ગોરેગામ અને નવી મુંબઈથી એક્સ્ટસી ડ્રગનો જથ્થો પકડાયો : બેની ધરપકડ

21 August, 2020 10:05 AM IST  |  Mumbai | Vishal Singh

ગોરેગામ અને નવી મુંબઈથી એક્સ્ટસી ડ્રગનો જથ્થો પકડાયો : બેની ધરપકડ

સૉફ્ટ ટૉય્ઝના પાર્સલમાં કાર્ડ બોર્ડના પોલાણમાં છુપાવેલો ગોળીઓનો જથ્થો

મુંબઈ પોલીસના નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોમાં એક્સ્ટસી અથવા મૉલીના નામે ઓળખાતી કૅફી દવાનો મોટો જથ્થો જપ્ત કરીને બે જણની ધરપકડ કરી હતી. એક્સ્ટસી કે મૉલીનું મૂળ નામ મેથિલિનડિયોક્સિમેથાએમ્ફેટેમાઇન (એમડીએમએ) છે. ૧૦ ઑગસ્ટે ગોરેગામ-વેસ્ટમાં એક્સ્ટસીની ૩૦૧૦ ગોળીઓ (૯૬૯ ગ્રામ) અને ત્યાર પછી નવી મુંબઈમાં ૪૬ ગોળીઓ (૧૭.૫ ગ્રામ) મળીને કુલ ૩૦૫૬ ગોળીઓ (૯૮૬.૫ ગ્રામ)નો જથ્થો પકડાયો હતો. નારંગી, ગુલાબી અને લીલા રંગની એ ગોળીઓ મુંબઈની પાર્ટી સર્કિટ્સમાં વેચવાના ઇરાદે બેલ્જિયમના બ્રસેલ્સથી લાવવામાં આવી હોવાનું એનસીબીના અધિકારીઓએ જણાવ્યું હતું.
એનસીબીના અધિકારીઓએ બાતમીને આધારે ગોરેગામ-વેસ્ટમાં ડીએચએલ એક્સપ્રેસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ઑફિસમાં સૉફ્ટ ટૉય્ઝના પાર્સલમાં કાર્ડ બોર્ડના પોલાણમાં છુપાવેલો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યાર પછી વધુ બાતમીને આધારે નવી મુંબઈમાં એચ. એ. ચૌધરી અને આર. બથારે પાસેથી ૪૬ ગોળીઓ જપ્ત કરી હતી. ચૌધરી અને બથારેની ધરપકડ બાદ તેમને અદાલતમાં રજૂ કરવામાં આવતાં મૅજિસ્ટ્રેટે બન્નેને જુડિશ્યલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. ઊર્જા, ખુશી અને આભાસનો કૃત્રિમ અહેસાસ કરાવતા આ ડ્રગનું ઉત્પાદન મુખ્યત્વે પશ્ચિમ અને મધ્ય યુરોપમાં કરવામાં આવે છે.

vishal singh mumbai mumbai news navi mumbai goregaon Crime News