બધાં ટ્રસ્ટો સામેની નવી જોગવાઈઓની ખિલાફ કોર્ટમાં જવાની તૈયારી?

13 March, 2023 08:24 AM IST  |  Mumbai | Rohit Parikh

ફાઇનૅન્સ બિલમાં જે સુધારા સૂચવવામાં આવ્યા છે એમાં જો કોઈ ટ્રસ્ટ પાંચ વર્ષમાં લોન પાછી નહીં આપે તો એને આવક ગણીને એના પર ૩૦ ટકા ઇન્કમ-ટૅક્સ ચાર્જ કરવાની જોગવાઈ સામે નારાજગી. ગઈ કાલે જૈન સંઘોની સર્વોચ્ચ સંસ્થાની મીટિંગમાં જૈનાચાર્યોએ કર્યું માર્ગદર્શન

ગઈ કાલે ગોવાલિયા ટૅન્કના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરમાં યોજાયેલી ધર્મસભા

1125 - આટલા જૈનસંઘોનું પ્રતિનિધિત્વ કરી રહેલાં શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા ગઈ કાલે મીટિંગ રાખવામાં આવી હતી.

ઇન્કમ-ટૅક્સના નવા વર્ષમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા ફાઇનૅન્સ બિલ ૨૦૨૩ના નવા સુધારા ટ્રસ્ટો અને સંસ્થાઓ માટે ભયજનક હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. આ સુધારાને લીધે ચૅરિટેબલ અને રિલિજિયસ ટ્રસ્ટોની સ્વતંત્રતા છીનવાઈ જશે. ગઈ કાલે મુંબઈના ૧૧૨૫થી વધારે જૈન સંઘોનું પ્રતિનિધિત્વ કરી રહેલાં શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન અને શ્રી ગોવાલિયા ટૅન્ક જૈન સંઘ દ્વારા ટ્રસ્ટને લગતા આ નવા ફેરફારની માહિતી આપવા માટે એક અગત્યની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોવાલિયા ટૅન્કના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરમાં ગઈ કાલે આ સભા અઢી કલાક ચાલી હતી, જેમાં વિવિધ કાયદાના જાણકારોએ આ સુધારાની ભયજનક પરિસ્થિતિની સંઘને માહિતી આપી હતી. એની સામે ક્રાન્તિકારી સંત જૈનાચાર્ય નયપદ્‍મસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબે કહ્યું કે આવા કાયદા સામે બધાં ટ્રસ્ટોએ સંગઠિત થઈને કાયદાકીય લડત ચલાવવાની જરૂર છે. ગઈ કાલની સભામાં અન્ય સમાજના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

આ ફાઇનૅન્સ બિલની ગંભીરતાની માહિતી આપતાં શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના પ્રમુખ નીતિન વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ એવું બિલ છે જેમાં ટ્રસ્ટ દ્વારા લેવામાં આવતી લોન ટ્રસ્ટ પાંચ વર્ષમાં ભરપાઈ કરવામાં નિષ્ફળ જશે તો ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ એને આવક ગણીને જે-તે રકમ પર ૩૦ ટકા ઇન્કમ-ટૅક્સ ચાર્જ કરશે, જેમ કે જો કોઈ સંસ્થા કોઈ ઇમારત બાંધવા માટે પાંચ કરોડ રૂપિયાની ડોનર કે સંસ્થા પાસેથી લોન લે તો આ પાંચ કરોડ રૂપિયા જે-તે ટ્રસ્ટે એના ડોનરને પાંચ વર્ષમાં પાછા કરી દેવા પડશે. જો એમાં તેને મોડું થશે તો ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટ આ પાંચ કરોડ રૂપિયાને એ ટ્રસ્ટની આવકમાં ગણી લેશે અને એના પર ૩૦ ટકા ઇન્કમ-ટૅક્સ વસૂલ કરશે. એટલું જ નહીં, એક ટ્રસ્ટ અન્ય ટ્રસ્ટને કાયદેસર અનુદાન આપશે તો એમાંથી પણ ૧૫ ટકા ડોનેશન-ખર્ચ એ ટ્રસ્ટને બાદ નહીં મળે.’

