02 June, 2025 06:59 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પુણેના યુવાને દારૂ પીને કાર ચલાવીને ૧૨ જણને અડફેટે લીધા
પુણેના સદાશિવ પેઠમાં ભાવે હાઈ સ્કૂલ પાસે ગઈ કાલે સાંજે ૫.૪૫ વાગ્યે એક યુવાને દારૂના નશામાં તેની કાર પૂરઝડપે ચલાવી ચાના સ્ટૉલ પર ઊભેલા ૧૨ લોકોને અડફેટે લીધા હતા, જેમાં ૬ વિદ્યાર્થીઓ છે. આ ઘટનામાં ચાર જણને ગંભીર ઈજા થઈ છે. વિશ્રામ બાગ પોલીસે આ સંદર્ભે કાર ચલાવનાર યુવાનને પકડીને તેને મેડિકલ ટેસ્ટ માટે સસૂન હૉસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.
જે ૧૨ લોકો ઘાયલ થયા છે એમાં ૯ પુરુષ અને ૩ મહિલાઓ હતી. ચાર જણને ગંભીર ઈજાઓ થઈ છે અને તેમને ફ્રૅક્ચર થયાં છે. એક વિદ્યાર્થિનીને ગંભીર ઈજા થતાં તેની કમરની નીચેનો ભાગ ખોટો પડી ગયો છે. તેને પહેલાં નજીકની યોગેશ હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી એ પછી દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી.
વિશ્રામ બાગ પોલીસ-સ્ટેશનનાં મહિલા સિનિયર ઇન્સ્પેક્ટર વિજયમાલા પવારે કહ્યું હતું કે ‘કાર ચલાવનાર જયરામ શિવાજી મોરે અને તેની બાજુમાં બેસેલો તેનો મિત્ર રાહુલ ગોસાવી બન્ને બીબવેવાડીની સમર્થ કૉલોનીમાં રહે છે. પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવ્યું હતું કે જયરામે દારૂ પીધો હતો. એથી તેની ધરપકડ કરીને મેડિકલ ટેસ્ટ કરાવવા સસૂન હૉસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. કેસની વધુ તપાસ ચાલી રહી છે.’