ફર્સ્ટ ડે, નો પ્રૉબ્લેમ

11 January, 2022 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે બૂસ્ટર ડોઝ લેવાના પહેલા દિવસે સિનિયર સિટિઝનની સરખામણીમાં હેલ્થકૅર-વર્કર્સ વધારે હતા

ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં સોમવારે બૂસ્ટર ડોઝ લઈ રહેલાં પોલીસ-કર્મચારી શિલ્પા સરાતે અને મંગલ આહીરે (જમણે) (તસવીર : સતેજ શિંદે)

ફ્રન્ટલાઇન હેલ્થકૅર-વર્કર્સ અને સિનિયર સિટિઝન્સને બૂસ્ટર ડોઝ આપવાના પ્રથમ દિવસે મોટા ભાગનાં રસીકરણ કેન્દ્રોને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. શહેરમાં ૧,૮૨,૦૦૦થી વધુ લોકો કોરોનાની રસીનો ત્રીજો ડોઝ લેવાની યોગ્યતા ધરાવે છે.
‘મિડ-ડે’એ બૂસ્ટર ડોઝ આપતી કૉર્પોરેશનની બે હૉસ્પિટલ અને એક જમ્બો સેન્ટરની મુલાકાત લઈને લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
નાયર હૉસ્પિટલ
નાયર હૉસ્પિટલના રસીકરણ કેન્દ્રના ડૉક્ટર વિશાલ રાખે જણાવ્યું હતું, ‘પ્રથમ દિવસે અમને ફ્રન્ટલાઇન અને હેલ્થકૅર-વર્કર્સનો સારો પ્રતિભાવ સાંપડ્યો હતો, પરંતુ સિનિયર સિટિઝન્સનો પ્રતિસાદ ઠીક રહ્યો હતો. આગામી દિવસોમાં બૂસ્ટર ડોઝ મેળવવા પાત્ર લોકોનો ધસારો વધવાની અમને અપેક્ષા છે.’
મેં વિચાર્યું હતું કે આજે ભીડ હશે, પણ અહીં પહોંચીને સુવ્યવસ્થિત રીતે થયેલો બંદોબસ્ત જોઈને મને આશ્ચર્ય થયું હતું. ફક્ત ૩૦ મિનિટમાં મેં ડોઝ લીધો હતો, એમ આંખની હૉસ્પિટલનાં હેલ્થકૅર-વર્કર પૂજા ચૌધરી શાનબાગે જણાવ્યું હતું.
તો, કૉર્પોરેશનના ભાયખલા વૉર્ડમાં કામ કરતા રાજેશ પરમારે ડોઝ લીધા પછી તમામ સિનિયર સિટિઝન અને ફ્રન્ટલાઇન-વર્કર્સને બૂસ્ટર ડોઝ લેવા અપીલ કરી હતી.
રાજાવાડી હૉસ્પિટલ
ટિળકનગર પોલીસ સ્ટેશનના હેડ કૉન્સ્ટેબલ મુકુંદ ઘુગેએ જણાવ્યું હતું, ‘રાજાવાડી હૉસ્પિટલના સ્ટાફે સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે હાથ ધરી અને વૉક-ઇન રજિસ્ટ્રેશનને અવરોધરહિત બનાવ્યું, એ જોઈને મને આનંદ થયો હતો.’
બીકેસી જમ્બો સેન્ટર
બીકેસી સેન્ટર પર બૂસ્ટર ડોઝ લેનારા ડૉક્ટર માધવ સાઠેએ જણાવ્યું હતું, ‘અહીંની ગોઠવણીથી હું પ્રભાવિત થયો હતો. હું વરિષ્ઠ નાગરિકો અને ફ્રન્ટલાઇન-વર્કર્સને આગળ આવીને બૂસ્ટર ડોઝ લેવા અપીલ કરું છું, કારણ કે એ સંક્રમણ સામે રક્ષણ પૂરું પાડે છે. કોમોર્બિડિટી ધરાવતા કેટલાક સિનિયર સિટિઝન્સ પર વાઇરસથી સંક્રમિત થવાનું વધુ જોખમ રહેલું છે.’

coronavirus covid19 vaccination drive covid vaccine mumbai mumbai news