પરિવારની વહુઓએ ગોઠવ્યું સાસુ અને સસરાની વંદનાનું ગેટ-ટુગેધર

27 April, 2024 04:00 PM IST  |  Mumbai | Rupali Shah

તૂઈ અને લાઇટ લગાડેલા ડેકોરેટિવ કપડા પર માતા-પિતાનાં કંકુપગલાં લેવાયાં જે તેમણે ઘરની તિજોરીમાં સાચવ્યાં છે

ગેટ-ટુગેધર

આજની ફાસ્ટ લાઇફમાં નવી પેઢીને માતા-પિતા સાથે વાત કરવાનો સમય નથી મળતો પણ ઘણા પરિવાર એવા છે જ્યાં માતા-પિતા ફૂલડે પુજાય છે. મલાડ-ઈસ્ટના સખીદાસ પરિવારની વહુઓએ તેમનાં સાસુ પ્રજ્ઞા સખીદાસ અને સસરા જિતેન્દ્ર સખીદાસની માતૃવંદના અને પિતૃવંદના કરી એક અનોખો દાખલો બેસાડ્યો છે. મોટી વહુ કોમલ સખીદાસ અને નાની વહુ વૈશાલી સચિનને પરિવારના ગેટ-ટુગેધરમાં માતૃ-પિતૃવંદના કરવાની પ્રેરણા થઈ. જોકે આ વાત પરિવારના દરેક સભ્ય સુધી છેવટ સુધી સરપ્રાઇઝ જ હતી.

થોડા દિવસ પહેલાં એક રેસ્ટોરાંના હૉલમાં ગેટ-ટુગેધર ગોઠવાયું. એમાં લગભગ ૧૪૦ જણની હાજરી રહી હતી. બરાબર ૧૨.૩૯ના વિજય મુહૂર્તમાં જિતેન્દ્રભાઈ અને પ્રજ્ઞાબહેનનો પ્રવેશ કરાવવામાં આવ્યો. તેમની સાથે તેમનાં બન્ને દીકરા- વહુઓ તેમ જ બે દીકરી-જમાઈ રૂપા નીરવ વોરા અને જાગૃતિ પિન્કેશ ઝવેરી સહિત પાંચ સંતાનોની પણ એન્ટ્રી થઈ. પ્રવેશ વખતે વાગતું ગીત અને માતા-પિતાની સુંદર રીતે વંદનાથી આખો પરિવાર ભાવુક બની ગયો હતો. તૂઈ અને લાઇટ લગાડેલા ડેકોરેટિવ કપડા પર માતા-પિતાનાં કંકુપગલાં લેવાયાં જે તેમણે ઘરની તિજોરીમાં સાચવ્યાં છે. સ્ટેજ પર બેઠેલાં માતાપિતાને કેસરનો ચાંદલો અને હાર પહેરાવવાની સાથે દૂધ-પાણીથી તેમનાં ચરણો પખાળવામાં આવ્યાં. લીમડીના ઝાલાવાડી વીસા શ્રીમાળી સ્થાનકવાસી જૈન જિતેન્દ્રભાઈએ જીવનમાં ખૂબ સ્ટ્રગલ કરી છે અને પ્રજ્ઞાબહેન જીવદયાપ્રેમી છે. તેમના બન્ને માટે વહુઓએ લાગણીસભર વાતો શૅર કરી. એ દિવસે ઘરની માવા (મીઠાઈ) કેક સાથે જિતેન્દ્રભાઈનાં બહેન કળાબહેનનો બર્થ-ડે પણ ઊજવવામાં આવ્યો. હાઉઝી, શૅરમાર્કેટ ટ્રેડિંગ ગેમ, વેલકમ ડ્રિન્ક, સ્ટાર્ટર અને ભોજન સાથે લગભગ સાડાત્રણ વાગ્યા સુધી આ કાર્યક્રમ ઊજવાયો.

malad gujarati community news mumbai mumbai news