31 July, 2026 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હવે લૉયર્સ અસોસિએશનની કૅન્ટીન બંધ: હાઈ કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો એને પગલે સ્વેચ્છાએ કૅન્ટીન બંધ રાખી હોવાનું કહેવામાં આવ્યું
ફૂડ સેફ્ટી માટે રેસ્ટોરાં અને હોટેલો પર પસંદગીયુક્ત તપાસ વિશે બૉમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ને પ્રશ્ન પૂછ્યાના એક દિવસ પછી હાઈ કોર્ટ પરિસરમાં લૉયર્સ અસોસિએશન દ્વારા ચલાવવામાં આવતી કૅન્ટીન સ્વેચ્છાએ ટેમ્પરરીલી બંધ કરી દેવાઈ છે. FDA અધિકારીઓએ ગુરુવારે કૅન્ટીન પરિસરની મુલાકાત લીધી, પરંતુ બૉમ્બે બાર અસોસિએશન (BBA)એ ભારપૂર્વક જણાવ્યું કે એની સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય સ્વેચ્છાએ લેવામાં આવ્યો હતો અને રાજ્ય સરકારના રેગ્યુલેટર FDAના કોઈ પણ પ્રતિકૂળ આદેશથી પ્રેરિત નથી. કૅન્ટીન સેવા ટૂંક સમયમાં ફરી શરૂ થશે એવું પણ કહેવામાં આવ્યું હતું. હાઈ કોર્ટે બુધવારે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું ફૂડ-સેફ્ટીને લગતા નિયમો એકસરખી રીતે લાગુ કરવામાં આવી રહ્યા છે? FDAને મંત્રાલય અને હાઈ કોર્ટ ખાતેની કૅન્ટીન સહિત તમામ સરકારી અને અર્ધ-સરકારી કૅન્ટીનનું ઇન્સ્પેક્શન કરવા અને વિડિયો-રેકૉર્ડિંગ સાથે સ્થિતિ રજૂ કરવાનો આદેશ કોર્ટે આપ્યો હતો.
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ વસઈના કામણ-કોલ્હીમાં મેસર્સ કૌશલ કૉર્પોરેશન પર મંગળવારે કાર્યવાહી કરીને ૧૩૦૮ લીટર પાશ્ચરાઇઝ્ડ દૂધ અને ૨૭૮ કિલો પનીર જપ્ત કર્યું હતું. એ જ પ્રમાણે ગોરેગામ-વેસ્ટની મૉડર્ન ડેરી પર FDAએ બુધવારે કાર્યવાહી કરીને ૭૮ કિલો મીડિયમ ફૅટ પનીર જપ્ત કર્યું હતું. આ પનીર હલકી ક્વૉલિટીનું હોવાની તેમને શંકા હતી.