શૂટિંગ અને પોસ્ટ-પ્રોડક્શન શરૂ કરવા ઍક્શન પ્લાન ઘડાશે?

21 May, 2020 09:37 AM IST  |  Mumbai | Agencies

શૂટિંગ અને પોસ્ટ-પ્રોડક્શન શરૂ કરવા ઍક્શન પ્લાન ઘડાશે?

ઉદ્ધવ ઠાકરે

શૂટિંગ અને પોસ્ટ-પ્રોડક્શન ઍક્ટિવિટીઝ મર્યાદિત પ્રમાણમાં શરૂ કરવા ઍક્શન પ્લાન ઘડવાનો અનુરોધ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ફિલ્મો, ટીવી-સિરિયલ્સ અને વેબ-સિરીઝના નિર્માતા-દિગ્દર્શકો તથા અન્ય અગ્રણીઓને કર્યો હતો. ગઈ કાલે મનોરંજન ઉદ્યોગના પ્રતિનિધિઓ જોડે ચર્ચા વેળા મુખ્ય પ્રધાને નૉન-રેડ ઝોન્સમાં શૂટિંગ્સ અને પોસ્ટ-પ્રોડક્શન વર્ક શરૂ કરવા વિશે વિચારવાની તૈયારી દાખવતાં સિનેમા હૉલ્સ અને થિયેટર્સ નજીકના ભવિષ્યમાં ખોલવાની શક્યતા નકારી હતી.

મુખ્ય પ્રધાને પ્રતિનિધિમંડળને સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાય એ રીતે ભાવિ મર્યાદિત પ્રવૃત્તિઓ માટે ઍક્શન પ્લાન ઘડવા જણાવ્યું હતું. માર્ચ મહિનાના બીજા સપ્તાહથી ફિલ્મોનાં શૂટિંગ તથા અન્ય પ્રોડક્શન ઍક્ટિવિટીઝ કોરોના રોગચાળાને કારણે બંધ છે. 70 હિન્દી, 40 મરાઠી અને 10 વેબ-સિરીઝનાં કામકાજ રોગચાળાને કારણે થંભી ગયાં હતાં. એને કારણે ત્રણ લાખ કર્મચારીઓ અને ટેક્નિશ્યન્સના રોજગાર-આજીવિકા અટકી પડ્યા છે. મનોરંજન ઉદ્યોગના પ્રતિનિધિઓએ કરેલી માગણીઓમાં સિંગલ સ્ક્રીન થિયેટર્સને બચાવવા, ગરીબ મ્યુઝિક કમ્પોઝર્સને મદદ કરવા અને ફિલ્મ ઉદ્યોગનો ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી) માફ કરવાનો સમાવેશ છે. મુખ્ય પ્રધાને ફિલ્મસિટીમાં સેટ ઊભા કરાયા હોય એવા પ્રોડક્શન હાઉસિસને ભાડામાં રાહત અને લોકકલાકારોને સહાય માટે વિચારણા કરવાની બાંયધરી આપી હતી.

આરોગ્યની આ કટોકટીનો હજી અંત આવ્યો નથી - ઉદ્ધવ ઠાકરે

મે મહિનાના અંતમાં અને જૂન મહિનામાં કોરોના કેસિસની સંખ્યામાં ઉછાળો આવવાના કેન્દ્ર સરકારના સંકેતો સામે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના રોગચાળાના પ્રસાર પર નિયંત્રણમાં નોંધપાત્ર પ્રમાણમાં સફળતા મળી હોવાનો દાવો મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કર્યો હતો. મનોરંજન ઉદ્યોગના પ્રતિનિધિઓ જોડે બેઠક બાદ બહાર પાડવામાં બયાનમાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘કોરોના ઇન્ફેક્શનના દરદીઓની સંખ્યા વધતી જાય છે અને આરોગ્યની કટોકટીનો હજી અંત આવ્યો નથી. કેન્દ્ર સરકારને એવું લાગે છે કે આ મહિનાના અંતમાં અને જૂન મહિનામાં કેસની સંખ્યા વધવાની શક્યતા દર્શાવી છે. અમે સાવચેતી રાખીએ છીએ. જોકે રોગચાળાનો પ્રસાર નોંધપાત્ર પ્રમાણમાં નિયંત્રિત કરી શકાયો છે.’

રોગચાળા પર નિયંત્રણમાં નિષ્ફળતાના બીજેપીના આરોપો વિશે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘હું કોઈની ટીકાઓનો જવાબ આપવાનો નથી, કારણ કે મને લાગે છે કે જનતાની કાળજી રાખવાની ફરજ નિભાવવી મારે માટે વધારે મહત્ત્વપૂર્ણ છે. લૉકડાઉનના વિસ્તરણ દરમ્યાન અમારી સરકારે આર્થિક પ્રવૃત્તિ રોકી નથી.’

uddhav thackeray mumbai news mumbai lockdown coronavirus covid19