ફાઇટ ટુ ફિનિશ

19 June, 2021 02:58 PM IST  |  Mumbai | Rohit Parikh

જૈનોએ એલફેલ બયાનબાજી કરી રહેલા રાજસ્થાનના અનોપ મંડળ વિરુદ્ધ દેશના ૫૦૦ જિલ્લાઓમાંથી વડા પ્રધાનને આવેદનપત્ર મોકલીને વિરોધ-પ્રદર્શન કરવાની જાહેરાત કરી

અનોપ જૈન

જૈન સમાજ કોરાના ફેલાવવા માટે જવાબદાર છે એવી સોશ્યલ મીડિયાના માધ્યમથી બયાનબાજી કરી રહેલા રાજસ્થાનના ૧૨૦ વર્ષ જૂના અનોપ મંડળના વિરોધમાં જૈન સમાજમાં આક્રોશ ફેલાયો છે. આ મંડળના વિરોધમાં સમગ્ર જૈન સમાજ દ્વારા રાષ્ટ્રીય જૈન સંગઠનના નેજા હેઠળ બુધવાર, ૨૩ જૂને ‘ફાઇટ ટુ ફિનિશ’ આંદોલન કરવામાં આવશે. આ આંદોલન અંતર્ગત એ દિવસે દેશભરનાં ૫૦૦થી વધુ જૈન સંઘો અને સંગઠનો તેમના જિલ્લાના/શહેરના કલેક્ટરો/પ્રશાસન અધિકારીઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે આવેદનપત્ર આપીને અનોપ મંડળને બૅન કરવાની અને આ મંડળ પર કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવશે.

અનોપ મંડળ દ્વારા છેલ્લાં ૧૦૦ વર્ષથી જૈન સમાજની વિરુદ્ધ વિવાદ જગાવતાં નિવેદનોનો પ્રસાર કરવામાં આવે છે; એટલું જ નહીં, આ મંડળ દ્વારા છેલ્લાં થોડાં વર્ષોમાં જૈનોના સેંકડો સાધુ-સંતો પર હુમલા કરવામાં અને તેમના અકસ્માત કરાવવામાં આવ્યા છે એવો જૈન સમાજનો દાવો છે. આ સિવાય દેશ અને વિશ્વમાં આવતી બધી કુદરતી આફતો અને કારોના જેવા મહામારીને ફેલાવવામાં પણ અનોપ મંડળે જૈન સમાજને જવાબદાર ગણીને એના વિરોધમાં સોશ્યલ મીડિયા પર પ્રચાર કર્યો હોવાનું જૈનોનું કહેવું છે.

આ પહેલાં રાજસ્થાનમાં આ મંડળને બૅન કરવામાં આવ્યું છે. આમ છતાં આ મંડળ સોશ્યલ મીડિયા પર જૈનોના અને હિન્દુ સમાજના વિરોધમાં બયાનો પ્રસારિત કરે છે.

આ બાબતની માહિતી આપતાં રાષ્ટ્રીય જૈન સંગઠનના કન્વીનર લલિત ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે નરેન્દ્ર મોદીને જે આવેદનપત્ર આપવાના છીએ એમાં જણાવ્યું છે કે દશકોથી અનોપ મંડળે ઘણી જગ્યાએ વાણિયા સમુદાયના વિરોધમાં હિંસા ભડકાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. છેલ્લાં ૩૦થી ૪૦ વર્ષમાં આ મંડળની સામે રાજસ્થાનમાં અનેકાનેક ફરિયાદો કરવામાં આવી છે. હાઈ કોર્ટના આદેશ પછી પણ આજ સુધી આ અરાજકતાવાદી સંગઠન સામે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી જેને કારણે અનોપ મંડળની તાકાત વધી છે. એને પરિણામે આ મંડળની ગેરપ્રવૃત્તિઓ અન્ય રાજ્યોમાં વિસ્તૃત પામી છે. અમે અનોપ મંડળની રાષ્ટ્રવિરોધી, હિન્દુ ધર્મવિરોધી, જૈન ધર્મવિરોધી પ્રવૃત્તિઓની વિસ્તારપૂર્વકની જાણકારી અને જરૂરી દસ્તાવેજો કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલાવ્યાં છે. બુધવાર, ૨૩ જૂને ‘ફાઇટ ટુ ફિનિશ’ આંદોલન અંતર્ગત દેશભરમાંથી ૫૦૦થી વધુ જૈન સંઘો અનોપ મંડળને બૅન કરવાની અને એના પર કાયદાકીય કાર્યવાહી કરવા માટેની માગણી કરતાં નરેન્દ્ર મોદીના નામનાં આવેદનપત્રો તેમના શહેર, જિલ્લા, ગામોના કલેક્ટર કે પ્રશાસન અધિકારીઓને સોંપશે.’

mumbai mumbai news rohit parikh