આ બાબતે વધુ માહિતી આપતાં નીતિન વોરાએ કહ્યું કે ‘નવા સુધારા પ્રમાણે એક ટ્રસ્ટ અન્ય ટ્રસ્ટને દાન આપે તો એને ચેઇન ડોનેશન કહેવામાં આવશે. ઑગસ્ટ ૨૦૨૨માં આવેલા સુધારા પ્રમાણે હવે ડોનરનાં નામ, ઍડ્રેસ અને તેમનાં નજીકનાં સગાંઓની માહિતી પણ આપવાની રહેશે. જો ૫૦ વર્ષમાં ડોનરે ૫૦ વર્ષ સુધી ૫૦,૦૦૦ રૂપિયાનું ડોનેશન કર્યું હોય તો તે ડોનર સબસ્ટેન્શિયલ દાતા કહેવાય. આવા અનેક સુધારા નવા બિલમાં કરવામાં આવ્યા છે. પહેલાં ૧૦ કરોડ રૂપિયાના દાન સામે દોઢ કરોડ રૂપિયા કૉર્પસને મજબૂત કરવા માટે બચાવી શકાતા હતા, જ્યારે હવે ફક્ત ૭૫ લાખ રૂપિયા જ કૉર્પસ તરીકે બચાવી શકાશે, અન્યથા એના પર ૩૦ ટકા ઇન્કમ-ટૅક્સ ભરવો પડશે, જેનાથી ટ્રસ્ટને મળતાં ડોનેશનો પર નિયંત્રણ આવવાની સંભાવના નકારી શકાતી નથી.’

સરકારના આ બિલથી ફક્ત જૈન સમાજમાં જ નહીં, સમગ્ર સમાજ અને જ્ઞાતિનાં ચૅરિટેબલ અને રિલિજિયસ ટ્રસ્ટોમાં ખળભળાટ મચી ગયો છે. આ સંદર્ભે માહિતી આપતાં નીતિન વોરાએ કહ્યું કે ‘આ બિલનો વિરોધ કરવા માટે અને સરકાર પાસે અમારી કેફિયત રજૂ કરવા માટે ૧૫ દિવસ પહેલાં બધા વહોરા સહિતના અનેક સમાજ, સમુદાયો, જ્ઞાતિઓના અગ્રણીઓએ ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરમાં એક મીટિંગ કરી હતી, જેમાં આ બિલનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો. આમ છતાં સરકાર ૧ એપ્રિલથી આ બિલને કાયદાનું સ્વરૂપ આપવા અને એનું અમલીકરણ કરવાના મૂડમાં છે.’

સરકારની આ મક્કમતા સામે મૌન બેસી રહેવાથી નહીં ચાલે. એને માટે મુંબઈના જૈન સંઘોને આ બાબતે પૂરતી માહિતી આપવા માટે અમે ગઈ કાલે સમગ્ર મુંબઈના જૈન સંઘની એક જાહેર સભા યોજી હતી. એ સંદર્ભે નીતિન વોરાએ કહ્યું કે ‘આજે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પદ્‍મસાગરસૂરીશ્વરજી મહારાજા, પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિનયસાગરસૂરીશ્વરજી તથા પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિવેકસાગરસૂરીશ્વરજી મહારાજ તેમ જ બે દિવસ પહેલાં આચાર્ય પદવી પ્રદાન કરનાર શ્રી નયપદ્‍મસાગરસૂરીશ્વરજી મહારાજા તથા પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી પ્રશાંતસાગરજી મહારાજાની નિશ્રામાં અમે ઇન્કમ-ટૅક્સના નવા વર્ષના ફાઇનૅન્સ બિલ ૨૦૨૩ના નવા સુધારા કેટલા ભયજનક છે એની સમજણ અનેક કાયદાના જાણકારો દ્વારા આપવામાં આવી હતી. એમાં બધા જૈન સંઘોને સંગઠિત થઈને આ કાયદાનો વિરોધનો અવાજ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાનું આહવાન કરવામાં આવ્યું હતું. આ બિલ ઍક્ટ બની જાય એ પહેલાં સૌએ જાગ્રત થવાની અને સંગઠિત થવાની જરૂર છે.’

આ બિલ સંદર્ભમાં આચાર્ય નયપદ્‍મસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબે જનમેદનીને સંબોધતાં કહ્યું કે ‘આવાં બિલ લાવીને ધર્મને નષ્ટ કરવા માટેના જવાબદારો સામે બધાં જ ટ્રસ્ટો અને સંઘોએ સંગઠિત થઈને કાયદાકીય લડત શરૂ કરવાની જરૂર છે.’

mumbai mumbai news finance ministry income tax department rohit parikh