મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, ચીનના ત્રણ પ્રોજેક્ટ પર લગાવી રોક

22 June, 2020 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, ચીનના ત્રણ પ્રોજેક્ટ પર લગાવી રોક

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (ફાઈલ તસવીર)

ભારત-ચીન સીમા વિવાદ અને લદ્દાખની ગલવાન ઘાટીમાં 20 સૈનિકો શહીદ થયા બાદ દેશના લોકો ચીન વિરુદ્ધ રોષે ભરાયા છે અને ચીની સામાનના બહિષ્કારના મુદ્દાએ પણ જોર પકડયું છે. ભારત-ચીન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. એવામાં જ મહારાષ્ટ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. ભારત-ચીન સીમા વિવાદની પાર્શ્વભૂમિ પર મહારષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કર્યા બાદ ચીનની કંપનીના ત્રણ પ્રોજેક્ટ પર રોક લગાવી છે. આ પ્રોજેક્ટોની કિંમત આશરે 5,000 કરોડ રૂપિયા છે. હવે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આવ્યા બાદ તેની પર કોઈ નિર્ણય લેવામાં આવશે.

જે પ્રોજેક્ટ પર મહારાષ્ટ્ર સરકારે ચીન માટે પ્રતિબંધ મૂક્યો છે તેમાં પુનાની પાસેના તાલેગામમાં ઈલેક્ટ્રિકલ વ્હીકલની મોટી ફેક્ટ્રીના પ્રોજેક્ટનો પણ સમાવેશ છે. આ લગભગ 3500 હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારે છેલ્લા કેટલાક દિવસમાં 12 એમઓયૂ સાઈન કર્યા છે. તેમાંથી ત્રણ ચાઈનીઝ કંપનીઓના પ્રોજેક્ટસ પર રોક લગાવી છે. જ્યારે નવ પ્રોજેક્ટનું કામ હજુ પણ ચાલુ રહેશે. તેમાં અન્ય દેશની કંપનીઓ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે દરેક રાજ્ય સરકાર પાસેથી ચીનના પ્રોજેક્ટ અને આયાત પરની માહિતી માંગી હતી.

આ પહેલાં ટેલિકોમ ડિપાર્ટમેન્ટ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ 4જી અપગ્રેડેશનની સુવિધામાં ચીની ઈક્વિપમેન્ટ્સનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. ટેલિકોમ ડિપાર્ટમેન્ટે BSNL સાથે સંબંધિત ટેન્ડર પર ફરીથી કામ કરવા કહ્યું છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ આ વાત પર પણ વિચાર કરી રહ્યું છે કે, દેશની પ્રાઈવેટ મોબાઈલ સર્વિસ કંપનીઓના ઉત્પાદન પર નિર્ભરતા ઓછી રહે.

એટલું જ નહીં, ભારતીય રેલ્વેએ ચીનમાં બનેલી ચીજોનો ઉપયોગ કરવાનો ઈન્કાર કર્યો છે. ચીનની કેટલીક કંપનીઓની સાથે અનેક કરાર પણ રદ્દ કર્યા છે. આ સમયે ભારત સરકાર ઘરેલૂ ઉત્પાદનોની નિકાસ વધારવાની કોશિશ કરી રહી છે. જેના આધારે વાણિજ્ય મંત્રાલયે અલગ અલગ દેશોમાં ઘરેલૂ કંપનીઓના નિકાસ માટેના અવસર શોધવા માટે ભારતીય મિશનની સાથે 1500 પ્રોડક્સનું લિસ્ટ જાહેર કર્યું છે.

maharashtra uddhav thackeray india china ladakh