27 December, 2024 08:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે
૨૦૨૨ના જૂન મહિનામાં શિવસેનાના ભાગલા પડ્યાનાં અઢી વર્ષ બાદ ૨૩ જાન્યુઆરીએ એક વખતના સાથી અને હવે કટ્ટર દુશ્મન બની ગયેલા ઉદ્ધવ ઠાકરે અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એક મંચ પર આવે એવી ભારોભાર શક્યતા છે.
દાદરના મેયર બંગલોમાં બની રહેલા ઠાકરે મેમોરિયલના પહેલા તબક્કાનું કામ પૂરું થઈ ગયું છે અને ૨૩ જાન્યુઆરીએ બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતીના દિવસે એનો લોકાર્પણ સમારોહ છે.
આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ હોવાના નાતે એકનાથ શિંદે તો હાજર રહેશે જ, પણ બાળાસાહેબ ઠાકરેના પુત્ર તરીકે ઉદ્ધવ ઠાકરે આ કાર્યક્રમમાં હાજર રહે છે કે નહીં એને લઈને અત્યારથી અટકળો શરૂ થઈ ગઈ છે. રાજકારણના જાણકારોનું કહેવું છે કે ઉદ્ધવ ઠાકરે આ કાર્યક્રમમાં હાજર રહેશે, પણ એકનાથ શિંદેથી અંતર રાખશે.
બાળાસાહેબ ઠાકરેનું મેમોરિયલ બનાવવા માટે ઘણી જગ્યાઓ જોવામાં આવી હતી, પણ ક્યાંય મેળ ન ખાતાં છેલ્લે મેયર બંગલોની પસંદગી કરવામાં આવી હતી. ૨૦૧૭માં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ આ બંગલાનો કબજો લીધા બાદ ૨૦૨૧માં તાતા પ્રોજેક્ટ્સને એનું કામ સોંપવામાં આવ્યું હતું. મેમોરિયલનું કામ બે તબક્કામાં કરવામાં આવી રહ્યું છે જેમાંથી પહેલો તબક્કો તૈયાર થઈ ગયો છે.
પહેલા તબક્કામાં શું તૈયાર કરવામાં આવ્યું?
પહેલા તબક્કામાં આ હેરિટેજ બંગલાનો જીર્ણોદ્ધાર કરીને એમાં ઇન્ટરપ્રિટેશન સેન્ટર ઉમેરવામાં આવ્યું છે. આ સિવાય એન્ટ્રન્સ બિલ્ડિંગ, ઍડ્મિનિસ્ટ્રેશન બ્લૉક અને લૅન્ડસ્કેપિંગનું કામ કરવામાં આવ્યું છે. ઇન્ટરપ્રિટેન્શન સેન્ટરમાં ડિજિટલ અને ફિઝિકલ લાઇબ્રેરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બીજા તબક્કામાં શું કરવામાં આવશે?
બીજા તબક્કામાં લેઝર શો, સાઇનેજ, બ્રૅન્ડિંગ, ડિજિટલ મૅપિંગ, ઑડિયો નૅરેશનનું કામ કરવામાં આવશે. હેરિટેજ સ્ટ્રક્ચરનો જીર્ણોદ્ધાર કન્ઝર્વેશનિસ્ટ આભા નારાયણ લાંબાએ કર્યો છે. બીજા તબક્કાના કામ માટે પણ તેમની કંપનીને કન્સલ્ટન્ટ બનાવવામાં આવી છે. જોકે કૉન્ટ્રૅક્ટર ફાઇનલ કરવાનું કામ પ્રોસેસમાં છે.
૮૯
શરૂઆતમાં આ પ્રોજેક્ટની કૉસ્ટ આટલા કરોડ રૂપિયા ધારવામાં આવી હતી
૪૦૦
જોકે મેમોરિયલના જીર્ણોદ્ધારની કિંમત વધીને આટલા કરોડ રૂપિયા થઈ ગઈ છે
૧૮૦.૯૯
પહેલા તબક્કામાં આટલા કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું કહેવાય છે
૬૦૫૬.૮૨
આટલા સ્ક્વેરમીટરમાં આ બંગલો ફેલાયેલો છે