બીએમસી-પોલીસ વચ્ચેની લડાઈમાં મરો મુંબઈગરાનો

14 October, 2021 08:16 AM IST  |  Mumbai | Mehul Jethva

ટ્રાફિક વિભાગ નો-પાર્કિંગનું બોર્ડ ન હોય તો પણ વાહનો સામે કાર્યવાહી કરીને કહે છે કે બોર્ડ લગાવવાની જવાબદારી સુધરાઈની છે અમારી નહીં

બીએમસી-પોલીસ વચ્ચેની લડાઈમાં મરો મુંબઈગરાનો

મુંબઈમાં ટ્રાફિક વિભાગ દ્વારા નો-પાર્કિંગ અને રૉન્ગ-વે ડ્રાઇવિંગની રોજની આશરે ૧૧૫ કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાત જૉઇન્ટ સીપી સ્ક્વૉડ દ્વારા મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં નો-પાર્કિંગમાં ઊભેલાં વાહનો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જોકે કેટલાક કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે જે વિસ્તારમાં ટ્રાફિક અધિકારીઓ કાર્યવાહી કરે છે એ વિસ્તારમાં જ નો-પાર્કિંગનું બોર્ડ હોતું નથી. એવા કેસમાં સામાન્ય જનતા ટ્રાફિક અધિકારીઓને બોર્ડ ક્યાં છે એવો સવાલ પૂછે તેમનું કહેવું હોય છે કે બોર્ડ લગાવવાનું કામ સુધરાઈનું છે. 
મુંબઈના ટ્રાફિક વિભાગે છેલ્લા આઠ મહિનામાં નો-પાર્કિંગમાં ઊભેલાં ૩૨,૦૦૦ કરતાં વધુ વાહનોને ફાઇન કર્યો છે. એ સાથે જ રોજના આશરે ૧૧૫ લોકોને નો-પાર્કિંગનો ફાઇન ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનાથી જૉઇન્ટ સીપી સ્ક્વૉડ તૈયાર કરવામાં આવી છે. આ સ્ક્વૉડ મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં જઈને નો-પાર્કિંગમાં ઊભેલાં વાહનોને ક્લૅમ્પ મારીને ફાઇન કરતી હોય છે. આવા કેસમાં કેટલીક વાર એવું જોવા મળ્યું છે કે ટ્રાફિક અધિકારીઓ નો-પાર્કિંગનું બોર્ડ ન હોવા છતાં ફાઇન કરીને કાર્યવાહી કરતા હોય છે. લોકો આ કાર્યવાહી વિશે ટ્રાફિક અધિકારીઓને સવાલ પૂછે ત્યારે તેઓ કહેતા હોય છે કે બોર્ડ લગાવવાનું કામ અમારું નથી, સુધરાઈનું છે. જોકે સુધરાઈ અને ટ્રાફિક વિભાગ વચ્ચે સમન્વય ન હોવાથી લોકોએ ફાઇન ભરવો પડે છે.
આવી કાર્યવાહીનો ભોગ બનેલા નિર્મલ ઠક્કરએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રાફિક વિભાગનું કામ ટ્રાફિક પર નિયંત્રણ મેળવવાનું છે. જોકે એવું લાગે છે કે હમણાં રેવન્યુ ભેગી કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મારા વાહન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી ત્યારે મેં કેટલીયે વાર સાઇન બોર્ડ માટે ટ્રાફિક અધિકારીને સવાલ પૂછ્યા હતા, પણ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. અંતે મારે ફાઇન ભરવો પડ્યો હતો. ટ્રાફિક વિભાગ અને સુધરાઈ વચ્ચે બોર્ડ વિશે સમન્વય હોવું જોઈએ. બોર્ડ લગાવ્યા પછી પણ જો કોઈ ત્યાં વાહન ઊભું કરે તો તેને ફાઇન કરવો યોગ્ય ગણાશે.’
મુંબઈના ઈસ્ટ રીજનના ડીસીપી વિનાયક ઢાકળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કયા વિસ્તારમાં નો-પાર્કિંગ અથવા રૉન્ગ-વે છે એ સુધરાઈ નક્કી કરતી હોય છે. એવી જ રીતે એ વિસ્તારમાં સાઇન બોર્ડ લગાવવાનું કામ પણ સુધરાઈનું છે. અમારા વિભાગ દ્વારા જે વિસ્તારમાં સાઇન બોર્ડ નથી હોતું એવા કેસમાં સુધરાઈને બોર્ડ લગાડવા માટે કહેવામાં આવતું હોય છે.’
ટ્રાફિકના અન્ય એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા તરફથી અનેક વાર કહેવા છતાં સુધરાઈ બોર્ડ લગાવવાનું જરૂરી નથી સમજતી. અમે તો અમારી કાર્યવાહી કરીએ છીએ, જેમાં જનતા અમને ગુનેગાર સમજે છે.’
આ વિશે મુંબઈ મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર પી. વેલાસુરુનો ‘મિડ-ડે’એ સંપર્ક કરતાં તેમણે પૂરી વાત જાણી લીધી બાદ હું હમણાં મીટિંગમાં છું એમ કહીને ફોન કાપી નાખ્યો હતો.

Mumbai mumbai news mumbai traffic brihanmumbai municipal corporation mehul jethva