02 March, 2025 07:01 AM IST | Paris | Gujarati Mid-day Online Correspondent
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)
મર્સિડીઝના બદલામાં શિવસેનામાં પદ મળતું હોવાના ઉદ્ધવ ઠાકરે સામેના આરોપોને લઈને મહારાષ્ટ્રમાં વિવાદ વધી રહ્યો છે. શિવસેનાના નેતા અને વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોર્હેના નિવેદન બાદ હવે એકનાથ શિંદેએ પણ ઉદ્ધવ ઠાકરે પર તીખો કટાક્ષ કર્યો છે. પુણેની મુલાકાતે આવેલા નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અપક્ષ ધારાસભ્ય શરદ સોનાવણેના પાર્ટીમાં જોડાવાના પ્રસંગે કહ્યું કે “મેં અઢી વર્ષ પહેલા મર્સિડીઝને પાછળ છોડી દીધી હતી.” શિંદેના આ કટાક્ષને નીલમ ગોર્હે દ્વારા લગાવવામાં આવેલા આરોપો સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.
પોતાને ઓટો ડ્રાઈવર ગણાવ્યો
ડીવાય સીએમ શિંદે પુણે જિલ્લાના જુન્નાર તાલુકામાં એક રેલીમાં બોલી રહ્યા હતા, જ્યાં તેમની હાજરીમાં અપક્ષ ધારાસભ્ય શરદ સોનાવણે શિવસેના શિંદે જૂથમાં જોડાયા હતા. સોનાવણેએ ઓટોરિક્ષાને ચૂંટણી પ્રતીક તરીકે રાખીને ચૂંટણી લડી હતી. આ બાબતનો ઉલ્લેખ કરતા શિંદેએ કહ્યું “કે સોનાવણે રિક્ષાના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડ્યા હતા. હું પણ એક સમયે રિક્ષા ચલાવતો હતો અને અઢી વર્ષ પહેલાં મેં મર્સિડીઝને પાછળ છોડી દીધી હતી.” દિલ્હીમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન દરમિયાન ઠાકરે અને મર્સિડીઝ કારનો વિવાદ શરૂ થયો હતો, જ્યાં ગોર્હેએ આરોપ લગાવ્યો હતો કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ધારાસભ્યોને મળતા નહોતા. આ પછી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો. શરદ પવારે નીલમ ગોર્હેના નિવેદનની નિંદા કરી હતી, જ્યારે બીજી તરફ શિવસેના યુબીટીના નેતાઓએ ગોર્હે પાસેથી તેમની વાતોના પુરાવા માગ્યા હતા.
મહાકુંભ યાત્રા પર થયેલી ટીકાનો પણ શિંદેએ જવાબ આપ્યો
શિંદેએ મહાકુંભની મુલાકાત અંગે ઉદ્ધવ ઠાકરેની તાજેતરની ટિપ્પણીઓ પર પણ પ્રતિક્રિયા આપી. જ્યાં ઠાકરેએ દાવો કર્યો હતો કે ગંગામાં પવિત્ર ડૂબકી લગાવવાથી મહારાષ્ટ્ર સાથે દગો કરવાના તેમના પાપ ધોવાશે નહીં. પોતાની યાત્રાનો બચાવ કરતા શિંદેએ કહ્યું કે કેટલાક લોકો મારી ટીકા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આમ કરીને તેમણે મહાકુંભનું અપમાન કર્યું છે. હિન્દુત્વ અને બાળાસાહેબ ઠાકરેના આદર્શોનો ત્યાગ કરનારાઓના પાપો ધોવા માટે મેં ગંગામાં ડૂબકી લગાવી હતી. તેઓ (શિવસેના યુબીટી) પાયાવિહોણા આરોપો લગાવતા રહેશે અને અમે સામાન્ય લોકો માટે કામ કરતા રહીશું. એટલા માટે અમને ચૂંટણીમાં તેમના કરતા ૧૫ લાખ વધુ મત મળ્યા. આજે પણ લોકો વાસ્તવિક શિવસેનામાં જોડાવા માટે કતારમાં ઉભા છે કારણ કે તેમને મારામાં વિશ્વાસ છે, એમ શિંદેએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદેએ સોમવારે પ્રયાગરાજ જઈને મહાકુંભમાં સ્નાન કર્યું હતું. ઉદ્ધવસેનાના મુખપત્ર ‘સામના’માં ટીકા કરવામાં આવી હતી એનો જવાબ એકનાથ શિંદેએ કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાકીને ગઈ કાલે આપ્યો હતો. એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે પોતાને હિન્દુ ગણાવે છે. જો તેઓ હિન્દુ હોય તો કુંભમેળામાં સ્નાન કરવા કેમ ન ગયા? આ લોકોના બોલવામાં અને વર્તન કરવામાં ફરક છે. કુંભમેળામાં ૬૭ કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું. ત્રિવેણી સંગમમાં ડૂબકી મારીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી. તો રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરેએ કુંભમેળામાં જવાનું કેમ પસંદ ન કર્યું?’