ટૉઇલેટ જવા ન મળતાં ઍક્ટ્રેસે કરી ધમાલ

02 April, 2019 08:57 AM IST  |  | ફૈઝાન ખાન

ટૉઇલેટ જવા ન મળતાં ઍક્ટ્રેસે કરી ધમાલ

રુહી સિંહ

દૂરદર્શનની કેટલીક સિરિયલોમાં કામ કરનારી ઍક્ટ્રેસ રૂહી સિંહે ગઈ કાલે વહેલી સવારે બાંદરાના કેએફસીમાં પેશાબ કરવા ન દેવામાં આવતાં હાઈ ડ્રામા કર્યો હતો. તેણે ડ્યૂટી પર રહેલા પોલીસ જવાનને ફક્ત થપ્પડ જ મારી નહોતી, પોતાની કાર લઈને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ચિક્કાર નશામાં હોવાથી સાત વાહનોને ટક્કર મારી દીધી હતી.

ખાર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે ‘આ બનાવ ગઈ કાલે લિન્કિંગ રોડ પર આવેલા કેએફસી આઉટલેટ પર બન્યો હતો. રૂહી સિંહ અને તેના મિત્રો રાહુલ ગૌડ અને સ્વપ્નીલ શ્રીવાસ્તવે સ્ટાફને લૉક ખોલવાનું કહ્યું હતું જેથી તેઓ ટૉઇલેટનો ઉપયોગ કરી શકે અને સ્ટાફ સાથે આ મામલે વિવાદ કરીને એક સ્ટાફરની મારપીટ પણ કરી હતી.’

મુંબઈ પોલીસના મેઇન કન્ટ્રૉલ રૂમને કેએફસીમાંથી ત્રણ લોકો સામે ફરિયાદ મળી હતી અને ખાર પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યારે ત્રણેય સ્ટાફ મેમ્બર્સ સાથે ઝઘડો કરી રહ્યા હતા. પોલીસે હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે રૂહીએ તેમની સાથે પણ વિવાદ કર્યો હતો. આ ત્રણેય નશામાં હોવાથી પોલીસ તેમનો વિડિયો રેકૉર્ડ કરી રહી હતી. આનાથી ગુસ્સે ભરાયેલી રૂહીએ કૉન્સ્ટેબલ લક્ષ્મીકાંત શેટuેનો ફોન છીનવી લીધો હતો અને તેને એક થપ્પડ પણ મારી હતી. પોલીસ ટીમમાં કોઈ લેડી ન હોવાથી ફક્ત બન્ને મિત્રને પોલીસે પકડ્યા હતા અને પોલીસ સ્ટેશને ફોન કરીને લેડી કૉન્સ્ટેબલને બોલાવવામાં આવી હતી જેથી રૂહીને પોલીસ સ્ટેશન લઈ જઈ શકાય.

મહિલા કૉન્સ્ટેબલ આવે એ પહેલાં જ રૂહી કૉન્સ્ટેબલ લક્ષ્મીકાંતનો બેજ છીનવીને દોડી ગઈ હતી અને કાર લઈને ભાગવા લાગી હતી. જોકે, તે વધુ લાંબે જઈ શકી નહોતી. નશાની હાલતમાં તેણે કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન નજીક પાર્ક કરેલી સાત કારને તેણે ટક્કર મારી દીધી હતી.

આ પણ વાંચોઃ મુંબઈઃઆને કહેવાય પ્રેમ, પતિની કિડની ફેલ થતા પત્નીએ આપી કિડની

શું કહે છે રૂહી સિંહ?

કૅમેરામાં રૂહીનું જે રેકૉર્ડિંગ થયું છે એમાં તેના હાથમાં કૉન્સ્ટેબલ લક્ષ્મીકાંતનો બેજ છે અને તે કહી રહી છે કે ‘તમારા ઑફિસરે મને લાફો માર્યો હતો. મેં કશું જ ખોટું કર્યું નથી. મારે ફક્ત ટૉઇલેટનો ઉપયોગ કરવો હતો..’

mumbai news bandra