આરેમાં મેટ્રો કારશેડ એટલે મુંબઈગરાની પીઠમાં છરો ભોંકાયો

18 July, 2022 11:13 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

મેટ્રો-૩ના કારડેપોને ફરી આરે કૉલોનીમાં ખસેડવાના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં આદિત્ય ઠાકરેએ કહ્યું કે કાંજુરમાર્ગની જમીનને કારણે આરેની બાયો-ડાઇવર્સિટીને બચાવવા ઉપરાંત જનતાના પૈસાની પણ બચત થઈ હોત

પર્યાવરણ ખાતાના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે આરેમાં કારશેડના સ્થળે કૅમેરા ટ્રૅપિંગના અભ્યાસ પરથી એ વાતની સાબિતી મળે છે કે મહાવિકાસ આઘાડી સરકારનું શાસન સ્વતંત્ર અને નિષ્પક્ષ હતું. (તસવીર : આશિષ રાજે)

મેટ્રો-૩ના કારડેપોને ફરી આરેમાં ખસેડવા સામેનો વિરોધ અને એને પગલે ઊઠેલા વિવાદ વચ્ચે ભૂતપૂર્વ પર્યાવરણપ્રધાન અને યુવા સેનાના ચીફ આદિત્ય ઠાકરેએ ‘મિડ-ડે’ને આપેલી વિશિષ્ટ મુલાકાતમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કારશેડને ફરીથી આરે કૉલોનીમાં ખસેડવાના લીધેલા નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં કહ્યું હતું કે કાંજુરમાર્ગની જમીનને કારણે આરેની બાયો-ડાઇવર્સિટીને બચાવવા ઉપરાંત જનતાનાં નાણાંની પણ બચત થઈ હોત. આ ઉપરાંત પ્રોજેક્ટના વધતા જતા ખર્ચનો મુદ્દો ઉઠાવતાં તેમણે કહ્યું હતું કે પ્રોજેક્ટનો ખર્ચ શી રીતે વધ્યો એની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.  

કારશેડને ફરીથી આરે ખાતે ખસેડવાના નિર્ણય વિશે આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે ‘સરકાર બદલાતાં જ સૌપ્રથમ નિર્ણય મેટ્રો કારશેડને ફરી આરે ખસેડવાનો હતો જે ખરેખર વિશ્વાસઘાત સમાન છે. બાયો-ડાઇવર્સિટી ધરાવતા વિસ્તારને સુર​િક્ષત રાખવો જરૂરી હોવાથી જ કારશેડને કાંજુરમાર્ગ ખસેડવાનું નક્કી થયું હતું.’

સૂચિત વિસ્તાર બાયો-ડાઇવર્સિટીથી સમૃદ્ધ નથી એવા દાવાઓની ખરાઈ સાબિત કરવા આ વિસ્તારમાં કૅમેરા ટ્રૅપિંગ અભ્યાસ હાથ ધરાયો હતો, જેમાં આ વિસ્તારમાં ચિત્તા ઉપરાંત  જંગલી બિલાડીઓ, મંગૂસ, મૉનિટર ગરોળી અને અન્ય વન્યજીવો પણ હોવાનું જણાયું હતું.  વધુમાં આ વિસ્તારમાં પ્રાણીઓ આરામ કરે છે તથા પક્ષીઓ, સરિસૃપ વગેરેની સમૃદ્ધ વસ્તી હોવાનું જાણવા મળ્યું છે.

કારડેપો માટે કાંજુરમાર્ગની જમીન યોગ્ય હોવા વિશે તેમણે કહ્યું હતું કે ‘આરેની સમૃદ્ધ બાયો-ડાઇવર્સિટીના વિનાશને ટાળવા માટે કારડેપોને કાંજુરમાર્ગ અથવા પહાડી ગોરેગામ લઈ જવો એ એક વ્યવહારુ ઉપાય છે. વળી આનાથી સરકાર અને લોકોના હજારો કરોડ રૂપિયાની બચત પણ થશે.’

mumbai mumbai news mumbai metro aarey colony aaditya thackeray ranjeet jadhav