શહેરમાં કોવિડના બેડની અછતને પગલે રેલવેએ તૈયાર કર્યા ૨૦૦ ક્વૉરન્ટીન કોચ

11 April, 2021 10:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમાં દવાઓ, ઑક્સિજનનાં સિલિન્ડર્સ, આઇવી ફ્લુઇડ્સ અને ઓસિલોસ્કોપ મૉનિટર્સ જેવાં તબીબી ઉપકરણો હશે

કોચમાં દવાઓ, ઑક્સિજનનાં સિલિન્ડર્સ, આઇવી ફ્લુઇડ્સ, ઓસિલોસ્કોપ મૉનિટર્સ અને સક્શન અપૅરૅટ્સ જેવાં તબીબી ઉપકરણોની જોગવાઈ હશે

શહેરની હૉસ્પિટલો અને કોવિડ સેન્ટર્સમાં બેડની અછતને પગલે શહેરના વહીવટી તંત્ર દ્વારા કરાયેલી વિનંતીને પગલે રેલવેએ કોરોનાના રેલવે કોચ તૈયાર કર્યા છે.  અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કોચ ૨૪ કલાકમાં ઉપયોગમાં લઈ શકાશે.

પશ્ચિમ રેલવે પાસે ૧૫૨ કોવિડ કોચ છે, જ્યારે મધ્ય રેલવે પાસે ૪૮ કોચ છે.  એક કોચમાં ૧૬ મુસાફરોને સમાવી શકાય છે. ઇમર્જન્સીમાં ક્વૉરન્ટીનની સારવાર આપવા માટે આ રેલવે કોચ તૈયાર રાખવામાં આવ્યા છે. આવશ્યકતા પડે તો નજીકનાં શહેરો કે ગામડાંઓમાં એ લઈ જઈ શકાશે એમ પશ્ચિમ રેલવેના જનરલ મૅનેજર આલોક કંસલે જણાવ્યું  હતું.

મધ્ય રેલવેના પીઆરઓ શિવાજી સુતારે કહ્યું હતું કે ‘અમે આ સંદર્ભે જાન્યુઆરીમાં જ રાજ્ય સરકાર સાથે વાત કરી હતી અને સરકારે અમને કોચમાં સુધારાઓ કરીને કોવિડ કોચમાં રૂપાંતરિત કરવાની તેમ જ ફેરફાર કરાયેલા ૧૦ ટકા કોચ રાખવાની સંમતિ આપી હતી.’

બે બેડ વચ્ચે અંતર રહે એ માટે આ કોચમાંથી વચ્ચેની બર્થ હટાવી દેવામાં આવી છે. દવાઓ, ઑક્સિજનનાં સિલિન્ડર્સ, આઇવી ફ્લુઇડ્સ, ઓસિલોસ્કોપ મૉનિટર્સ અને સક્શન અપૅરૅટ્સ જેવાં તબીબી ઉપકરણો રાખવા માટે એક્સ્ટ્રા બૉટલહોલ્ડર્સ, ક્લૅમ્પ્સ અને ઇલેક્ટ્રિક પૉઇન્ટ્સ તથા ફોલ્ડેબલ સ્ટૂલ્સ ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે. બે કૅબિન વચ્ચે એકાંત અને આઇસોલેશન જળવાય એ માટે ઍર પ્લાસ્ટિકના પડદા રાખવામાં આવ્યા છે. કોચમાંનાં ચારમાંથી એક ટૉઇલેટને બાથરૂમમાં ફેરવવામાં આવ્યું છે.

152 - પશ્ચિમ રેલવે પાસે આટલા કોવિડ કોચ છે, જે ઇમર્જન્સીમાં ક્વૉરન્ટીનની સારવાર આપવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે.

16 - રેલવેના એક કોચમાં આટલા મુસાફરોને સમાવી શકાશે. કોચમાંના ચારમાંથી એક ટૉઇલેટને બાથરૂમમાં ફેરવવામાં આવ્યો છે.

coronavirus covid19 mumbai mumbai news indian railways rajendra aklekar