કોરોનાથી છૂટ્યા તો થાકે પકડ્યા

19 January, 2022 08:06 AM IST  |  Mumbai | Vinod Kumar Menon

હા, કોરોના પછી સતત અનુભવાતો થાક ચિંતાનો વિષય છે : પૂરતી ઊંઘ, પૂરતું લિક્વિડ લેવાની અને સક્રિય રહેવાની સલાહ અપાય છે

પ્રતીકાત્મક તસવીર

કોરોના કે વાઇરલ ઇન્ફેક્શનની સારવાર લઈ ચૂકેલા ઘણા લોકોને થાકનો અનુભવ થઈ રહ્યો છે, જેને કારણે રિકવરી ધીમી થઈ જતી હોવાનો મત આરોગ્ય નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો. આ લક્ષણોમાં લાંબા સમય સુધી થાક વર્તાવો અથવા ઊંઘ આવવી, માથું દુખવું, કળતર થવી, સુસ્તી લાગવી, નિર્ણય લેવાના કૌશલ્યમાં ઘટાડો થવો, મૂડ બદલાતો રહેવો, ચીડિયાપણું વગેરેનો સમાવેશ થાય છે એમ તેમણે ઉમેર્યું હતું.
ગ્રાન્ટ મેડિકલ કૉલેજ ઍન્ડ સર જે. જે. ગ્રુપ ઑફ હૉસ્પિટલ્સના પ્રોફેસર ઑફ મેડિસિન ડૉક્ટર વિકાર શેખે કહ્યું હતું કે વાઇરલ ઇન્ફેક્શનમાંથી સાજા થયા બાદ થોડા સમય સુધી થાક વર્તાવો એ તદ્દન સામાન્ય બાબત છે. જોકે પોસ્ટ વાઇરલ ફટિગ (પીવીએફ) કેટલીક વખત અઠવાડિયાંઓ કે મહિનાઓ સુધી રહેતો હોય છે.
યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટન - સિએટલના પ્રોફેસર ઑફ ગ્લોબલ હેલ્થ ડૉક્ટર સુભાષ હીરાએ જણાવ્યું હતું કે ‘કોરોનાએ અબજો લોકોને ઝપટમાં લીધા છે અને એમાંથી ઘણા લોકોએ સતત થાક વર્તાવાની ફરિયાદ કરી છે. કોરોનાના ૩૦ ટકા જેટલા અને લાંબા ગાળા સુધી કોરોનાગ્રસ્ત રહેનારા ૮૦ ટકા દરદીઓને થાક લાગે છે.’
ડૉક્ટર સુભાષ હીરાએ વધુમાં જણાવ્યું હતું કે ‘સૌપ્રથમ દરદીએ સ્વીકારવું જોઈએ કે ફટિગ સિન્ડ્રૉમ એ કોરોના સાથે સંકળાયેલી એક વાસ્તવિક બીમારી છે. લોકોએ રાતે પૂરતી ઊંઘ લેવાનો, મેડિટેશન કે યોગ જેવી હળવાશનો અનુભવ કરાવતી પ્રવૃત્તિ કરવાનો, હળવી કસરત કરવાનો, પૂરતું પ્રવાહી લેવાનો, સક્રિય રહેવાનો પ્રયાસ કરવો જોઈએ તથા શ્રમભરી પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ અને તાકાત મળે એવો આહાર લેવો જોઈએ. જો બે-ત્રણ અઠવાડિયાં પછી પણ થાક લાગતો હોય કે બીજાં લક્ષણો જણાતાં લોકોએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.’
ડી. વાય. પાટીલ મેડિકલ કૉલેજના પ્રોફેસર ઑફ સર્જરી ડૉક્ટર કેતન વાઘોલકરે જણાવ્યું હતું કે ‘કોરોના બાદ ફટિગ સિન્ડ્રૉમ થાય છે અને સાજા થવાનો સમયગાળો ભિન્નતા ધરાવે છે. પૂરતો આરામ, ઊંઘ અને સારો આહાર જરૂરી છે. વર્ક ફ્રૉમ હોમ જેવી રોજિંદી પ્રવૃત્તિઓ ધીમે-ધીમે શરૂ કરવી જોઈએ અને આરામ કરવો જોઈએ. ઝડપથી સાજા થઈ જવા માટે વ્યગ્ર થવાની જરૂર નથી. શરીરના સંકેતો પારખીને પ્રવૃત્તિની ગતિ વધારો. સમય જતાં સારું થવા લાગે છે અને જો ન થાય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.’

થાકનો ઘરે ઉપચાર કેવી રીતે કરવો?
-    પ્રોટીનથી ભરપૂર આહાર લો.
-    ખૂબ પાણી પીઓ.
-    શ્વાસની કસરત કરવાનો પ્રયાસ કરો.
-    હળવી કસરત કરવાની કોશિશ કરો.
-    હળવાશનો અનુભવ કરાવતી ટેક્નિકની પ્રૅક્ટિસ કરો.
-    સકારાત્મક માનસિકતા અને અભિગમ રાખો.

coronavirus covid19 mumbai mumbai news vinod kumar menon