માળવે જવા ફોરમ ગાલા જેવું મક્કમ મન જોઈએ

13 September, 2022 08:26 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ઘાટકોપરની આ યંગસ્ટરે શારીરિક અક્ષમતાઓની મર્યાદાઓને ઓળંગી સફળતાનાં શિખરો સર કર્યાં છે અને હવે તે સીએ બની છે

ફોરમ ગાલા માતા-પિતા અને બહેન-બનેવી સાથે

જો મન મક્કમ હોય અને મહેનત કરવાની દાનત હોય તો કશું જ અશક્ય નથી એ ફરી એક વાર પુરવાર થયું છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવું આમ પણ અઘરું છે ત્યારે ઘાટકોપરની ફોરમ ગાલાએ સખત મહેનત અને મક્કમ મનોબળના આધારે શારીરિક અક્ષમતાને ઓળંગી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની ડિગ્રી મેળવી જોરદાર સફળતા મેળવી છે. અફકોર્સ તેનાં માતા-પિતા, શિક્ષકો અને મિત્રોનો સપોર્ટ મળ્યો પણ ખરી લડાઈ તો તેણે જ લડવાની હતી અને એ એમાં સફળ થઈ છે.

મૂળ કચ્છના સાડાઉ ગામની અને હાલ ઘાટકોપર વેસ્ટના આર સિટી મૉલ પાછળ અમૃતનગરમાં આવેલી શ્રેણિક સોસાયટીમાં રહેતી કચ્છી વીસા ઓસવાળ જ્ઞાતિની ૨૯ વર્ષની ફોરમ ગાલાને જન્મથી જ જુવેનાઇલ હાઇલન ફાઇબ્રોમટોસિસની બીમારી છે જે જૂજ લોકોને થતી હોય છે. એમાં ચામડી જાડી થઈ જાય છે અને સ્નાયુઓ તથા હાડકાંને પણ એની અસર થાય છે. ફોરમ ૧૨ વર્ષની થઈ ત્યાં સુધી તો તેના પગ ચાલતા હતા પણ એ પછી તેણે વ્હીલ-ચૅરનો આશરો લેવો પડ્યો છે. જોકે શારીરિક અક્ષમ હોવા છતાં માનસિક રીતે સ્વસ્થ એવી ફોરમને ઘરનાનો સપોર્ટ મળ્યો અને એણે ભણવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

વિક્રોલીની સેન્ટ જોસેફ હા​ઈ સ્કૂલમાં અને વિદ્યાવિહારની કે. જે. સોમૈયા કૉલેજ ઑફ આર્ટ્સ ઍન્ડ કૉમર્સમાં ભણતર પૂરું કરનાર ફોરમે પોતાની આ અચીવમેન્ટ વિશે વાત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી મોટી બહેન સીએ છે અને જીજાજી પણ સીએ છે. મેં પણ પહેલાં સીએ બનવા વિચાર્યું પણ એ પછી મને કેટલાક ફિઝિકલ પ્રૉબ્લેમ્સ થતાં માંડી વાળ્યું. જોકે એ પછી હું જ્યારે એસવાય બીકૉમમાં આવી ત્યારે ફરી મન બનાવ્યું કે ના, હવે સીએ જ બનવું છે અને એ પછી ફર્મલી પ્રેપેરેશન ચાલુ કરી. મમ્મી-પપ્પાનો બહુ જ સપોર્ટ રહ્યો. પપ્પા કિશોર મેઘજી ગાલાની કાલબાદેવીમાં હોલસેલ કપડાંની દુકાન છે, જ્યારે મમ્મી હાઉસવાઇફ છે. મારી એક્ઝામ્સ વખતે પણ તેઓ કલાકો સુધી બહાર ઊભાં રહેતાં. ટીચર્સ, પ્રોફસર્સ, ફ્રેન્ડ્સ બધા જ મદદ કરતા. એમ છતાં સીએ થવું સહેલું તો નહોતું જ. જોકે ધીરજ રાખો અને હાર્ડ વર્ક કરો તો અચીવમેન્ટ ચોક્કસ મળે. હાલ હું મારી બહેન અને જીજાજીની સાથે તેમની ઑફિસમાંથી ઑપરેટ કરું છું. મારે ટૅક્સેશનમાં માસ્ટર થવું છે.’

mumbai mumbai news ghatkopar bakulesh trivedi