ફુલ ટાઇમ સ્પૉટ-બૉય અને પાર્ટ-ટાઇમ ચીટર

04 August, 2022 10:43 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ફક્ત સિનિયર સિટિઝનોને જ શિકાર બનાવતો ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો સ્પૉટ-બૉય પકડાયો 

બોરીવલી જીઆરપીએ પકડી પાડેલો ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સ્પૉટ-બૉય તરીકે કામ કરતો આરોપી

ફક્ત સિનિયર સિટિઝનોને જ વિશ્વાસમાં લઈ તેમને શિકાર બનાવીને હાથસફાયો કરનારા ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના સ્પૉટ-બૉયની બોરીવલી જીઆરપીએ ધરપકડ કરી છે. આ શાતિર આરોપી ભણેલો હોવાની સાથે પોતાની વાતોમાં ફસાવવાની કળા પણ જાણતો હતો. પોલીસે તેની ધરપકડ કરીને અલગ-અલગ બૅન્કનાં ૩૭ જેટલાં એટીએમ કાર્ડ જપ્ત કર્યાં છે.

બોરીવલી રેલવે પોલીસને બોરીવલી-વેસ્ટમાં રહેતા ૬૪ વર્ષના સિનિયર સિટિઝનની ફરિયાદ મળી હતી. બોરીવલી રેલવે સ્ટેશનને અડીને આવેલા એટીએમમાં તેમની સાથે આ બનાવ બન્યો હતો. ત્યાર બાદ પોલીસે આરોપીની શોધ શરૂ કરી હતી અને સીસીટીવી કૅમેરાનાં ફુટેજની તપાસ કરી હતી. ત્યાર બાદ બીજી વખત જ્યારે આરોપી એ જ એટીએમ પર આવ્યો ત્યારે તેને પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં તે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીઝમાં સ્પૉટ-બૉય તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું.

આ વિશે વધુ માહિતી આપતાં બોરીવલી જીઆરપીના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ કદમે ‘મિડ-ડે’ને જ‌ણાવ્યું હતું કે ‘પકડાયેલો ૨૭ વર્ષનો આરોપી ચેમ્બુરમાં રહે છે અને અશોક ઘનશ્યામ વર્મા તેનું નામ છે. તેના સંબંધીની સાથે તે અહીં રહે છે અને લગ્ન પણ થયાં નથી. એટીએમમાં પૈસા કાઢવા આવતા સિનિયર સિટિઝનને મદદ કરવાના બહાને ખૂબ ચતુરાઈથી તેમનો વિશ્વાસ જીતીને તેમનું એટીએમ કાર્ડ એક્સચેન્જ કરી લેતો હતો અને તેમના અકાઉન્ટમાંથી પૈસા કાઢી લેતો હતો. આરોપીની પૂછપરછ બાદ જણાયું હતું કે તેની સામે બોરીવલી સિવાય પાયધુની પોલીસ સ્ટેશનમાં પણ કેસ દાખલ કરાયો છે. આરોપીની તપાસ કરતાં તેની પાસેથી ૩૭ કાર્ડ મળી આવ્યાં હતાં.’

mumbai mumbai news Crime News borivali preeti khuman-thakur