કચ્છી પ્રિન્સિપાલના વિનયભંગનો એફઆઇઆર દોઢ મહિને નોંધાયો

26 January, 2023 09:44 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

૧૨ ડિસેમ્બર, ૨૦૨૨એ ‘મિડ-ડે’માં પબ્લિશ થયો હતો અહેવાલ

પ્રતીકાત્મક તસવીર

ચેમ્બુરની એક જાણીતી શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી સામે તેમની જ સ્કૂલનાં મહિલા પ્રિન્સિપાલે વિનયભંગની ફરિયાદ આરસીએફ પોલીસમાં ૯ ડિસેમ્બરે કરી હતી, પણ આરસીએફ પોલીસે એ વખતે કહ્યું હતું કે લેખિતમાં ફરિયાદ આપો. એથી ૧૦ ડિસેમ્બરે તેમણે લેખિતમાં ફરિયાદ આપી હતી. જોકે ગંભીર આક્ષેપ હોવા છતાં આરસીએફ પોલીસે આ સંદર્ભે એફઆઇઆર લેવાનું ટાળ્યું હતું. એ પછી ફરિયાદી દ્વારા વાંરવાર રજૂઆત કરવામાં આવતાં આખરે આરસીએફ પોલીસે મહિલા પ્રિન્સિપાલના મુલુંડના ઘરે જઈને તેમની ફરિયાદ મંગળવારે રાતે લીધી હતી અને બુધવાર, ૨૪ જાન્યુઆરીએ પરોઢિયે રજિસ્ટર કરી હતી.

ઘણા કેસમાં પોલીસ કહેતી હોય છે કે ફરિયાદમાં તથ્ય છે કે નહીં એ જાણવા પહેલાં તપાસ કર્યા બાદ એફઆઇઆર લેવામાં આવે છે. એથી આ કેસ સંદર્ભે પોલીસે શું તપાસ કરી, આરોપીનું સ્ટેટમેન્ટ લીધું, ઘટનાસ્થળનાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મેળવવા શું કર્યું, એફઆઇઆર લેવામાં આટલો સમય કેમ લાગ્યો વગેરે જાણવા ‘મિડ-ડે’એ પ્રયાસ કર્યો હતો. આરસીએફ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ બાળાસાહેબ ધાવટેએ ફોન ઉપાડ્યો નહોતો અને તેમને કરેલા મેસેજનો પણ જવાબ આપ્યો નહોતો. આરસીએફના અસિસ્ટન્ટ પોલીસ કમિશનર સુહાસ હેમાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં અમે તપાસ કરી રહ્યા છીએ. ગુપ્તતાના કારણસર અમે એ વિશે વધુ જણાવી ન શકીએ.’ તેમને જ્યારે કેસના હાલના સ્ટેટસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એ વિશે પણ કશી માહિતી આપી નોહોતી.  

ઘટના શું બની હતી?
મુલુંડમાં રહેતાં કચ્છી સમાજનાં મહિલા પ્રિન્સિપાલે તેમની ફરિયાદમાં કહ્યું હતું કે ટ્રસ્ટી તેમને દ્વિઅર્થી મેસેજ કરતા હતા અને કહેતા હતા કે તમારે મારી સાથે કો-ઑપરેટ કરવું જોઈએ. મને તેમની કૅબિનમાં બોલાવીને મારી સાથે અણછાજતી છૂટ લેવાનો પણ પ્રયાસ કરતા હતા. પ્રિન્સિપાલ કેટલીક રજાઓ બાદ ફરી સ્કૂલમાં ગયાં ત્યારે તેમને ટ્રસ્ટીને મળવાનું કહેવામાં આવતાં નવમી ડિસેમ્બરે તેઓ ટ્રસ્ટીના પ્રાઇવેટ ક્લિનિક પર ગયાં હતાં જ્યાં ટ્રસ્ટીએ તેમની છાતી પર હાથ મૂકીને કહ્યું હતું કે મૅડમ, આપ મુઝે અચ્છી લગતી હો, લેકિન ક્યા કરું તૂમ સમઝતી નહીં હો તો મૈં તુમ્હે કૈસે હેલ્પ કરું. એમ કહીને તેમણે તેની છાતી દબાવી દીધી હતી. એથી પીડિતાએ તેમનો વિરોધ કરતાં કહ્યું હતું કે આપ એક શાદીશુદા મહિલા કે સાથ ઐસા નહીં કર સકતે, મૈં ઇસલિએ યહાં નૌકરી નહીં કર રહી હૂં. ત્યાર બાદ ટ્રસ્ટી બહાર નીકળી ગયા હતા અને પીડિતાએ બહાર આવીને પતિને ફોન કરીને વિગત જણાવી હતી. તેમનું બીપી હાઈ થઈ જતાં પતિએ તેમને તરત જ નજીકની હૉસ્પિટલમાં જઈને સારવાર લેવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તેમણે પતિ અને પતિના મિત્ર સાથે આરસીએફ પોલીસમાં જઈને ફરિયાદ કરી હતી.   

mumbai mumbai news chembur mumbai police bakulesh trivedi