૧૮,૦૦૦ રૂપિયાની લાંચ લેતાં પોલીસ ઝડપાયો

29 January, 2022 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડોંગરી પોલીસ સ્ટેશનના એપીઆઇ સંજીવ નિમ્બાલકર મોહમ્મદ અલી વલી મન્સૂરી નામના માણસને એસીબીની ટીમે ગુરુવારે સાંજે છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી લીધા હતા

પ્રતીકાત્મક તસવીર

ઍન્ટિ-કરપ્શન બ્યુરો (એસીબી)એ એક વ્યક્તિના કેસના મામલે તેના સંબંધી સામે કોઈ કાનૂની કાર્યવાહી ન કરવાનું વચન આપીને તેની પાસેથી ૧૮,૦૦૦ રૂપિયાની લાંચ લેતાં અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર અને બીજા એક જણને પકડ્યા હતા.
ડોંગરી પોલીસ સ્ટેશનના એપીઆઇ સંજીવ નિમ્બાલકર (૫૦ વર્ષ) અને મોહમ્મદ અલી વલી મન્સૂરી (૪૧ વર્ષ) નામના માણસને એસીબીની ટીમે ગુરુવારે સાંજે છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી લીધા હતા.
પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘અગાઉ પોલીસે મટકા જુગારના આંકડા દર્શાવતી કેટલીક ચિઠ્ઠી મળી આવ્યા બાદ એક શકમંદની અટકાયત કરી હતી. કેસની તપાસ ચલાવી રહેલા સંજીવ નિમ્બાલકરે શકમંદના પિતરાઈ ભાઈ પાસે મન્સૂરી મારફત ૨૦,૦૦૦ રૂપિયાની લાંચની માગણી કરી હતી.’
શકમંદના પિતરાઈએ એસીબીને સંજીવની લાંચની માગણીની ફરિયાદ કર્યા બાદ છટકું ગોઠવવામાં આવ્યું હતું. સંજીવ વતી લાંચ લઈ રહેલા મન્સૂરીને એસીબીની ટીમે ઝડપી લીધો હતો. આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

mumbai mumbai news Crime News mumbai crime news mumbai police