિરાર અને મીરા-ભાઈંદરને સમાવતા મુંબઈ મેટ્રોપૉલિટન રીજનના રહેવાસીઓને ૪૫ લાખ જેટલા ડોઝ અપાયા છે. અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે આ રહેવાસીઓને પણ રસી મૂકવામાં આવે એ જરૂરી છે, કારણ કે એમાંના મોટા ભાગના લોકો કામ માટે દરરોજ મુંબઈ આવે છે. પ્રારંભિક અનુભવને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે લોકલ ટ્રેનો શરૂ થવાની સાથે બીજી લહેર તીવ્ર બની હતી.
બીએમસીના એક અધિકારીએ જણાવ્યા અનુસાર ‘જેવી રીતે એમએમઆરના નાગરિકોએ અહીં આવીને રસી મુકાવી છે એવી જ રીતે અમારા ઘણા શહેરીજનોએ રસીની તીવ્ર અછત પ્રવર્તતી હતી ત્યારે શહેરની બહાર જઈને રસી મુકાવી હતી. આમ અન્ય મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેટામાં મુંબઈના રહેવાસીઓની ગણતરી પણ થઈ છે.’
મહત્તમ પહોંચ સુનિશ્ચિત કરવા અને શહેરમાં વસનારા કેટલા નાગરિકોએ વૅક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે કે નહીં એ જાણવા માટે રાજ્યના પ્રધાન આદિત્ય ઠાકરેએ જે બિલ્ડિંગના રહેવાસીઓએ બન્ને ડોઝ લીધા હોય એવાં બિલ્ડિંગ માટે ક્યુઆર કોડનું સૂચન કર્યું હતું. એનાથી બીએમસી વાસ્તવિક આંકડા સહેલાઈથી મેળવી શકે છે અને સાથે જ મુંબઈ સુધરાઈ જે-તે વિસ્તારમાં ૫૦થી ૬૦ બિલ્ડિંગને આવરી લઈ શકે એવાં રસીકરણ કેન્દ્રો ઊભાં કરવાની યોજના ધરાવે છે.

1.12
મુંબઈમાં અત્યાર સુધી આટલા કરોડ કોરોના વૅક્સિનના ડોઝ અપાયા છે

Mumbai mumbai news coronavirus covid vaccine covid19 vaccination drive brihanmumbai municipal corporation