ખેડૂતોની લૉન્ગ માર્ચ મુંબઈ નજીક પહોંચી

17 March, 2023 12:18 PM IST  |  Mumbai | Nidhi Lodaya

આ માર્ચનો મૂળ હેતુ તેમની ૧૭ માગણીઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોરવાનો છે : મુખ્ય પ્રધાનની પ્રતિ ક્વિન્ટલ ૩૦૦ રૂપિયાની રાહત સામે ખેડૂતોએ કરી ઓછામાં ઓછી ૬૦૦ રૂપિયાની માગણી

નાશિકથી નીકળેલા ખેડૂતો રવિવારે મુંબઈ પહોંચે એવી શક્યતા છે, પણ ગઈ કાલે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન સાથે તેમની ચર્ચા થયા બાદ ખેડૂતોની આ લૉન્ગ માર્ચ મુંબઈ સુધી નહીં આવે એવું અત્યારે લાગી રહ્યું છે. (તસવીર : સમીર માર્કન્ડે)

મહારાષ્ટ્રના નાશિકના દિંડોરીથી સેંકડો ખેડૂતોએ ભાવવધારા સહિત અન્ય પ્રશ્નો માટે મુંબઈ પહોંચવા ૨૦૦ કિલોમીટર લાંબી લૉન્ગ માર્ચ શરૂ કરી છે. આ લૉન્ગ માર્ચનો મૂળ હેતુ તેમની ૧૭ માગણીઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોરવાનો છે. આ માગણીઓમાં કાંદા માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી - મિનિમમ સપોર્ટ પ્રાઇસ), કૃષિપેદાશો માટે યોગ્ય કિંમત, ખેડૂતો માટે વીજબિલમાં માફી, કમોસમી વરસાદ અને જંગલ જમીનના અધિકારોને કારણે થતા પાકના નુકસાનનું ઝડપી વળતર વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સીપીઆઇ (એમ)ની ઑલ ઇન્ડિયા કિસાન સમિતિ (એઆઇકેએસ) દ્વારા આ માર્ચ શરૂ  કરવામાં આવી છે. દેશમાં કાંદાના પાકનું સૌથી મોટું કેન્દ્ર નાશિક માનવામાં આવે છે, પરંતુ મહારાષ્ટ્રમાં એની કિંમતમાં ઘટાડો થતાં ખેડૂતોની આવક પર એની ભારે ખરાબ અસર થઈ છે. સોમવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કાંદા પર પ્રતિ ક્વિન્ટલ ૩૦૦ રૂપિયાની રાહત જાહેર કરી હતી, પરંતુ ખેડૂતોની માગણી મુજબ આ રાહત તેમના ઇનપુટ ખર્ચને કવર નથી કરતી. કાંદાના પાકમાં નુકસાની સહન ન કરવી પડે એ માટે ખેડૂતોએ ઓછામાં ઓછી ૬૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલની રાહતની માગણી કરી છે.

મુખ્યત્વે પુરુષ ખેડૂતોની આ રૅલીમાં મહિલાઓ પણ સામેલ છે, જે ક્યાં તો તેમના પતિ સાથે કે અલગ જૂથ બનાવીને રૅલીનો હિસ્સો બની છે. હું પ્રથમ વાર આ પ્રકારની રૅલીમાં ભાગ નથી લઈ રહ્યો એવી કબૂલાત કરતાં જ્ઞાનેશ્વર પવાર નામના ખેડૂતે કહ્યું હતું કે મારી પત્ની મારાં બાળકો સાથે ઘરે છે.

