ખંડણીના કેસમાં જૅકલિન ફર્નાન્ડિસની મુંબઈ ઍરપોર્ટ પર કરવામાં આવી અટક

06 December, 2021 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેની સામે ૨૦૦ કરોડના ખંડણીના કેસની તપાસમાં લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ હતી

જૅકલિન ફર્નાન્ડિસ

બૉલીવુડની અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડિસને ગઈ કાલે મુંબઈ ઍરપોર્ટ પર ઇમિગ્રેશનના અધિકારીઓએ દુબઈ એક શૉમાં જતાં અટકાવીને ડિટેન કરી હોવાનું જાણવા મળ્યું હતું. કૉનમૅન સુકેશ ચંદ્રશેખરને સાંકળતા ૨૦૦ કરોડના ખંડણી કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) કરી રહી છે અને એમાં આ ઍક્ટ્રેસ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હોવાથી તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ જૅકલિન ગઈ કાલે મુંબઈ ઍરપોર્ટ પર વિદેશ જવા માટે ફ્લાઇટની પ્રોસેસમાં હતી ત્યારે ઇમિગ્રેશનના અધિકારીઓએ તેની સામે લુકઆઉટ નોટિસ હોવાનું કહીને તેને અટકાવી હતી. થોડા સમય પહેલાં જૅકલિનની ઈડીએ પૂછપરછ કરવાની સાથે તેનું નિવેદન નોંધ્યું હતું. આ સિવાય તાજેતરમાં ઈડીએ સુકેશ ચંદ્રશેખર સામે ચાર્જશીટ દાખલ કરી હતી એમાં જૅકલિન ફર્નાન્ડિસનું નામ હતું. જાણવા મળ્યું હતું કે આરોપી સુકેશ જ્યારે જેલમાં હતો ત્યારે તેણે જૅકલિનને ૧૦ કરોડ રૂપિયાની‌ ગિફ્ટ મોકલી હતી અને તે જામીન પર હતો ત્યારે તેણે મુંબઈથી ચેન્નઈ જવા ચાર્ટર ફ્લાઇટ જૅકલિન માટે બુક કરાવી હતી. ઈડીને શંકા છે કે આરોપી સુકેશે એક બિઝનેસમૅનની પત્ની પાસેથી મોટી ખંડણી લીધી હતી જે તેણે જૅકલિનને ડાઇવર્ટ કરી હતી. જોકે તપાસમાં જૅ‌કલિને કહ્યું હતું કે તે પીડિત છે અને તપાસમાં પૂરતો સહયોગ કરશે.
ઉલ્લેખનીય છે કે આરોપી સુકેશ ચંદ્રશેખર તિહાર જેલમાં હતો ત્યારે તેણે એક બિઝનેસમૅનની પત્ની પાસેથી ૨૦૦ કરોડ રૂપિયાની કથિત ખંડણી લીધી હતી. ઉચ્ચ અધિકારી હોવાનું કહીને પતિ સામે નોંધાયેલા લિગલ કેસમાં મદદ કરવાના નામે એક વર્ષમાં આ રૂપિયા વસૂલ્યા હોવાનો આરોપ છે.

mumbai mumbai news jacqueline fernandez mumbai airport