બોરીવલીના બનાવટી કૉલ સેન્ટરનો પર્દાફાશ

23 February, 2025 01:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રાઇમ બ્રાન્ચના દહિસર યુનિટના ઑફિસરોએ બોરીવલી-વેસ્ટના વઝીરા નાકામાં બની રહેલા અર્પણ અપાર્ટમેન્ટમાં ગેરકાયદે કૉલ સેન્ટર ચાલી રહ્યું હોવાની જાણ થતાં ત્યાં શુક્રવારે રેઇડ પાડી હતી.

એક મકાનમાં ચાલી રહેલા બનાવટી કૉલ સેન્ટરનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરીને આરોપીઓની ધરપકડ કરી છે

બોરીવલીના વઝીરા નાકા વિસ્તારમાં બંધાઈ રહેલા એક મકાનમાં ચાલી રહેલા બનાવટી કૉલ સેન્ટરનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરીને આરોપીઓની ધરપકડ કરી છે. આ કૉલ સેન્ટર દ્વારા અમેરિકન નાગરિકોને છેતરવામાં આવતા હતા.

ક્રાઇમ બ્રાન્ચના દહિસર યુનિટના ઑફિસરોએ બોરીવલી-વેસ્ટના વઝીરા નાકામાં બની રહેલા અર્પણ અપાર્ટમેન્ટમાં ગેરકાયદે કૉલ સેન્ટર ચાલી રહ્યું હોવાની જાણ થતાં ત્યાં શુક્રવારે રેઇડ પાડી હતી. એ કાર્યવાહી દરમ્યાન જાણવા મળ્યું હતું કે કૉલ સેન્ટર ચલાવનારા આરોપીઓ અમેરિકન નાગરિકોનો સંપર્ક કરીને તેઓ માઇક્રોસૉફ્ટ કંપનીમાંથી બોલી રહ્યા છે અને તેમના લૅપટૉપમાં પ્રૉબ્લેમ છે એમ કહીને એ સૉલ્વ કરી આપવાના બહાને તેમની પાસેથી ગિફ્ટ કાર્ડ દ્વારા રકમ પડાવતા હતા.

ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરોએ કૉલ સેન્ટર ચલાવનાર, બે ટીમ લીડર અને એક કર્મચારી એમ ચાર જણની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ૬ લૅપટૉપ, ૨૦ મોબાઇલ ફોન, બે રાઉટર, ૬ સ્પીકર હેડફોન એમ કુલ મળીને ૨.૪૧ લાખ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ સામે ભારતીય ન્યાયસંહિતાની અન્ય કલમો સહિત ઇન્ફર્મેશન ઍન્ડ ટેક્નૉલૉજી ઍક્ટ અને ટેલિગ્રામ ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

borivali crime news mumbai crime news mumbai crime branch crime branch mumbai police news mumbai mumbai news