રવિવારે પગપાળા પ્રવાસ શરૂ કર્યા બાદ ખેડૂતો મુંબઈથી ૭૦ કિલોમીટર દૂર શહાપુર નજીક પહોંચ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં આ ત્રીજી માર્ચ છે. પોતે ૨૦૧૮ની માર્ચમાં પણ ભાગ લીધો હોવાનું જ્ઞાનેશ્વર પવારે કહ્યું હતું. તેઓ નજીકમાં રહેતા હોવાથી માગણી મંજૂર થતાં પોતપોતાના ઘરે જવા રવાના થશે, પરંતુ માગણીઓ મંજૂર નહીં થાય ત્યાં સુધી પાછા નહીં જાય. ખેડૂતો સવારે ૧૧ વાગ્યે ચાલવાનું શરૂ કરીને બપોરે એક વાગ્યે પૂરું કરે છે અને દિવસમાં ૩૫ કિલોમીટર જેટલું પગપાળા ચાલે છે.

આ શાંતિપૂર્ણ રૅલી સાથે કેટલાક ટેમ્પો છે, જેમાં લાઉડસ્પીકર પર મરાઠીમાં સૂત્રોચ્ચાર અને પ્રેરણાત્મક ગીતો વગાડવામાં આવે છે. એક લેનમાં ટૅન્કર છે જે ખેડૂતોને પીવાનું પાણી પૂરું પાડે છે અને કટોકટીના સમય માટે ઍમ્બ્યુલન્સ પણ સાથે છે. મોટા ભાગના ખેડૂતોના હાથમાં સીપીઆઇ (એમ)નો લોગો ધરાવતો લાલ ઝંડો છે, જે તેઓ ચાલતી વખતે સતત લહેરાવે છે અને ૨૦૦ કિલોમીટરની રૅલીમાં તેમને પીવાનું પાણી પૂરું પાડવા બદલ પાર્ટીનો આભાર માને છે.

રૅલીમાં ઘણા ખેડૂતો આદિવાસી સમાજના તેમ જ મોટા ભાગે નાશિક કે પાલઘર વિસ્તારના છે. ખેડૂતોની ૧૭ માગણીઓ પર નજર કરીએ તો જંગલની જમીન પર આદિવાસીઓ વ્યક્તિગત જમીન પટ્ટા (મિલકતની માલિકીના પુરાવા તરીકે કાનૂની દસ્તાવેજ) ઇચ્છે છે. તેઓ આ જમીન પર ઘર બાંધનાર પરિવારને માલિકીનું ટાઇટલ મળે એવી પણ માગણી કરી રહ્યા છે.

ગાયકવાડ પરિવારે જણાવ્યું હતું કે ‘નાશિકમાં અમારા નામે ૧૦ એકર જમીન છે, પરંતુ સરકાર અમને એ આપતી નથી. અમે કાંદા, સોયાબીન અને બાજરીની ખેતી માટે માત્ર બે એકર જમીનનો જ ઉપયોગ કરી રહ્યા છીએ.’ 

રૅલીમાં ત્રણ જણનો પરિવાર આગળ ચાલતો હતો અને સાંજે ૫.૩૦ કે ૬ વાગ્યાની વચ્ચે રૅલી ભોજન માટે રોકાય ત્યારે તેમના માટે ભોજનની વ્યવસ્થા સંભાળતો હતો.

ખેડૂતોએ દાવો કર્યો હતો કે પાંચ વર્ષના શાસન અને સરકાર બદલાવા છતાં અમારી સમસ્યા માટે કોઈ લાંબા ગાળાનો ઉકેલ મળ્યો નથી. ચૂંટણી વખતે અમે રાજકારણીઓનો વિશ્વાસ કરીએ છીએ અને તેમને મત આપીએ છીએ, પરંતુ દર વખતે તેમની એક જ કહાણી હોય છે. અમને કોઈ ફાયદો થતો નથી એમ નાશિકથી ચાલતાં આવેલાં ૫૩ વર્ષનાં જયાબાઈ માળીએ કહ્યું હતું. 
રૅલી શનિવાર સુધીમાં થાણે અને રવિવાર સુધીમાં મુંબઈ પહોંચશે એમ જણાવાઈ રહ્યું છે. અહીં તેઓ તેમની માગણીના પરિણામની રાહ જોશે.

mumbai mumbai news maharashtra nashik