એકનાથ શિંદેની દશેરાસભા ફાઇનલ, ઉદ્ધવ ઠાકરેની અટવાઈ

19 September, 2022 09:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ બીએમસીએ બાંદરાના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં શિંદે જૂથને પરવાનગી આપી, પણ શિવતીર્થમાં આ વખતે કોઈને પણ મંજૂરી ન મળવાની શક્યતા

એકનાથ શિંદે

શિવસેનાની પરંપરાગત દશેરાસભા આ વખતે એકનાથ શિંદે જૂથ યોજશે કે ઉદ્ધવ ઠાકરે જૂથને મોકો મળશે એ માટેની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે ત્યારે મુંબઈ બીએમસીએ બીકેસીમાં આવેલા એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં દશેરાસભા યોજવા માટે એકનાથ શિંદે જૂથે કરેલી અરજીને મંજૂરી આપી દીધી છે અને અહીં દશેરાસભા માટેની ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી ફગાવી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. આ સિવાય મુંબઈ બીએમસી શિવતીર્થ એટલે કે શિવાજી પાર્કમાં કોઈને પણ સભાની પરવાનગી ન આપે એવી શક્યતા હોવાથી ઉદ્ધવ ઠાકરેની દશેરાસભા મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બાંદરા (પૂર્વ)ના બીકેસી ખાતેના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં શિવસેનાની પરંપરાગત દશેરાસભા યોજવા માટેની અરજી મુંબઈ બીએમસીએ સ્વીકારી લીધી હોવાથી અહીં પાંચમી ઑક્ટોબરે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દશેરાસભા યોજાશે. શિવાજી પાર્કમાં એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથે સભા યોજવા માટેની અરજીઓ કરી હોવાથી વિવાદ ઊભો થયો હોવાથી એકનાથ શિંદે જૂથે એમએમઆરડીએ ગ્રાઉન્ડની પસંદગી કરી હતી, જેને મંજૂરી આપવામાં આવી છે.

બીજી તરફ ઉદ્ધવ ઠાકરે જૂથે બે વખત મુંબઈ બીએમસીને રજૂઆત કરી હોવા છતાં અરજી બાબતે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો ન હોવાથી ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ગઈ કાલે જાણવા મળ્યું હતું કે આ વખતે બીએમસી શિવાજી પાર્કમાં કોઈને પણ સભાની પરવાનગી નહીં આપે. આથી ઉદ્ધવ ઠાકરેએ સભાની તૈયારીઓ આરંભી દીધી હોવા છતાં તેઓ આ વખતે દશેરાસભા નહીં યોજી શકે. જો આવું થશે તો ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

દશેરા પહેલાં પ્રધાનમંડળનું બીજું વિસ્તરણ

એકનાથ શિંદે સરકારમાં અત્યારે માત્ર ૨૦ પ્રધાનોનો જ સમાવેશ હોવાથી પ્રધાનમંડળના બીજા વિસ્તરણ માટે જાતજાતની ચર્ચા ચાલી રહી છે ત્યારે જાણવા મળ્યું હતું કે દશેરા પહેલાં એટલે કે પાંચમી ઑક્ટોબર સુધીમાં બીજું વિસ્તરણ થઈ જશે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રધાનમંડળના બીજા વિસ્તરણ માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મહત્ત્વની બેઠક શુક્રવારે થઈ હતી. એમાં આ બાબતે લાંબી ચર્ચા થઈ હતી અને બંને જૂથના વિધાનસભ્યોમાં ચાલી રહેલી નારાજગી દૂર કરવામાં આવશે.

...તો વેદાંતાની તપાસ કરાશે

૧.૫૪ લાખ કરોડનો વેદાતાં-ફૉક્સકૉન કંપનીનો પ્લાન્ટ ગુજરાતમાં જવા બાબતે સત્તાધારી અને વિરોધી પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે ત્યારે ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે શનિવારે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી સરકારમાં ઉદ્યોગ ખાતામાં કેવી ગરબડ ચાલતી હતી એ હું શોધી કાઢીશ. બીજેપીના મુંબઈ અધ્યક્ષ ઍડ્વોકેટ આશિષ શેલારે આ મામલે આગળ વધીને કહ્યું છે કે ‘જરૂર પડશે તો વેદાંતા કંપનીએ ગુજરાત જવાનો નિર્ણય કેમ લીધો હતો એની તપાસ એક નિવૃત્ત જસ્ટિસ દ્વારા કરવામાં આવશે. આઠ મહિના આ પ્રોજેક્ટ બાબતે મહાવિકાસ આઘાડી સરકારે કેમ કોઈ બેઠક નહોતી લીધી એની પણ તપાસ કરવામાં આવશે.’

