૨,૦૯,૬૭,૧૫૫ મતદારો નક્કી કરશે ૨૫૮ ઉમેદવારોનું ભવિષ્ય

24 April, 2024 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૌથી હૉટ બેઠક બારામતીમાં સૌથી વધુ ૩૮ તો રત્નાગિરિ-સિંધુદુર્ગમાં માત્ર ૯ ઉમેદવારો મેદાનમાં

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લોકસભાની ત્રીજા તબક્કાની ૭ મેએ યોજાનારી ચૂંટણીમાં મહારાષ્ટ્રની ૧૧ બેઠકો પર ચૂંટણી યોજાશે. આ બેઠકો માટે ૨૫૮ ઉમેદવારો મેદાનમાં હોવાનું રાજ્યના ચૂંટણીપંચે આપેલી માહિતીમાં જણાઈ આવ્યું છે. આ ૧૧ બેઠકમાં સૌથી હૉટ બેઠક બારામતીમાં પવાર સામે પવાર જ નહીં, નણંદ-ભાભીનો જંગ થવાનો છે એમાં શરદ પવારનાં પુત્રી અને ત્રણ વખતનાં સંસદસભ્ય સુપ્રિયા સુળે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર મળીને સૌથી વધુ ૩૮ ઉમેદવારો મેદાનમાં છે. શિવસેનાનો ગઢ ગણાતા કોંકણની રત્નાગિરિ-સિંધુદુર્ગ બેઠક પર ૯ અને રાયગડમાં ૧૩ જ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. મહારાષ્ટ્ર રાજ્યના ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમે માહિતી આપી હતી કે ૧૧ બેઠક પર ૧,૦૭,૫૧,૦૯૮ પુરુષો, ૧,૦૨,૧૪,૩૩૨ મહિલાઓ અને ૯૧૬ તૃતીયપંથી મળીને કુલ ૨,૦૯,૬૭,૧૫૫ મતદારો છે.

ક્યાં કેટલા ઉમેદવારો?
રાયગડ ૧૩, બારામતી ૩૮, ધારાશિવ ૩૧, લાતુર ૨૮, સોલાપુર ૨૧, માઢા, ૩૨, સાંગલી ૨૦, સાતારા ૧૬, રત્નાગિરિ-સિંધુદુર્ગ ૯, કોલ્હાપુર ૨૩, હાતકળંગલેના ૨૭ મળીને કુલ ૨૫૮ ઉમેદવારો

૨૩,૦૩૬
૧૧ બેઠકમાં ચૂંટણી યોજવા માટે આટલાં મતદાન-કેન્દ્ર ઊભાં કરવામાં આવશે

૩,૩૧,૭૫૦
૧૮થી ૧૯ વર્ષના આટલા યુવા મતદારો

૬,૭૬,૧૫૯
૮૦ વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધ મતદારો

૪૪,૩૪૭
બૅલટ પેપરથી મતદાન કરવા માટે આટલા લોકોએ નામ નોંધાવ્યાં છે

૪૨૧.૪૧ કરોડ
૧ માર્ચે ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધીમાં આટલી રકમનો ગેરકાયદે દારૂ, કૅશ, ડ્રગ્સ અને કીમતી ધાતુઓ જપ્ત કરવામાં આવ્યાં છે

mumbai news mumbai Lok Sabha Election 2024 maharashtra news bharatiya janata party congress shiv sena nationalist congress party