ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડ આવે એ પહેલાં જ પોલીસોએ કાબૂ મેળવ્યો

23 June, 2021 12:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાંદિવલી-ઈસ્ટમાં પોઇસર બાજુએ આવેલું જનતાનગર ખૂબ ગીચ જગ્યા છે

આગ લાગી હતી એ સ્થળ (ડાબે) અને આગ બુઝાવવા જતાં જખમી થયેલો પોલીસ કર્મચારીઓ

ફાયર બ્રિગેડને પણ પહોંચતાં સમય લાગે એવી ગીચ ઝૂંપડપટ્ટીમાં જઈને પોલીસોએ આગ પર કાબૂ મેળવવાનું કામ કર્યું હતું. કાંદિવલી-ઈસ્ટમાં પોઇસર બાજુએ આવેલું જનતાનગર ખૂબ ગીચ જગ્યા છે. અહીં આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડને પહોંચવામાં ખૂબ સમય લાગી શકે એવી પરિસ્થિતિ છે. આવા જ એક બનાવમાં ગઈ કાલે અચાનક એક ઘરમાં આગ લાગી હતી. આ બનાવ વિશે માહિતી આપતાં સમતાનગર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આનંદરાવ હાકેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પોલીસને ઘટના વિશે જાણ થતાં તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. ત્યાં પહોંચેલી પોલીસે પૅટ્રો​લિંગ કરતા અન્ય પોલીસ એમ કુલ છ પોલીસો જેમાં બે મહિલા પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે તેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને આગને નિયંત્રણમાં લાવવાનું કામ ચાલુ કર્યું હતું. પહેલા માળના ઘરમાં શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, પરંતુ એ પહોંચે ત્યાં સુધીમાં આગ વધુ ફેલાઈ જવાની પોલીસ કર્મચારીઓને ચિંતા હતી. એથી પાસે રહેલી દુકાનમાંથી ફાયર-એક્સ્ટિંગ્વિશર, પાણી જે ઉપલબ્ધ હતું એનો ઉપયોગ કરીને આગ કન્ટ્રોલમાં કરવામાં આવી હતી. પોલીસને એમ હતું કે આગ વધુ ફેલાશે તો આ સ્લમ વિસ્તારમાં એ તાત્કાલિક જ પ્રસરી જશે અને ફાયર બ્રિગેડને પણ એના પર કાબૂ મેળવવામાં પરેશાની થશે એટલે પોલીસે પહેલાં જ કામ ચાલુ કરી દીધું. આ કામ કરતાં પોલીસ કર્મચારીઓ જખમી થયા અને દાઝ્યા પણ હતા. પોલીસનું આ કામ જોઈને તેમને અમારા ઉચ્ચ પોલીસ અધિકારી સન્માનિત પણ કરવાના છે.’

mumbai mumbai news kandivli mumbai police