સત્તાંતરણ બાદ પહેલી ચૂંટણી

રાજ્યમાં સત્તાંતરણ થયા બાદ ગઈ કાલે ૧૭ જિલ્લામાં ૫૧ તાલુકાની ૬૦૮ ગ્રામપંચાયત અને સરપંચ માટે મતદાન થયું હતું. એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યા બાદ રાજકીય પરિસ્થિતિ બદલાઈ જવાથી મહાવિકાસ આઘાડી સરકારના મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરેએ રાજીનામું આપવું પડ્યું હતું. ૩૦ જૂને એકનાથ શિંદેની સરકાર બન્યા બાદ રાજ્યની આ પહેલી વ્યાપક ચૂંટણી હોવાથી જનતા કોને સાથ આપશે એના પર બધાની નજર રહેશે. ૬૦૮ ગ્રામપંચાયત માટે થયેલા મતદાનની આજે મતગણતરી હાથ ધરવામાં આવશે.

રાજ ઠાકરે સાથે યુતિની શક્યતા ઘટી

એકનાથ શિંદેની સરકાર રાજ્યમાં બન્યા બાદ મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે મુંબઈ સહિતની બીએમસીની ચૂંટણીમાં બીજેપી સાથે યુતિ કરે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું. બીજેપીના દેવેન્દ્ર ફડણવીસથી લઈને આશિષ શેલાર સુધીના નેતાઓએ રાજ ઠાકરેની ઉપરાઉપરી મુલાકાત લીધી હતી. જોકે ગઈ કાલે રાજ ઠાકરેએ મનસેના કાર્યકરોને કામે લાગીને નાગપુરમાં પક્ષને વધારવાના પ્રયાસ હાથ ધરવાનું કહ્યું હતું. આથી મનસે બીજેપી કે કોઈ પક્ષ સાથે યુતિ કરે એવી શક્યતા ઘટી ગઈ છે. રાજ ઠાકરે ત્રણ વર્ષ બાદ ગઈ કાલે નાગપુર પહોંચ્યા હતા અને તેમણે કાર્યકરોને કામે લાગવાનો આદેશ આપ્યો હતો. વિદર્ભમાં પક્ષને આગળ વધારવા માટે અને પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માટે આગામી મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં પક્ષને સફળ બનાવવા તેમણે પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

બળવા બાદ પહેલી વખત એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે લંબાવ્યો મિત્રતાનો હાથ

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ત્રણ મહિના પહેલાં શિવસેનામાં બળવો કર્યા બાદથી શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથેના તેમના સંબંધ વણસી ગયા છે. શિવસેનામાં એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે નામે બે વિભાગ પડી ગયા છે. બળવો કરનારાઓ પર ઉદ્ધવ ઠાકરે જૂથ ગદ્દાર અને પચાસ કરોડ લઈને સત્તા મેળવી હોવાનો આરોપ કરી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે ગઈ કાલે પહેલી વખત એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે મિત્રતાનો હાથ લંબાવ્યો હતો. વિશ્વ મિત્રતા દિવસ નિમિત્તે મુંબઈમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આડકતરી રીતે ઉદ્ધવ ઠાકરે સામે મિત્રતાનો હાથ લંબાવીને કહ્યું હતું કે ‘મિત્ર પાસે ક્ષમા માગવામાં આવે તો બધા ઝઘડા મટી જાય છે, પણ ક્ષમા કરવા માટે મોટું કાળજું જોઈએ.’ મુખ્ય પ્રધાનના આવા વિધાનને ઉદ્ધવ ઠાકરે પ્રતિસાદ આપશે કે કેમ એના પર સૌની નજર રહેશે.

mumbai mumbai news shiv sena brihanmumbai municipal corporation eknath shinde uddhav thackeray