હાશ! રિલીફ હાથવગી

30 July, 2021 08:28 AM IST  |  Mumbai | Dharmendra Jore

મુંબઈમાં લેવલ-ટૂનાં નિયંત્રણો અમલી : દુકાનો, રેસ્ટોરાંને રાત્રે ૮ કે ૯ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરમિશન મળી શકે છે : જોકે લોકલ ટ્રેનોમાં એન્ટ્રીનું શું? એ સવાલનો જવાબ નથી મળી રહ્યો : આનો ફાઇનલ નિર્ણય ઉદ્ધવ લેશે

બાપ્પા, હવે નિયંત્રણો હળવાં કરાવજે. આવી જ પ્રાર્થના મુંબઈગરા સિદ્ધિવિનાયક મંદિરની બહાર કરી રહ્યાં હોવાનું લાગે છે (તસવીરઃ પ્રદીપ ધિવાર)

કોરોનાનાં નિયંત્રણોમાં અમુક અંશે રાહત મેળવનારા પચીસ જિલ્લાઓમાં મુંબઈ અને થાણેનો પણ સમાવેશ થાય છે. હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ ગુરુવારે જણાવ્યું હતું કે ‘આ સ્થળોએ લેવલ-ટૂનાં નિયંત્રણો લાગુ કરવામાં આવશે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (એમએમઆર)નો ભાગ હોય અથવા તો એની સાથે સરહદ ધરાવતા પાલઘર, રાયગડ, અહમદનગર અને પુણે સહિતના ૧૧ જિલ્લાઓમાં પૉઝિટિવિટી રેટ અને કેસલોડ ઊંચો હોવાથી એ લેવલ-થ્રી પર રહેશે.’

જોકે સીએમ ઉદ્ધવ ઠાકરેની રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સ સાથેની ગુરુવારની બેઠકમાં એમએમઆરના સબર્બન ટ્રેન નેટવર્ક પર તમામ મુસાફરોને છૂટ આપવામાં એકમત સધાયો નહોતો. રાજેશ ટોપેએ જણાવ્યા મુજબ મીટિંગ બાદ સીએમ આગામી બે-ત્રણ દિવસમાં રેલવે ઑથોરિટી સાથે સલાહ-મસલત કરીને આ અંગે નિર્ણય લેશે.

ટોપેએ જણાવ્યું હતું કે એમએમઆરમાં તમામ લોકોને અને ખાસ કરીને રસીના બન્ને ડોઝ લેનારા લોકોને લોકલ ટ્રેનોની મુસાફરીની છૂટ આપવી કે કેમ એ અંગે એક કરતાં વધુ વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે.

તેમના મતે આગામી બે-ત્રણ દિવસમાં પ્રાપ્ય બનાવવામાં આવનારી માર્ગદર્શિકા પ્રમાણે હોટેલો અને દુકાનો રાતે ૮થી ૯ વાગ્યા સુધી ૫૦ ટકાની ક્ષમતા સાથે ખુલ્લી રાખી શકાશે. વીક-એન્ડનાં નિયંત્રણો શનિવારે હળવાં કરાશે, પણ રવિવારે એ યથાવત્ રહેશે. મેળાવડા અને લગ્નપ્રસંગો માટેના નિયમોમાં કોઈ ફેરફાર કરાશે નહીં. ૨૫ જિલ્લાઓમાં આ મહિનાના પ્રારંભમાં જારી કરાયેલી લેવલ-ટૂની સમાન માગદર્શિકા લાગુ પડશે કે કેમ એની સ્પષ્ટતા તેમણે કરી નહોતી.

ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં લેવલ-થ્રીનાં નિયંત્રણો લાગુ કરાયાં એ પહેલાં લેવલ-૨ની માર્ગદર્શિકામાં આવશ્યક અને બિનઆવશ્યક દુકાનો માટે નિયમિત ટાઇમિંગ હતો. પાર્ક, ખાનગી અને સરકારી ઑફિસોને લૉકડાઉન પહેલાંના સમય અનુસાર કાર્યરત રહેવાની છૂટ હતી. મૉલ્સ, થિયેટરો, સિંગલ સ્ક્રીન અને રેસ્ટોરાં મર્યાદિત મહેમાનોને સમાવી શકતાં હતાં. ઇન્ડોર ગેમ્સને સવારના પાંચથી રાતના નવ સુધી અને આઉટડોર સ્પોર્ટ્સને સમગ્ર દિવસ માટેની છૂટ અપાઈ હતી.

એમાં ફિલ્મના શૂટિંગને ૫૦ ટકા ક્રૂ કૅપિસિટીની મર્યાદા સાથે નિયમિત ટાઇમ અનુસાર છૂટ અપાઈ હતી. અંતિમક્રિયામાં હાજરી આપવા પર સંખ્યાની કોઈ મર્યાદા નહોતી. સોસાયટીની મીટિંગો અને ચૂંટણીઓમાં ૫૦ ટકાની ક્ષમતાની છૂટ અપાઈ હતી. કન્સ્ટ્રક્શન, કૃષિ, ઈ-કૉમર્સ પર કોઈ નિયંત્રણ નહોતું. જિમ અને સલૂન્સ આગોતરી અપૉઇન્ટમેન્ટ્સ સાથે ૫૦ ટકા ક્ષમતા પર કાર્યરત રહી શકતાં હતાં. આંતરજિલ્લા મુસાફરીની છૂટ હતી અને ઉત્પાદન પર કોઈ નિયંત્રણ નહોતું.

લેવલ-થ્રીનાં નિયંત્રણો હેઠળ મુકાયેલાં ૧૧ જિલ્લાઓમાં પુણે, સાતારા, સાંગલી, કોલ્હાપુર, સોલાપુર, પાલઘર, રાયગડ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, અહમદનગર અને બીડનો સમાવેશ થાય છે. આ પૈકીના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે એમની સમસ્યાઓમાં વધારો થયો છે. આવા જિલ્લાઓમાં રાહત અને પુનર્વસનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રાજેશ ટોપેના જણાવ્યા પ્રમાણે ૧૧ જિલ્લાઓમાં જરૂર પડ્યે નિયંત્રણો વધુ ચુસ્ત કરાશે.

coronavirus covid19 mumbai mumbai news unlock mumbai local train dharmendra jore