ખેડૂતો ગભરાતા નહીં, બહુ જલદી નુકસાન-ભરપાઈ મળી જશે : ઉદ્ધવ

16 November, 2019 11:37 AM IST  |  Mumbai

ખેડૂતો ગભરાતા નહીં, બહુ જલદી નુકસાન-ભરપાઈ મળી જશે : ઉદ્ધવ

રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે અને સરકાર બનાવવા હજી સત્તાની સાઠમારી ચાલુ છે ત્યારે શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વરસાદને કારણે નુકસાન પામેલા પાકનું નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતોને આશ્વાસન આપતાં કહ્યું હતું કે ‘ખેડૂતોએ ડરવાની જરૂર નથી. શિવસેના ખેડૂતોની મદદ કરવા તમારી પાછળ મક્કમ ઊભી છે. બહુ જલદી તમને નુકસાન-ભરપાઈ મળી જશે.’

ઉદ્ધવ ઠાકરે હાલમાં રાજ્યમાં લીલો દુકાળ પડવાથી ખેડૂતોને પડી રહેલી તકલીફ જાણવા રાજ્યના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. આજે સાંગલી જિલ્લાના કેડગાવ અને ખાનાપુર તાલુકાની મુલાકાત વખતે ખેડૂતોને ઉપરોક્ત આશ્વાસન આપ્યું હતું. નવાઈની વાત એ હતી કે આ મુલાકાત વખતે તેમની સાથે કૉન્ગ્રેસના પ્રદેશ કાર્યાધ્યક્ષ અને વિધાનસભ્ય વિશ્વજિત કદમ પણ હાજર હતા. પાછોતરા વરસાદને કારણે રાજ્યમાં અનેક જગ્યાએ લીલો દુકાળ પડ્યો છે અને ખેતરમાં ઊભા પાકનું ધોવાણ થઈ ગયું છે. પહેલાં ઉનાળામાં વરસાદ ન પડતાં દુકાળ, ત્યાર બાદ સર્જાયેલી પૂરની પરિસ્થિતિ અને એ પછી પાછોતરા વરસાદને કારણે સાંગલી જિલ્લામાં ખેતીને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને જિલ્લામાં આવેલા દ્રાક્ષના બાગને એનો બહુ મોટો ફટકો પડ્યો છે. એથી ઉદ્ધવ ઠાકરેએ આજે સાતારા અને સાંગલીમાં ખેતર પર પહોંચી જઈને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને તેમને થયેલા નુકસાનનો અંદાજ લીધો હતો. કેડગાવ તાલુકાના નવેરી ખાતે ટમેટાં, દ્રાક્ષ અને દાડમના બાગની પણ તેમણે મુલાકાત લીધી હતી.

ઉદ્ધવ ઠાકરેએ શિવસેના દ્વારા વિટામાં ઊભા કરાયેલા ખેડૂત મદદ કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. તેમણે ત્યારે કહ્યું હતું કે બધા ખેડૂતોની મુશ્કેલી જાણી તેઓને એમાંથી બહાર કાઢવા બધાએ જ પ્રયાસ કરવા જોઈએ. તેમણે ખેડૂત મદદ કેન્દ્રના પ્રમુખને જણાવ્યું હતું બધા ખેડૂતોની સમસ્યા જાણી લો અને એ પછી મને એ લેખિતમાં મોકલાવો.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

દરમ્યાન રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના વડા શરદ પવાર પણ વિદર્ભમાં અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લઈઇ રહ્યા છે. તેમણે પણ ખેતરમાં જઈને ખેડૂતો સાથે સંવાદ સાધી તેમની મુશ્કેલીઓ જાણી હતી. હાલમાં રાજ્ય સરકારના પ્રશાસન દ્વારા અતિવૃષ્ટિને કારણે નુકસાન પામેલી ખેતીનાં પંચનામાં કરવાનું કામ ચાલી રહ્યું છે.

mumbai news uddhav thackeray