ભિવંડીમાં ચાર બોગસ મહિલા ડૉક્ટર ઝડપાઈ

12 October, 2025 12:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાખો રૂપિયાની દવા સહિતની મેડિકલ સામગ્રી જપ્ત કરવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

ભિવંડી-નિઝામપુર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન અને શાંતિનગર પોલીસના જૉઇન્ટ ઑપરેશનમાં શુક્રવારે ભિંવડીમાં બોગસ ડૉક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ડિગ્રી વિના પ્રૅક્ટિસ કરતી ૪ બોગસ મહિલા ડૉક્ટરને પકડી પાડવામાં આવી હતી. આ ચારે મહિલા કોઈ તબીબી તાલીમ કે ડિગ્રી વગર પ્રૅક્ટિસ કરી રહી હતી. તેમની સામે નાગરિકોના જીવ સાથે ચેડાં કરવાના આરોપસર શાંતિનગર પોલીસે ફરિયાદ નોંધીને તમામની ધરપકડ કરી છે.

જુદી-જુદી ટીમ બનાવીને આ ચારે મહિલા ડૉક્ટરના ક્લિનિકમાં છાપો મારવામાં આવ્યો હતો. ત્યાંથી પોલીસે લાખો રૂપિયાની દવા તેમ જ અન્ય મેડિકલ સામગ્રી જપ્ત કરી હતી.

ગરીબ લોકોની લાચારીનો લાભ લેતી હતી બોગસ ડૉક્ટરો

ભિવંડી-નિઝામપુર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેડિકલ ઑફિસર મોહમ્મદ અન્સારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભિવંડીના ઝૂંપડપટ્ટી વિસ્તારના ગરીબ અને અશિક્ષિત નાગરિકોની લાચારીનો લાભ લઈને કેટલીક મહિલાઓ આ કામ કરી રહી હતી. કોઈ પણ માન્ય ડિગ્રી વિના તબીબી સારવાર પૂરી પાડતાં ક્લિનિક તેમણે શરૂ કર્યાં હતાં. આ અંગે ફરિયાદો મળ્યા બાદ બોગસ ડૉક્ટરો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ સાથે અમે જુદી-જુદી ટીમ તૈયાર કરી હતી. શુક્રવારે સવારે ભિંવડીના વિવિધ વિસ્તારોમાં એકસાથે તપાસ કરીને ગાયત્રીનગરમાં ક્લિનિક ચલાવતી ૪૦ વર્ષની સલમા શેખ, શાંતિનગરમાં ક્લિનિક ચલાવતી ૩૯ વર્ષની નીલમ ચૌરસિયા, ન્યુ આઝાદનગરમાં ક્લિનિક ચલાવતી ૪૬ વર્ષની સુફિયાના ખાન અને ફાતિમાનગરમાં ક્લિનિક ચલાવતી નિસાદ બાનોની ધરપકડ કરવામાં આવી હતી. 

mumbai news mumbai bhiwandi mumbai police maharashtra news maharashtra mumbai crime news