મારા પિતાનો બીજેપી છોડવાનો નિર્ણય આકરો છતાં અનિવાર્ય : રોહિણી ખડસે

23 October, 2020 06:39 AM IST  |  Mumbai | Agency

મારા પિતાનો બીજેપી છોડવાનો નિર્ણય આકરો છતાં અનિવાર્ય : રોહિણી ખડસે

એકનાથ ખડસે ચાર્ટર્ડ હેલિકૉપ્ટરમાં મુંબઈ પહોંચ્યા

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન એકનાથ ખડસેનો બીજેપી છોડવાનો નિર્ણય અઘરો અને આકરો છતાં અનિવાર્ય હોવાનું તેમનાં પુત્રી રોહિણી ખડસેએ જણાવ્યું હતું. ૨૦૧૬માં મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં પ્રધાનપદે હતા, ત્યારે ભ્રષ્ટાચારના આરોપોને કારણે પ્રધાનપદેથી રાજીનામું આપ્યા પછી એકનાથ ખડસે પક્ષના નેતૃત્વ તરફ નારાજ હતા. તેમણે શુક્રવારે (આજે) શરદ પવાર પ્રણિત રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે. એ નિર્ણયના અનુસંધાનમાં ગઈ કાલે રોહિણી ખડસેએ નાશિકમાં પત્રકારો સમક્ષ કેફિયત જણાવી હતી.

રોહિણી ખડસેએ જણાવ્યું હતું કે ‘મારા પિતાએ જીવનનાં ૪૦ વર્ષ બીજેપીને સમર્પિત કર્યાં છે. રાજ્યમાં પક્ષના વૃદ્ધિ-વિકાસમાં તેમનો મોટો ફાળો છે. તેમને માટે અને મારે માટે પક્ષ છોડવાનો નિર્ણય ખૂબ અઘરો અને આકરો હતો, પરંતુ એ નિર્ણય અનિવાર્ય હોવાનું હું માનું છું. અમે નિશ્ચિતરૂપે નવા પક્ષમાં જોડાઈ રહ્યા છીએ. હવે અમે પાછા વળીને જોવાના નથી.’

૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના નેતાઓએ એકનાથ ખડસેને ઉમેદવારી નકારી હતી. તેમને બદલે તેમનાં પુત્રી રોહિણીને જળગાવ જિલ્લાના મુક્તાઈ નગરની બેઠકની ટિકિટ આપી હતી, પરંતુ રોહિણી ખડસે હારી ગયાં હતાં. એકનાથ ખડસેનાં પુત્રવધૂ રક્ષા ખડસે બીજેપીના પ્રતિનિધિ રૂપે લોકસભામાં રાવેર મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે.

એકનાથ ખડસે ચાર્ટર્ડ હેલિકૉપ્ટરમાં મુંબઈ પહોંચ્યા

બીજેપીમાંથી રાજીનામું આપનારા વરિષ્ઠ નેતા એકનાથ ખડસે ગઈ કાલે તેમના વતન જળગાવથી ચાર્ટર્ડ હેલિકૉપ્ટરમાં મુંબઈ આવી પહોંચ્યા હતા. તેમની સાથે પત્ની મંદાકિની, પુત્રી રોહિણી અને પર્સનલ અસિસ્ટન્ટ ગોપાલ ચૌધરી હતા. તેઓ મુક્તાઈનગરથી હેલિકૉપ્ટરમાં બેઠા હતા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો એકત્રિત થયા હતા. આજે તેઓ બપોરે બે વાગ્યે એનસીપીમાં પ્રવેશ કરશે.

eknath khadse mumbai mumbai news maharashtra bharatiya janata party nationalist congress party