30 September, 2025 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સટ્ટો રમવા માટે ખાસ ભાડે રાખવામાં આવેલા ફ્લૅટમાંથી પાંચ લૅપટૉપ, ૧૬ મોબાઇલ, ૩૦થી વધુ બૅન્કની પાસબુક અને વીસથી વધુ ATM કાર્ડ પોલીસે જપ્ત કર્યાં છે.
નારપોલી પોલીસે રવિવારે રાતે ભિવંડીના માણકોલીમાં આવેલા અપર લોઢા કૉમ્પ્લેક્સની કાસા ટિયારા સોસાયટીમાં છાપો માર્યો હતો. આ સોસાયટીના એક ફ્લૅટમાં ભારત-પાકિસ્તાન મૅચ પર સટ્ટો રમાડતા પાંચ લોકોની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓ kedarbook.com નામની વેબસાઇટનો ઉપયોગ કરીને ગ્રાહકોને સટ્ટો રમાડતા હતા, એટલું જ નહીં, ગ્રાહકો પાસેથી જીતેલા અને હારેલા પૈસા માટે વિવિધ રાજ્યોના લોકોનાં બૅન્ક-અકાઉન્ટ વાપરતા હતા.
બગાસું ખાતાં પતાસું મળ્યું એમ જણાવતાં નારપોલી પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર મહેન્દ્ર પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અપર લોઢા કૉમ્પ્લેક્સની કાસા ટિયારા સોસાયટીના ૧૧૦૧ નંબરના ફ્લૅટમાં એક યુવક સટ્ટો રમાડતો હોવાની માહિતી ગુપ્ત સૂત્ર પાસેથી મળી હતી. રવિવારે સાડાઆઠ વાગ્યે અમારી ટીમે ફ્લૅટ પર છાપો માર્યો એ સમયે રામમુરત વર્મા, સચિન રાઠોડ, ઉપેન્દ્ર ચવાણ, વિકાસકુમાર ઠરેરા અને અભિષેક શહા લૅપટૉપ પર સટ્ટો રમાડતા જોવા મળ્યા હતા. આરોપીઓએ સટ્ટા માટેનો આખો સેટ-અપ તૈયાર કર્યો હતો. એ માટે ઇન્ટરનેટ, મોબાઇલ, લૅપટૉપ સહિતની તમામ સુવિધાઓ રાખવામાં આવી હતી. આરોપીની પ્રાથમિક તપાસ કરતાં તેઓએ ભારત-પાકિસ્તાન મૅચ પર ૨૦૦ જેટલા ગ્રાહકોને સટ્ટો રમાડતા હોવાની કબૂલાત કરી હતી. આ મામલે તમામ સાધનો જપ્ત કરી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે IT ઍક્ટ સહિત ક્રિકેટ-બેટિંગ માટેની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી પાસેથી મળેલી માહિતી અને તમામ વસ્તુઓના આધારે આ રેઇડ થાણે કમિશનરેટ હેઠળ આ વર્ષની સૌથી મોટી ક્રિકેટ સટ્ટાની રેઇડ હોવાનું જાણવા મળ્યું છે.’
આરોપીઓ કઈ રીતે સટ્ટો રમાડતા હતા?
આરોપીની સટ્ટા રમાડવાની પદ્ધતિ વિશે માહિતી આપતાં નારપોલીના પોલીસ-ઇન્સ્પેક્ટર મહેન્દ્ર પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓએ ટેક્નૉલૉજીની મદદથી ગ્રાહકોને સટ્ટો રમાડવા માટે kedarbook.com નામની વેબસાઇટ તૈયાર કરી હતી. જે ગ્રાહકો સટ્ટો રમવાની ઇચ્છા ધરાવતા હોય તેમને આરોપીઓ વૉટ્સઍપ મારફત ID અને પાસવર્ડ મોકલતા હતા. ત્યાર બાદ એ જ ID અને પાસવર્ડના માધ્યમથી ગ્રાહક વેબસાઇટ પર પોતાનું લૉગ-ઇન કરીને લાઇવ મૅચ પર સટ્ટો રમી શકતા હતા. એ ઉપરાંત ગ્રાહકોને સટ્ટામાં હારેલા-જીતેલા રૂપિયા ઑનલાઇન ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ રકમ ટ્રાન્સફર કરવા માટે આરોપીઓ અન્ય લોકોનાં બૅન્ક-અકાઉન્ટ વાપરતા હોવાનું જાણવા મળ્યું હતું એટલું જ નહીં, જે ફ્લૅટમાં છાપો મારવામાં આવ્યો હતો એ ફ્લૅટ પણ માત્ર ક્રિક્રેટ-સટ્ટો રમાડવા માટે ભાડે લેવામાં આવ્યો હતો.’
સટ્ટો રમવા માટે ખાસ ભાડે રાખવામાં આવેલા ફ્લૅટમાંથી પાંચ લૅપટૉપ, ૧૬ મોબાઇલ, ૩૦થી વધુ બૅન્કની પાસબુક અને વીસથી વધુ ATM કાર્ડ પોલીસે જપ્ત કર્યાં છે.