PM મોદીની મુંબઈ મુલાકાતના એક દિવસ પહેલાં ડ્રોન ઉડાડવા બદલ બીલ્ડર વિરુદ્ધ FIR

17 June, 2022 07:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ઘટના સોમવારે પેડર રોડ વિસ્તારમાં બની હતી

પ્રતીકાત્મક તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાતના એક દિવસ પહેલાં શહેરમાં ડ્રોન ઉડાડતી વખતે અમુક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસે આ સપ્તાહની શરૂઆતમાં દક્ષિણ મુંબઈના એક અગ્રણી બીલ્ડર વિરુદ્ધ FIR નોંધી હતી. શુક્રવારે આ માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સોમવારે પેડર રોડ વિસ્તારમાં બની હતી.

પોલીસ અધિકારીએ કહ્યું કે “વડાપ્રધાન મોદી બીજા દિવસે (મંગળવારે) પેડર રોડ થઈને શહેરના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)ની મુલાકાત લેવાના હતા, તેથી પોલીસે સુરક્ષાના કારણોસર સમગ્ર રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું. એક સ્થાનિક રહેવાસીએ સોમવારે પોલીસને જાણ કરી કે તેણે આ વિસ્તારમાં ડ્રોન ઊડતું જોયું હતું.”

મુંબઈ પોલીસના અધિકારીએ કહ્યું કે “આ વિશે માહિતી મળ્યા બાદ ગામદેવી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ પ્રવૃત્તિમાં કોણ સામેલ હતું તે શોધવા માટે તપાસ શરૂ કરી હતી. પાછળથી, એવું જાણવા મળ્યું કે દક્ષિણ મુંબઈના એક અગ્રણી બીલ્ડરે જમીનના પ્લોટના મેપિંગ અને જાહેરાત માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો.”

અધિકારીઓએ જણાવ્યું કે બીલ્ડરે ડ્રોન ઉડાડવાની પરવાનગી લીધી હતી અને પોલીસે તેને તેના માટે પરવાનગી આપી હતી, પરંતુ તેણે ડ્રોન ઉડાડતી વખતે કેટલીક શરતોનું ઉલ્લંઘન કર્યું હતું.” તેમણે કહ્યું કે ડ્રોન વિશે જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી ગયો હતો. શહેર પોલીસે સુરક્ષાના પગલા તરીકે એન્ટી ડ્રોન ગન પણ તૈયાર રાખી છે.”

અધિકારીઓએ જણાવ્યું હતું કે “પોલીસ આદેશનું ઉલ્લંઘન કરવા બદલ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 188 (જાહેર સેવક દ્વારા યોગ્ય રીતે જાહેર કરવામાં આવેલ આદેશની અવહેલના) હેઠળ બીલ્ડર વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.”

mumbai mumbai news Crime News narendra modi