ફ્લાઇટમાં નશામાં ધુત ઇટલીની મહિલાએ બિઝનેસ ક્લાસમાં બેસવા ક્રૂ મેમ્બરને માર્યો

01 February, 2023 08:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્લાઇટ મુંબઈ ઍરપોર્ટ પર પહોંચ્યા બાદ ૪૫ વર્ષની ઇટાલિયન મહિલા સામે ફરિયાદ નોંધાવાતાં પોલીસે તેની ધરપકડ કરી

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

મુંબઈ : ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં મહિલા પ્રવાસી પર પેશાબ કરવાની ઘટના હજી તાજી છે ત્યાં સોમવારે અબુ ધાબીથી મુંબઈ આવી રહેલી ફ્લાઇટમાં દારૂના નશામાં ધુત મહિલાએ ઇકૉનૉમી ક્લાસની ટિકિટ હોવા છતાં બિઝનેસ ક્લાસમાં બેસવા માટે હંગામો કરવાની સાથે ક્રૂ મેમ્બરની મારપીટ કરી હોવાનું જાણવા મળ્યું હતું. ફ્લાઇટ મુંબઈ ઍરપોર્ટ પર પહોંચ્યા બાદ ૪૫ વર્ષની ઇટાલિયન મહિલા સામે ફરિયાદ નોંધાવાતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

સહાર પોલીસના જણાવ્યા મુજબ સોમવારે સવારના અબુ ધાબીથી મુંબઈ આવેલી વિસ્ટારા ઍરલાઇન્સની ફ્લાઇટમાં ઇટલીની ૪૫ વર્ષની મહિલા પ્રવાસી પાઓલા પેરુશિયો પાસે ઇકૉનૉમી ક્લાસની ટિકિટ હતી, પણ ફ્લાઇટમાં ચડ્યા બાદ પહેલાં ઇકૉનૉમી ક્લાસમાં અને બાદમાં તેણે બિઝનેસ ક્લાસમાં બેસવાનો આગ્રહ કર્યો હતો. ક્રૂ મેમ્બરોએ વિરોધ કરતાં આ મહિલાએ તેનાં અડધાં કપડાં કાઢી નાખ્યાં હતાં અને ક્રૂ મેમ્બરની મારપીટ કરી હતી. આરોપી મહિલા દારૂના નશામાં હતી.

ઍર વિસ્તારા દ્વારા પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે પહેલાં મહિલા ઇકૉનૉમી ક્લાસમાં બેઠી હતી. રાતના અઢી વાગ્યે તે ઊભી થઈને બિઝનેસ ક્લાસની સીટમાં જઈને બેસી ગઈ હતી. ફ્લાઇટના ક્રૂ મેમ્બરે મહિલાને તેની ઇકૉનૉમી ક્લાસની સીટમાં બેસવાનું કહ્યું ત્યારે તે બૂમાબૂમ કરવા લાગી હતી અને એક ક્રૂ મેમ્બરના મોઢા પર ફાઇટ મારી દીધી હતી અને બીજા મેમ્બરને લાફો ઝીંકી દીધો હતો. આ જોઈને બીજા ક્રૂ મેમ્બરો મહિલા પાસે પહોંચ્યા હતા ત્યારે તેણે તેનાં કપડાં ઉતારવા માંડ્યાં હતાં. બાદમાં મહિલા અર્ધનગ્ન હાલતમાં ફ્લાઇટની સીટ વચ્ચે આમેતમ આંટા મારવા લાગી હતી. આ જોઈને વિમાનમાં બેસેલા બીજા પ્રવાસીઓ ચોંકી ઊઠ્યા હતા. ફ્લાઇટ મુંબઈ લેન્ડ થયા બાદ આ મહિલાને ઍર વિસ્તારાના સિક્યૉરિટી અધિકારીને સોંપવામાં આવી હતી. 

mumbai mumbai news abu dhabi mumbai police mumbai airport