દેવેન્દ્ર ફડણવીસ કોની વાત સાંભળશે?

06 March, 2024 09:30 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

બીજેપીના ભૂતપૂર્વ નગરસેવક અને શિવસેનાના વિધાનસભ્ય આમનેસામને

ચેના ગામના જંક્શન પાસે પોતાની હોટેલ પાસે શર્ટ અને બનિયાન કાઢીને વિરોધ કરી રહેલા બીજેપીના ભૂતપૂર્વ નગરસેવક અરવિંદ શેટ્ટી

મીરા રોડમાં ઘોડબંદર રોડ પર આવેલા ચેના ગામમાં જવા માટેના રસ્તાનું બાંધકામ કરવાની સાથે દીવાલ ઊભી કરવામાં આવી રહી છે એ વિશે સોમવારે બીજેપીના ભૂતપૂર્વ નગરસેવક અને હોટેલમાલિકે કપડાં કાઢી નાખીને શિવસેનાના સ્થાનિક વિધાનસભ્ય પોતાને બરબાદ કરવા હોટેલ અને રસ્તાની વચ્ચે ૬ ફીટની દીવાલ બંધાવી રહ્યા હોવાનો આરોપ કર્યો હતો. નગરસેવકે કલાકો સુધી રસ્તામાં બેસીને વિડિયો બનાવડાવ્યો હતો, જેમાં તે દેવેન્દ્ર ફડણવીસને મદદ કરવાની અપીલ કરતો સંભળાય છે. આ વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે. બીજી બાજુ જેમના પર નગરસેવકે આરોપ કર્યો છે એ શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે પણ દેવેન્દ્ર ફડણવીસને ગઈ કાલે પત્ર લખીને આ નગરસેવકની ૧૦ જેટલી ગેરકાયદે હોટેલોને તોડી પાડવાનો આદેશ આપવાની માગણી કરી છે. બીજેપીના ભૂતપૂર્વ નગરસેવક અને શિવસેનાના વિધાનસભ્ય બન્નેએ માગણી કરી છે એટલે દેવેન્દ્ર ફડણવીસ કોની વાત સાંભળે છે એના પર સૌની નજર રહેશે.
સોમવારે બપોર બાદ ઘોડબંદર રોડ પર આવેલા ચેના ગામ જંક્શન પાસેથી પસાર થતા રસ્તામાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)ના સહયોગથી સ્થાનિક મહાનગરપાલિકા દ્વારા દીવાલ બાંધવામાં આવી રહી છે ત્યાં બીજેપીના ભૂતપૂર્વ નગરસેવક અને હોટેલિયર અરવિંદ શેટ્ટીએ શર્ટ અને બનિયાન કાઢી નાખીને હંગામો કર્યો હતો.

છ ફીટ ઊંચાઈની દીવાલ બનાવવામાં આવશે તો હોટેલમાં જવાનો રસ્તો બંધ થઈ જશે, હોટેલમાં કોઈ આવી જ નહીં શકે તો પોતે બરબાદ થઈ જશે અને પોતાની પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ પર્યાય નહીં રહે એમ અરવિંદ શેટ્ટી વિડિયોમાં બોલે છે.

અરવિંદ શેટ્ટી શું કહે છે?

અરવિંદ શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્યારથી હું બીજેપીનો નગરસેવક બન્યો હતો ત્યારથી શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈક મારી સાથે ખુન્નસ રાખી રહ્યા છે. તેમણે મને શિવસેનામાં સામેલ થવાની ઑફર કરી હતી, જે મેં ઠુકરાવી દીધી હતી એટલે ૨૦૧૮થી તેઓ મારી પાછળ પડી ગયા છે. હોટેલમાં જવાનો રસ્તો બંધ કરી દેવા માટે દીવાલ બાંધવામાં આવી રહી છે એમાં તેમનો જ હાથ છે. હું બીજેપીના ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા સાથે કામ કરું છું એ પણ તેમને ખૂંચે છે. મારી ૨૦ વર્ષ જૂની બીજી હોટેલ તેમના જ કહેવાથી તોડી પાડવામાં આવી હતી. દેવેન્દ્ર ફડણવીસને મેં શિવસેનાના આ નેતાથી બચાવવા માટેની વિનંતી કરી છે. મને ન્યાય નહીં મળે તો હું અહીં જ રસ્તામાં મારા જીવનનો અંત લાવી દઈશ.’

પ્રતાપ સરનાઈક શું કહે છે?

અરવિંદ શેટ્ટીના આરોપ ફગાવતાં પ્રતાપ સરનાઈકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં મીરા-ભાઈંદરના રહેવાસીઓના કલ્યાણ માટે વિકાસનાં કામ થાય એ માટે કાયમ સહયોગ કર્યો છે. ચેના ગામ જંક્શન પાસે અત્યારે જે કામ ચાલી રહ્યું છે એનાથી ગામમાં આવવા-જવા માટે સુવિધામાં વધારો થશે. ચોમાસામાં નદીનું પાણી રસ્તામાં ન આવી જાય એ માટે એમએમઆરડીએના માધ્યમથી દીવાલ બાંધવામાં આવી રહી છે. અહીં અનેક ગેરકાયદે બાંધકામો છે એને સ્થાનિક સુધરાઈએ દૂર કર્યાં છે. આથી મારા પરના આરોપો સદંતર ખોટા અને પાયા વિનાના છે.’

bharatiya janata party thane ghodbunder road mira road devendra fadnavis shiv sena viral videos mumbai mumbai news prakash bambhrolia