અપના સ્ટ્રાઇક-રેટ ૧૦૦ પર્સન્ટ, અબ તાંડવ હોગા

18 August, 2022 09:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજેપીના નેતા મોહિત કમ્બોજે અનિલ દેશમુખ અને નવાબ મલિક બાદ એનસીપીના એક મોટા નેતા જેલમાં જશે એવી ટ્વીટ કરતાં ખળભળાટ : સિંચાઈ કૌભાંડની તપાસ કરવાની માગણી કરતાં ઇશારો અજિત પવાર તરફ?

મોહિત કમ્બોજ

સત્તાંતરણ બાદ એનસીપીના નેતા અજિત પવારને વિરોધ પક્ષના નેતાની જવાબદારી સોંપવામાં આવી છે. કૉન્ગ્રેસ અને શિવસેનાનાની સ્થિતિ સારી નથી ત્યારે આજથી શરૂ થયેલા ચોમાસુ સત્રમાં વિરોધ પક્ષોનો મદાર એનસીપીના આ નેતા પર છે ત્યારે જ બીજેપીના નેતા મોહિત કમ્બોજે હવે સિંચાઈ કૌંભાંડની તપાસમાં તેમનો વારો હોવાનો ઇશારો કરવાથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. બીજેપીના નેતાએ મંગળવાર રાતથી ગઈ કાલ સુધીમાં કરેલી પાંચ ટ્વીટમાં હવે તાંડવ થશે એવું લખ્યું હતું. ટૂંક સમયમાં આ નેતાનાં દેશ-વિદેશમાં રોકાણો, ગર્લફ્રેન્ડના નામે મિલકત, બેનામી કંપની, પરિવારની આવક અને સંપત્તિ અને પ્રધાન તરીકેના કાર્યકાળમાં તેમણે કરેલા ભ્રષ્ટાચારની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવાની મોહિત કમ્બોજે ચીમકી આપી છે.

મોહિત કમ્બોજે મંગળવારે મોડેથી એક ટ્વીટ કરી હતી, જેમાં તેઓ ટૂંક સમયમાં જ પત્રકાર-પરિષદ બોલાવીને એનસીપીના એક મોટા નેતાને ઉઘાડા પાડશે એવું લખ્યું હતું. આ ટ્વીટમાં તેમણે પાંચ મુદ્દા લખ્યા હતા. એમાં આ નેતાની બેનામી કંપની, દેશ-વિદેશમાં રોકાણ, ગર્લફ્રેન્ડને નામે કરવામાં આવેલું રોકાણ અને પ્રધાન તરીકે કરેલા ભ્રષ્ટાચાર વગેરે લખ્યું હતું. ગઈ કાલે સવારે અન્ય એક ટ્વીટમાં લખ્યું હતું કે ‘હર હર મહાદેવ, અબ તાંડવ હોગા.’ ત્યાર બાદ તરત જ કરેલી વધુ એક ટ્વીટમાં અનિલ દેશમુખ, નવાબ મલિક, સંજય પાંડે અને સંજય રાઉતનાં નામ લખીને પાંચમું નામ લખવાને બદલે આ પાંચમી વ્યક્તિનો ટૂંક સમયમાં જ નંબર લાગશે એમ લખ્યું હતું. મોહિત કમ્બોજની આ ટ્વીટની સિરીઝથી હવે રાજ્યમાં કોના પર કાર્યવાહી થવાની છે એના પર બધાની નજર છે.

મંગળવારે બીજેપીના નેતાએ કરેલી ટ્વીટમાં સિંચાઈ ગોટાળાની તપાસ કરવાની માગણી કરી હતી. આથી તેમનો ઇશારો એનસીપીના નેતા અજિત પવાર તરફ હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે મોહિત કમ્બોજે અત્યાર સુધી કરેલી ભવિષ્યવાણી મુજબ મોટા ભાગના નેતા જેલમાં ગયા છે. આથી હવે કાર્યવાહીના ડરથી ચોમાસુ સત્રમાં અજિત પવાર અને એનસીપી બૅકફુટ પર જઈ શકે છે એવી ચર્ચાની શરૂઆત થઈ છે.

બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ મોહિત કમ્બોજે કરેલી ટ્વીટ વિશે કહ્યું હતું કે ‘મોહિત કમ્બોજ પુરાવા વગર બોલતા નથી. તેમની પાસે પુરાવા હશે જ એટલે જ તેઓ બોલી રહ્યા છે. ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હશે તો કાર્યવાહી થશે જ.’

એનસીપીનાં સંસદસભ્ય અને શરદ પવારનાં પુત્રીને મોહિત કમ્બોજની ટ્વીટ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘સિંચાઈ કૌભાંડની તપાસ પૂરી થઈ ગઈ છે. હવે આ વિષય ફરીથી કેમ કાઢવામાં આવે છે એ વિશે મારે કંઈ કહેવું નથી. જેમણે ટ્વીટ કરી છે તેમને જ પૂછવું પડશે.’

mumbai mumbai news indian politics bharatiya janata party anil deshmukh nawab malik