ફડણવીસે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું, કહ્યું સરકાર દરેક બાબતો માટે કેન્દ્રને જવાબદાર ઠેરવે છે

24 September, 2021 04:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજ્ય સરકાર વધુને વધુ દરેક બાબતો માટે કેન્દ્રને જવાબદાર ઠેરવવા અથવા અન્ય રાજ્યો સાથે સરખામણી કરી જવાબ આપી રહી છે.

દેવેન્દ્ર ફડણવીસ

ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાના વધતા જતા કેસ છુપાવવા માટે ઉદ્ધવ ઠાકરે સરકારે અન્ય રાજ્યો તરફ આંગળી ચીંધીને પોતાની અસંવેદનશીલતા દર્શાવી છે.

રાજ્ય સરકાર વધુને વધુ દરેક બાબતો માટે કેન્દ્રને જવાબદાર ઠેરવવા અથવા અન્ય રાજ્યો સાથે સરખામણી કરી જવાબ આપી રહી છે. બળાત્કારના બે કેસમાં (જે તાજેતરમાં રાજ્યમાં બન્યા હતા) તેમણે તે જ કર્યું છે.” ફડણવીસે મીડિયાકર્મીઓને કહ્યું હતું.

“મુખ્યપ્રધાન અને ગૃહ પ્રધાને મહિલાઓ સામેના ગુનાને રોકવા માટે નક્કર પગલાં લેવા જોઈએ. વધતી ઘટનાઓ ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે.” તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાજ્ય સરકારને પત્ર લખ્યાના થોડા દિવસો બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ અઠવાડિયાની શરૂઆતમાં કોશિયારીને સૂચવ્યું હતું કે તેમણે મહિલાઓ સામેના ગુનાના રાષ્ટ્રીય મુદ્દા પર ચર્ચા કરવા માટે ચાર દિવસના સંસદ સત્ર માટે કેન્દ્ર સરકારને પત્ર લખવો જોઈએ. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ સાકીનાકામાં બળાત્કારની ઘટનાની પૃષ્ઠભૂમિ પર  મહિલાઓની સલામતી પર ચર્ચા કરવા માટે બે દિવસનું વિધાનસભા સત્ર બોલાવવા બાબતે વિચાર કરવા કહ્યું હતું.

ઠાકરેએ કહ્યું હતું કે કોશિયારીએ વડા પ્રધાન અને ગૃહપ્રધાનને સંસદનું સત્ર બોલાવવાની વિનંતી કરવી જોઈએ અને દિલ્હીની “રેપ કેપિટલ” તરીકેની છબી તેમ જ ઉત્તરપ્રદેશમાં હાથરસ, ઉન્નાવ અને બડાયુમાં ગેંગરેપ, ઉત્તરાખંડ અને ગુજરાતમાં સમાન ઘટનાઓ ઉપરાંત તમામ ભાજપ શાસિત રાજ્યો વિશે વાત કરવી જોઈએ.

આ બાબતે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા ફડણવીસે કહ્યું કે “હવે, તમે શું સંદેશ આપો છો? ગુનાને છુપાવવા માટે આવી કાઉન્ટર યુક્તિ ઉપયોગી નથી અને તે ગુનેગારોને પ્રોત્સાહન આપે છે. મહારાષ્ટ્ર મહિલા સામેના એક પણ ગુનાનો સહન કરશે નહીં.”

“મહિલાઓ સામેના ગુના પર રાજનીતિને કોઈપણ પ્રગતિશીલ અને સંસ્કારી રાજ્યમાં ન્યાયી ઠેરવી શકાય નહીં. સરકારે પોતાની જવાબદારીથી ભગવાને બદલે ગંભીર પગલાં લેવા જોઈએ.” ફડણવીસે ઉમેર્યું હતું.

mumbai news devendra fadnavis uddhav thackeray shiv sena bharatiya janata party maharashtra