રાજ્યપાલને મળીને ફડણવીસે ખેડૂતો માટે ભંડોળ છૂટું કરવાની માગણી કરી

16 November, 2019 12:00 PM IST  |  Mumbai

રાજ્યપાલને મળીને ફડણવીસે ખેડૂતો માટે ભંડોળ છૂટું કરવાની માગણી કરી

દેવેન્દ્ર ફડનવીસ

(પી.ટી.આઇ.) મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની મુલાકાત લીધી હતી તથા તેમને કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે ભંડોળ છૂટું કરવાનો અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત હાલ રાજ્ય રાષ્ટ્રપતિશાસન હેઠળ છે ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે સમયસરની સહાય સુનિશ્ચિત કરવા માટે રાજ્યપાલની ઑફિસ થકી સીએમ રાહતભંડોળને પુનઃ શરૂ કરવાની અને તેની સુચારુ કાર્યરતતાની પણ તેમણે માગણી કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે રાજ્યપાલે તેમની બન્ને માગણી સ્વીકારી હતી. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને જ્યારે સવારે રાજ ભવન ખાતે કોશ્યારીની મુલાકાત લીધી ત્યારે તેમણે ઉપરોક્ત માગણી રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ સાથેની ફડણવીસની મુલાકાત તે સમયે ગોઠવાઈ છે, જ્યારે તેમનો છૂટો પડેલો સાથી પક્ષ શિવસેના કૉન્ગ્રેસ અને એનસીપીની મદદથી સરકાર રચવા માટે પ્રયત્ન કરી રહ્યો છે, જે પક્ષો હજી હમણાં સુધી તેના રાજકીય હરીફો હતા.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

મુલાકાત લીધા બાદ ફડણવીસે ટ્વીટ કર્યું હતું કે ‘મુંબઈ સ્થિત રાજ ભવન ખાતે માનનીય રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીજીની મુલાકાત લીધી અને કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતો માટે ભંડોળ છૂટું કરવાની વિનંતી કરી. માનનીય રાજ્યપાલે આ મામલે તાકીદે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.’ ઉલ્લેખનીય છે કે રાજ્યના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદ થવાને પગલે ૩૨૫ તાલુકાઓની ૫૪.૨૨ લાખ હેક્ટર જમીનમાં વવાયેલા પાકને નુકસાન પહોંચ્યું હતું. નુકસાન પામેલા પાકમાં ડાંગર, જુવાર, કપાસ અને સોયાબિનનો સમાવેશ થાય છે.

mumbai news devendra fadnavis