15 April, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિરીટ સોમૈયા
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય ડૉ. કિરીટ સોમૈયાને જાનથી મારી નાખવાની ધમકી આપનારા હઝરત ખ્વાજા ગરીબ નવાઝ કમિટીના સેક્રેટરી યુસુફ ઉસ્માન અન્સારી સામે શિવાજીનગર પોલીસે શનિવારે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
શિવાજીનગર પોલીસના જણાવ્યા મુજબ કિરીટ સોમૈયાએ પોલીસ-સ્ટેશનની હદમાં કેટલી મસ્જિદમાં ગેરકાયદે લાઉડસ્પીકર છે અને કેટલી પરવાનગી આપવામાં આવી છે એની માહિતી માગી હતી અને ગેરકાયદે લાઉડસ્પીકર સામે કાર્યવાહી કરવાની માગણી કરતું નિવેદન સોંપ્યું હતું. કિરીટ સોમૈયાએ નિવેદન આપ્યા બાદ હઝરત ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર અસોસિએશનના સેક્રેટરી યુસુફ અન્સારીએ કિરીટ સોમૈયા સંબંધે એક વિડિયો જાહેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે ‘ગોવંડી શિવાજીનગરમાં બંગલાદેશી રહે છે તો સોમૈયા અહીં શા માટે આવે છે? પોલીસ તેના પર કાર્યવાહી નહીં કરે તો અમે સોમૈયાના ઘરમાં ઘૂસીને કૉલર પકડીને બહાર કાઢીશું. પોલીસ મસ્જિદમાં લગાવવામાં આવેલા લાઉડસ્પીકર બંધ કરવાનો પ્રયાસ કરે તો તમે ડરશો નહીં. લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરવાની પણ જરૂર નથી કે કોઈ પણ પ્રકારના ડૉક્યુમેન્ટ્સ પણ નહીં બતાવતા. પોલીસ જબરદસ્તી કરે તો તમે મારા મોબાઇલ નંબર પર સંપર્ક કરજો.’
યુસુફ અન્સારીએ આ વિડિયો ૬ એપ્રિલે જાહેર કર્યો હતો. તેણે મુસ્લિમ સમાજને ભડકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ કિરીટ સોમૈયાએ પોલીસમાં નોંધાવી હતી.