ગુજરાતી ​​સિંગર કિશોર મનરાજા સહિત ફૅમિલીની ‍‍‍‍‍‍‍નવ વ્યક્તિને કોરોના

31 August, 2020 08:04 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

ગુજરાતી ​​સિંગર કિશોર મનરાજા સહિત ફૅમિલીની ‍‍‍‍‍‍‍નવ વ્યક્તિને કોરોના

કિશોર મનરાજા પરિવાર સાથે

મનોરંજનની દુનિયાના વિખ્યાત ગુજરાતી સિંગર કિશોર મનરાજાનો પરિવાર કોવિડના સકંજામાં સપડાયો હોવાનું જાણવા મળ્યું છે. તેમના મોટા પુત્રનું હૉસ્પિટલમાં ૬ દિવસની ટ્રીટમેન્ટ બાદ શનિવારે સાંજે મૃત્યુ થયું હતું; જ્યારે કિશોરભાઈ, તેમનાં પત્ની, બે પુત્રવધૂ, ચાર પૌત્ર-પૌત્રીઓ હૉસ્પિટલમાં ઍડ્મિટ છે. માત્ર નાના પુત્રની બે ટેસ્ટ નેગેટિવ આવતાં તે હોમ-ક્વૉરન્ટીન હોવાનું જાણવા મળ્યું છે.

ઘાટકોપર (ઈસ્ટ)ના સુધા પાર્કમાં આવેલા અરિહંત બિલ્ડિંગમાં પહેલા માળે કિશોરભાઈ મનરાજા પત્ની હંસાબહેન, મોટા પુત્ર હેમલ અને તેના પરિવાર સાથે રહે છે, જ્યારે પાંચમા માળે તેમનો નાનો પુત્ર જેસલ તેના પરિવાર સાથે રહે છે.

હેમલ મનરાજા

અરિહંત બિલ્ડિંગના પાંચમા માળે રહેતા ધર્મેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેટલાક દિવસથી હેમલ મનરાજાને તાવ હતો. ૩-૪ દિવસ તાવની દવા લીધા બાદ પણ તાવ ઓછો ન થવાથી ઑક્સિજન-લેવલ ઘટી ગયું હતું. ડૉક્ટરોએ તેમને આઇસીયુમાં ઍડ્મિટ કરવાની સલાહ આપતાં તેમને ઘાટકોપરની હિન્દુ મહાસભા હૉસ્પિટલ લઈ જવાયા હતા. જોકે અહીં આઇસીયુના બેડ ખાલી ન હોવાથી તેમને સોમૈયા હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. ૬ દિવસની સારવારમાં શુક્રવારે તેમનું ઑક્સિજન-લેવલ ખૂબ ઓછું થઈ જતાં વેન્ટિલેટર પર રખાયા હતા. શનિવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.’

ધર્મેશ મહેતાએ ઉમેર્યું હતું કે ‘કિશોરભાઈની તબિયત નાદુરસ્ત રહેતાં તેમને સોમૈયા હૉસ્પિટલમાં હેમલ મનરાજા પહેલાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. તેઓ પહેલા ક્રિટિકલ હતા, પરંતુ હવે તબિયત થોડી સુધારા પર છે. હેમલ સેલ્ફ આઇસોલેશનમાં રહ્યો હોવા છતાં તેની મમ્મી હંસાબહેન, પત્ની અને બે સંતાન તથા તેના નાના ભાઈ જેસલની પત્ની અને તેમનાં બે સંતાનોને હિન્દુ મહાસભા હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં છે.’

હેમલભાઈની કોવિડ-ટેસ્ટ પૉઝિટિવ આવ્યા બાદ છેલ્લા ૧૦ દિવસથી પોતાને હોમ-ક્વૉરન્ટીન કરનાર જેસલ કિશોરભાઈ મનરાજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોટા ભાઈ હેમલને કોવિડની અસર થયા બાદ ૬૮ વર્ષના પપ્પા, મમ્મી હંસાબહેન, હેમલભાઈનાં પત્ની અને તેમનાં બે સંતાન, મારી વાઇફ અને બે સંતાન સહિત પરિવારના ૯ જણને કોરોનાનું સંક્રમણ થયું હતું. હેમલભાઈની તબિયત શુક્રવારે બગડ્યા બાદ તેમને વેન્ટિલેટર પર રખાયા હતા અને શનિવારે સાંજે તેમનું હાર્ટ-અટૅકથી અવસાન થયું હતું. રાતતે જ તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી. પપ્પાની તબિયત હજી નાજુક છે, પણ બાકીના બધાની તબિયત સારી છે. અમારા પરિવાર પર આવેલી આ મુશ્કેલીમાં હિન્દુ મહાસભા હૉસ્પિટલ તથા પાડોસી ધર્મેશભાઈ મહેતાનો મૉરલ સપોર્ટ છે.’

હેમલભાઈની તબિયત શુક્રવારે બગડ્યા બાદ તેમને વેન્ટિલેટર પર રખાયા હતા અને શનિવારે સાંજે તેમનું હાર્ટ-અટૅકથી અવસાન થયું હતું અને રાતે જ તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી. પપ્પાની તબિયત હજી નાજુક છે, પણ બાકીના બધાની તબિયત સારી છે.
- જેસલ કિશોરભાઈ મનરાજા

prakash bambhrolia ghatkopar mumbai mumbai news coronavirus covid19