બાપ રે...કોથમીરની ઝૂડીના ૬૦ રૂપિયા!

19 October, 2021 08:41 AM IST  |  Mumbai | Rohit Parikh

ત્રણ દિવસ પહેલાં રીટેલમાં ૧૫થી ૨૦ રૂપિયે વેચાતી કોથમીરની ઝૂડી ગઈ કાલે માર્કેટમાં ૫૦થી ૬૦ રૂપિયે વેચાઈ હતી : આશ્ચર્ય તો એનું કે બોરીવલીમાં એ ૧૮૦ રૂપિયે વેચાઈ

ફાઈલ તસવીર

મુંબઈ અને મહારાષ્ટ્રમાં તાજેતરમાં પડેલા જોરદાર વરસાદને કારણે કોથમીરની બજારમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ત્રણ દિવસ પહેલાં રીટેલમાં ૧૫થી ૨૦ રૂપિયામાં વેચાતી કોથમીરની ઝૂડી ગઈ કાલે ૫૦થી ૬૦ રૂપિયાના ભાવે વેચાઈ રહી હતી. સૌથી મોટો ઝટકો તો કાંદિવલી અને બોરીવલીની મહિલાઓને લાગ્યો હતો. ગઈ કાલે બોરીવલી-વેસ્ટની સ્ટેશન પાસે આવેલી શાકમાર્કેટમાં કોથમીરની સારી ક્વૉલિટીની ઝૂડીનો ભાવ સવારે આઠ વાગ્યે ૧૮૦ રૂપિયાનો હતો જેને પરિણામે અનેક મહિલાઓએ કોથમીરની ઝૂડી ખરીદવાનું ટાળ્યું હતું. ટામેટા અને કાંદા બાદ હવે કોથમીર આટલી મોંઘી થઈ જતાં ગૃહિણીઓનું બજેટ હલી ગયું છે.

નવી મુંબઈના વાશીમાં આવેલી એપીએમસી હોલસેલ માર્કેટમાં ચાલી રહેલા કોથમીરના ભાવની માહિતી આપતાં એપીએમસી શાકમાર્કેટના ડિરેક્ટર શંકર પિંગળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે માર્કેટમાં ૧૦૦ ઝૂડીનો ભાવ નાશિકની કોથમીરનો ૫૦૦૦થી ૬૦૦૦ રૂપિયા અને પુણેની કોથમીરનો ૩૫૦૦થી ૪૦૦૦ રૂપિયાની વચ્ચેનો રહ્યો હતો. લોકલ કોથમીરનો ભાવ ૨૫૦૦ રૂપિયા હતો. વરસાદને કારણે મહારાષ્ટ્રમાં કોથમીરનું ઉત્પાદન ઓછું થયું છે. ઘણોબધો માલ બગડી ગયો છે જેને પરિણામે માર્કેટમાં એના ભાવમાં ઉછાળો આવ્યો છે.’

વેજિટેબલ્સ ગ્રોવર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ શ્રીરામ ગાડવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં ગયા અઠવાડિયામાં આવેલા વરસાદને કારણે કોથમીરનો ૭૦થી ૮૦ ટકા માલ ખરાબ થઈ ગયો હતો. જ્યાં ખેડૂતોને ૪૦૦૦ ઝૂડી પાકનું ઉત્પાદન મળવું જોઈએ એને બદલે ફક્ત ૫૦૦ ઝૂડીનું જ ઉત્પાદન મળ્યું હતું.’ 

પુણેની માર્કેટ યાર્ડના સંચાલક દત્તા કલમકરે માલની આવક બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય સંજોગોમાં યાર્ડમાં રોજની ૧.૬૦ લાખ ઝૂડીઓ કોથમીરની આવે છે. એને બદલે ગઈ કાલે માર્કેટમાં ૮૬,૦૦૦ કોથમીરની ઝૂડીઓની આવક થઈ છે, જેને લીધે કોથમીરના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. હોટેલ અને રેસ્ટોરાંમાં કોથમીરની ડિમાન્ડ રોજની સૌથી વધારે હોવાથી કોથમીરની ઝૂડીના ભાવ વધી ગયા છે.’

કોથમીરના ભાવમાં ઉછાળાને પગલે અમે અમારા ઘરમાં કોથમીર લાવવાનું જ બંધ કરી દીધું છે એમ જણાવતાં બોરીવલી-વેસ્ટની ખ્યાતિ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પરિવારમાં કોથમીર વગરનું જમવાનું ભાગ્યે જ બને છે. દાળ અને શાકભાજી કોથમીર વગર હોય જ નહીં. એને બદલે ગઈ કાલે ઘરમાં કહી દીધું છે કે થોડા દિવસ કોથમીર વગર ચલાવજો.’ 

mumbai mumbai news rohit parikh