લૉકડાઉનના ભય વચ્ચે ખરીદી માટે થઈ પડાપડી

13 April, 2021 02:39 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

કરિયાણું, શાકભાજી અતિઆવશ્યક સેવામાં હોવા છતાં વીક-એન્ડ લૉકડાઉન સોમવારે પૂરું થતાં જ લોકો સંપૂર્ણ સેકન્ડ લૉકડાઉનના ડરે ઘરમાં જોઈતી વસ્તુઓનો સ્ટૉક કરવા નીકળી પડ્યા

વિરારની ભાજી માર્કેટની બહાર ટૂ-વ્હીલર પાર્ક કરીને લોકો અંદર ખરીદી કરવા ગયા હતા એથી લોકો કેટલી મોટી સંખ્યામાં ઊમટ્યા હશે એ સમજી શકાય છે

એક-બે દિવસમાં સંપૂર્ણ મહારાષ્ટ્રમાં લૉકડાઉન જાહેર થવાનું છે એટલે બધું ખરીદી લો. આવા શબ્દો ગઈ કાલે મુંબઈ, કલ્યાણ-ડોમ્બિવલી સહિત વસઈ-વિરારમાં મોટી સંખ્યામાં લોકોના મોઢેથી સાંભળવા મળ્યા હતા. વીક-એન્ડ લૉકડાઉન જેમ સોમવારે સવારે પૂરું થયું કે ગઈ કાલે સવારના માર્કેટ પરિસર ગ્રાહકોથી ધમધમતો દેખાઈ આવ્યો હતો. ફક્ત શાકભાજીવાળા પાસે જ નહીં પણ કરિયાણાની નાની-મોટી દુકાનમાં પણ અનાજ-કઠોળ ભરવા માટે લોકોની લાઈન જોવા મળી હતી. જોકે નવાઈની વાત એ છે કે શાકભાજી, કરિયાણા સહિતની આઇટમો જીવનજરૂરિયાતની હોવાથી લૉકડાઉન દરમ્યાન પણ મળે એમ હોવા છતાં લોકોએ એ લેવા માટે પડાપડી કરી હતી.

માર્કેટમાં શાકભાજી એક નહીં પણ અનેક થેલીઓ ભરીને લઈ જતાં વિરારનાં રહેવાસી જાગૃતિ મહેતાએ જણાવ્યું કે ‘કોરોનાની સંખ્યાને જોતાં અમને ધ્યાન જ છે કે લૉકડાઉન એક-બે દિવસમાં જાહેર થશે. લૉકડાઉન વિશે પહેલાનો અનુભવ અમારા માટે કાફી છે, લૉકડાઉનને કારણે ઘરની બહાર નીકળતા પણ ડર લાગે છે. લૉકડાઉનમાં પોલીસ દંડ કરશે કે મારે તો એના ભયથી ઘરમાં ભરીને રાખવું સારું કહેવાય. ઘરે ફ્રીજમાં શાકભાજીઓ કાગળમાં નાખીને મૂકી દેશું તો સારું રહેશે.’

ઓપેરા હાઉસમાં રહેતાં જિજ્ઞાબહેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉન થાય એ પહેલાં બધું ઘરમાં ભરી લઈએ તો સારું પડે, કારણ કે અમારા ઘરે બાળકો છે. આપણે એક વખત ચલાવી લઈએ પણ બાળકોને ન ચાલે. અમે પણ ખરીદી કરવા ગયાં હતાં પરંતુ ભીડ જોતાં ડર લાગી ગયો હતો. લોકો ચાર-ચાર થેલી ભરીને શાકભાજી ખરીદી રહ્યા હતા. શાકભાજીવાળા, ફળવાળાઓએ પણ ભાવ વધારી દીધા હતા. જ્યાં ૨૦ રૂપિયા કે ૨૫ રૂપિયા પા કિલો શાક મળતું ત્યાં ૩૦ રૂપિયા ભાવ થઈ ગયો હતો.’

ભાઈંદરમાં રહેતાં રુચિતા શાહે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘પહેલાં તો કરિયાણાની દુકાનમાં સામાન લખાવી દેતાં તો એ આવી જતો હતો, પરંતુ હવે ત્યાં એટલી ભીડ થઈ જાય છે કે તેઓ ડિલિવરી કરવા આવી શકતા નથી. લૉકડાઉન થાય કે કોરોનાની સંખ્યા વધવા જેવી પરિસ્થિતિ ઊભી થાય તો રિસ્ક લઈને કોણ નીચે ઊતરીને દુકાને જાય. અમે તો ઘરમાં બનતી વસ્તુઓ જ ખાઈએ છીએ એટલે બધું ભરીને જ રાખ્યું છે.’

ભાઈંદર-વેસ્ટમાં ભાજી ગલીમાં સાડીની દુકાન ધરાવતા એક દુકાનદારે કહ્યું કે ‘મારી દુકાન ભાજી માર્કેટમાં છે અને મારા મિત્રનો ફોન આવ્યો હતો કે તેની દુકાનની આખી ગલીમાં ખૂબ ભીડ છે. એથી તપાસ કરી તો ખબર પડી કે જાણે મેળો લાગ્યો હોય એમ લોકો રસ્તા પર ઊતરી પડ્યા હતા. જાણે પછી કંઈ મળવાનું જ નથી એમ ખરીદી કરવા લાગ્યા હતા.’

coronavirus covid19 lockdown mumbai mumbai news